ભારતના માળખાકીય વિકાસનું પ્રતીકઃ અટલ સેતૂ

Wednesday 17th January 2024 05:21 EST
 

ગયા સપ્તાહમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી લાંબા દરિયાઇ પુલનું ઉદ્ઘાટન કર્યું. મુંબઇ ટ્રાન્સ હાર્બર લિન્ક તરીકે ઓળખાતા લગભગ 22 કિલોમીટર લંબાઇ અને 6 લેન ધરાવતા અટલ સેતૂના નિર્માણ પાછળ રૂપિયા 17,840 કરોડનો ખર્ચ કરાયો છે. આ બ્રિજના નિર્માણના કારણે મધ્ય મુંબઇ અને ઝડપથી વિકસી રહેલા નવી મુંબઇ વચ્ચેની મુસાફરીનો સમય બે કલાકથી ઘટીને 20 મિનિટ સુધીનો રહી જશે. અટલ સેતૂ ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના પ્રતિબિંબ સમાન છે. આ પ્રકારના માળખાકીય વિકાસના કારણે મૂડીરોકાણના મામલે ભારતની વૈશ્વિક ઇમેજ ઉજળી બની રહી છે. અટલ સેતૂ વિકસિત ભારતનું ચિત્ર અને ભવિષ્યના ભારતની ઝલક કહી શકાય. છેલ્લા એક દાયકામાં ભારતમાં માળખાકીય વિકાસે સમગ્ર વિશ્વનું ધ્યાન દોર્યું છે. આ પ્રકારનો માળખાકીય વિકાસ ભારતના અર્થતંત્રને સંપુર્ણ ક્ષમતા સાથે આગળ વધવાનો માર્ગ મોકળો કરી રહ્યો છે. 2008માં આવેલી વૈશ્વિક મંદીએ ભારતીય અર્થતંત્રની વિકાસની ગાડીને બ્રેક મારી હતી. મંદીના પરિબળોએ ભારતમાં આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણમાં ઘટાડો કર્યો હતો. પરંતુ હવે સ્થિતિ બદલાઇ છે. સરકારે જ માળખાકીય વિકાસની આગેવાની લીધી છે અને તેમાં સક્ષમ બનેલી બેન્કો સાથ આપી રહી છે. રસ્તા, રેલવે, બંદરો, પુલો અને અન્ય માળખાકીય વિકાની ગતિ અને ગુણવત્તા ઝડપથી વધી રહી છે. કોઇપણ દેશની આર્થિક પ્રગતિ માટે માળખાકીય વિકાસ અત્યંત મહત્વનો છે. વિકસિત દેશો અને મૂડીરોકાણકારો એવા દેશની શોધમાં રહે છે જ્યાં માળખાકીય વિકાસ થયો હોય. હવે ભારતનો માળખાકીય વિકાસ વૈશ્વિક રોકાણકારોનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તેનો અદ્દભૂત નમૂનો તાજેતરમાં યોજાઇ ગયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જોવા મળ્યો. ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બનવાનો લક્ષ્યાંક રાખીને આગળ વધી રહ્યો છે. તેના માટે મુક્ત આર્થિક વ્યવસ્થા અને ગતિશીલ લોકશાહીની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ અત્યંત મહત્વનું છે જેથી આર્થિક ગતિવિધિઓ નિરંતર વધતી રહે. મોદી સરકાર આ દિશામાં એક વિઝન સાથે આગળ વધી રહી છે.


comments powered by Disqus