માલેઃ ચીનની પાંચ દિવસની મુલાકાતેથી પરત ફર્યા બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝ્ઝુ કડક વલણ દાખવી રહ્યા છે. એક દિવસ અગાઉ નામ લીધા વિના આ ટિપ્પણી કરનાર મોઇઝ્ઝુએ ભારતને 15 માર્ચ સુધી માલદીવમાં તહેનાત સૈન્યને પરત લઈ જવા તાકીદ કરી છે. માલદીવની મોઇઝ્ઝુ સરકારે કહ્યું છે કે, ભારતે બે મહિનામાં તેના 88 સૈનિકને પરત બોલાવવા પડશે.
એક દિવસ પહેલા તેમણે ભારતનું નામ લીધા વિના કહ્યું હતું કે માલદીવને ધમકી આપવાનો કોઈ દેશને અધિકાર નથી. લગભગ બે મહિના પહેલાં રાષ્ટ્રપતિ બન્યા બાદ મોઈઝ્ઝુએ માલદીવમાં તહેનાત અન્ય દેશના સૈનિકોને હટાવવા જાહેરાત કરી હતી. માલદીવ અને ભારતે સૈનિકો પાછા ખેંચવા અંગે ચર્ચા કરવા માટે એક ઉચ્ચસ્તરીય કોર ગ્રૂપની રચના કરી છે. તેની પ્રથમ બેઠક રવિવારે સવારે માલેના વિદેશ મંત્રાલયના મુખ્યાલયમાં યોજાઈ હતી. માલદીવમાં ભારતના 77 સૈનિકો છે, જે એરફોર્સના 3 એરક્રાફ્ટ માટે છે. પ્રથમ હેલિકોપ્ટરનું સંચાલન કરવા માટે 24 લોકો, ડોર્નિયર એરક્રાફ્ટનું સંચાલન કરવા 25 અને બીજા હેલિકોપ્ટરનું સંચાલન કરવા માટે 26 લોકો છે. અન્ય બે જાળવણી માટે છે. નવા રાષ્ટ્રપતિ મોઇઝ્ઝુ સત્તામાં આવતાં ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો તણાવભર્યા બન્યા છે.

