નવી દિલ્હીઃ ઇરાને પાકિસ્તાનમાં એક આતંકી સંગઠનના અડ્ડા પર એર સ્ટ્રાઇક કરી હોવાનો દાવો કર્યો છે. આ એર સ્ટ્રાઇક બલુચિસ્તાનના પંજગુરમાં કરવામાં આવી હતી. ઇરાનનું કહેવું છે કે તેણે આતંકી સંગઠન જૈશ-અલ-અદલના અડ્ડા પર આ હુમલો કર્યો છે. જો કે પાકિસ્તાન દ્વારા આ હુમલા અંગે કોઈ પુષ્ટિ કે ખંડન કરવામાં આવ્યું નથી.
પાકિસ્તાન સરકાર દ્વારા આ અંગે મૌન સેવવામાં આવ્યું છે અને આ અંગે કોઈ જ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી. ઇરાનનું કહેવું છે કે, તેમના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સે પાકિસ્તાનમાં સુન્ની બલુચ સમૂહ જેશ-અલ-અદલ પર મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો છે. સ્થાનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં જૈશ-અલ-અદલના બે ઠેકાણાં પર હુમલો કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકી સંગઠને પાકિસ્તાનના સીમાવર્તી વિસ્તારોમાં ઇરાનના સુરક્ષાબળ પર હુમલો કર્યો હતો. ઇરાને પાકિસ્તાન પર એવા સમયે હુમલો કર્યો છે, જ્યારે ઇઝરાયેલ અને હમાસ સંઘર્ષના કારણે મિડલ ઇસ્ટના દેશોમાં તણાવ ચરમ પર છે.
જૈશ-અલ-અદલ ઇરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતનું એક આતંકી સંગઠન છે. આ સંગઠનને પિપલ્સ રેજિસ્ટેન્સ ઓફ ઇરાનના નામથી પણ ઓળખવામાં આવે છે. પહેલાં આ સંગઠનનું નામ જુંદઅલ્લાહ હતું, પરંતુ 2012માં તેનું નામ બદલીને જૈશ-અલ-અદલ કરી દેવામાં આવ્યું હતું. આ સંગઠનની સ્થાપના વર્ષ 2002-03માં કરવામાં આવી હતી.

