સિસ્ટમ જ તમારી વિરુદ્ધ હોય ત્યારે ન્યાયની આશા ક્યાં રાખવી. પોસ્ટ ઓફિસ હોરાઇઝન સ્કેન્ડલમાં 700 કરતાં વધુ સબ પોસ્ટમાસ્ટરોને ખામીયુક્ત સોફ્ટવેરના કારણે ચોરી અને ફ્રોડ માટે ખોટી રીતે દોષી ઠેરવી દેવાયાં. જાણે કે આખી સિસ્ટમ તેમની વિરુદ્ધમાં કામ કરી રહી હતી. શક્તિશાળી સિસ્ટમમાં રહેલા બોસ નિર્દોષોની કોઇ દલીલ સાંભળવા જ તૈયાર નહોતા. પોસ્ટ ઓફિસ સ્કેન્ડલમાં સિસ્ટમની કામગીરી સામે અત્યારે યુકેમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. તપાસમાં કરાયેલી લાપરવાહી, સરકાર અને સિસ્ટમમાં ટોચના સ્થાને બેઠેલા અધિકારીઓ અને નેતાઓના કબાટોમાંથી હવે ધીમે ધીમે હાડપિંજરો બહાર આવી રહ્યાં છે. લોકતાંત્રિક વ્યવસ્થા સામાન્ય જનતાને ન્યાયની આ પ્રકારની કસુવાવડથી બચાવવા માટે છે પરંતુ અહીં સવાલ એ છે કે શા માટે બ્રિટનના રાજકીય નેતાઓએ આ અંગે બે દાયકા કરતાં વધુ સમય સુધી અવાજ ન ઉઠાવ્યો. સવાલનો જવાબ એ છે કે આ અવગણના માટે આધુનિક પાર્ટી પોલિટિક્સ જવાબદાર છે. સરકારના જણાવ્યા અનુસાર પોસ્ટ ઓફિસ સ્કેન્ડલ બ્રિટનના ઇતિહાસની સૌથી મોટી ન્યાયની કસુવાવડો પૈકીની એક છે. પોસ્ટ ઓફિસ સ્કેન્ડલ અંગે 14 વર્ષ પહેલાં મીડિયામાં સવાલો ઉઠાવવાના શરૂ થયાં હતાં. પોસ્ટ માસ્ટરો સાથે થઇ રહેલા વ્યવહારનો મુદ્દો સંખ્યાબંધવાર સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો તેમ છતાં સત્તાવાર મંથર ગતિએ જ શા માટે ચાલતી રહી એ મહત્વનો સવાલ છે. હકીકત તો એ છે કે પોસ્ટ ઓફિસ સ્કેન્ડલ પર પુરતું ધ્યાન આપવામાં બ્રિટિશ સિસ્ટમ સદંતર નિષ્ફળ રહી છે. તાજેતરમાં આઇટીવી દ્વારા પોસ્ટ ઓફિસ સ્કેન્ડલ પર પ્રસારિત કરાયેલી સીરિઝ બાદ સિસ્ટમની ઘોર નિંભરતા પર ધ્યાન કેન્દ્રિત થયું છે. વર્તમાન સમયના રાજકીય નેતાઓનું વર્તન આધુનિક રાજકીય પક્ષોના લોકશાહી પ્રત્યેના વલણને ઉજાગર કરે છે. પોસ્ટ ઓફિસ સ્કેન્ડલ પ્રત્યેનું તેમનું વલણ દર્શાવે છે કે મોટાપાયે અન્યાય થતો હોવાનું દેખાય તો પણ તેની સામે કોઇ રાજકીય પાર્ટી અવાજ ઉઠાવશે તેમ ધારી લેવું અસ્થાને છે. પોસ્ટ ઓફિસ સ્કેન્ડલના પીડિતોની પીડામાં રાજકીય પાર્ટીઓને કોઇ લાભ દેખાતો નહોતો. તેના કારણે જ સિસ્ટમની ઘોર નિષ્ફળતા સામે કોઇપણ રાજકીય પક્ષ કે નેતા અવાજ ઉઠાવી રહ્યાં નહોતાં. તેના કારણે જ સિસ્ટમ પોતાનું ધાર્યું કરી રહી હતી. રાજકીય પાર્ટીઓ અને સિસ્ટમની આ ઘોર અવગણનાએ સેંકડો પરિવારના સ્વપ્ન અને જીવનો ચકનાચૂર કરી નાખ્યાં છે.
