થોડાક દિવસો બાકી છે, અને દેશ તેમ જ દુનિયાની નજર અયોધ્યા તરફ છે. આટલું મહત્વ ક્યારેય રામ જન્મભૂમિને અપાયું હશે? વિવાદી ઢાંચો ગુસ્સૈલ રામસેવકોએ તોડી પાડ્યો ત્યારે 4 પ્રદેશોની ભાજપ સરકારને વીખેરી નાખવામાં આવી હતી. મુલાયમ સિંહ યાદવની પોલીસે કરેલા ગોળીબારમાં કેટલાક રામ-ભક્તો મોત પામ્યા હતા. અડવાણીની યાત્રાને બિહારમાં લાલુ પ્રસાદે અટકાવી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કલ્યાણ સિંહે ખુલ્લી રીતે કહ્યું કે મારે માટે રામ લલ્લા સર્વોપરી છે. બાબરીની પ્રતિક્રિયામાં બાંગ્લા દેશમાં અનેક મંદિરોને તોડી પાડવામાં આવ્યાં અને કથિત સેક્યુલર લોકશાહી દેશો અમેરિકા ઈંગ્લેન્ડ સહિતના રાષ્ટ્રોએ ધાર્મિક ઉન્માદ ગણાવ્યો. એ વાત ભુલાઈ ગઈ કે રાજીવ ગાંધીના સમયે પહેલીવાર જ્ન્મભૂમિના તાળાં ખૂલ્યા હતા. જેને હાલ કોંગ્રેસના નેતા જયરામ રમેશે “કોંગ્રેસ સરકારની ભૂલ” ગણાવી છે. રાહુલ ગાંધીએ આ વિધાન જોયું ના હોય એવું તો બને નહિ, પણ તેની વિરુદ્ધ કે સમ્મતિનો એક શબ્દ ઉચ્ચાર્યો નથી તેનો અર્થ એટલો જ કે કોંગ્રેસ આ મુદ્દે કોઈ સ્પષ્ટ નિર્ણય લઈ શકે તેમ નથી. જુઓ તો ખરા કે રાહુલની “ન્યાય યાત્રા” મણીપુરથી વિમાનમા નીકળી, હવે બાકી વાહનો અને થોડીવાર માટે પગપાળા જવાનું રાખશે. એજ દરમિયાન અયોધ્યામાં સરયૂ નદીમાં કોંગ્રેસનાં આગેવાનોએ બબ્બે વાર ધુબકા માર્યા! કોંગ્રેસનાં ઘણા નેતાઓ અન્દરખાને કોંગ્રેસે 22મી તારીખે રામ પ્રતિમા પ્રતિષ્ઠાનો બહિષ્કાર કરવાનો વિરોધ કર્યો છે, તેમાં શ્રી અરવિંદ દર્શનના ચિંતક, કાશ્મીર મહારાજાના પુત્ર, કોંગ્રેસ નેતા ડો.કર્ણસિંહે આ ઉત્સવની પ્રસંશા કરવાની ઘટનાને લીધે ખુદ કોંગ્રેસમાં જ ચર્ચા શરૂ કરી છે કે આવો બેહુદો નિર્ણય ખુદ જવાહરલાલે કે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પણ લીધો ના હોત. કેટલાકને એમ લાગે છે કે એક રોમન કેથોલિક, એક પૂર્વ સામ્યવાદી અને એક કથિત લિબરલ એમ ત્રણે ભેગા થઈને આ આત્મઘાતી નિર્ણય લીધો તે 2024 માં કોંગ્રેસને સામાન્ય ચૂટણીમાં નડશે. મૂળ મુદ્દો આ જ છે, અયોધ્યાના આ ઉત્સવની પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપા, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને તે પરિવારનો એક ભાગ વિશ્વ હિન્દુ પરિષદ છે, તેમણે આ રામ જ્ન્મભૂમિ ન્યાસ (ટ્રસ્ટ) બનાવ્યું છે એટ્લે તેનો વિરોધ કરવો!
આ વિરોધ પોતે જ હાસ્યાસ્પદ છે. “જાયે તો જાયે કૈસે” ગીત જેવી હાલત છે. ખરેખર તો જો કોંગ્રેસી નેતાઓ-મુખ્યત્વે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ખડગે ત્રણેએ 22 ના પર્વમાં જવાનું સ્વીકાર્યું હોત તો તેમને બીક છે કે મુસ્લિમ લઘુમતી નારાજ થઈને મત નહિ આપે, તે આશંકામાં કોઈ દમ નથી. કારણ એ છે કે મુસ્લિમ સમાજમાં કોને સમર્થન આપવું તેમાં કોઈ એકમત નથી. ચાર રાજયોની ચૂટણીમાં મુસ્લિમ અને ઈસાઈ મતોનો એક મોટો હિસ્સો ભાજપને ગ્યો છે. રામ જન્મભૂમિ પર્વનું સ્વાગત કરવા ઘણા મુસ્લિમ નાગરિકો તત્પર છે. એક મુસ્લિમ કન્યા રામ ભજન ગાતી ગાતી પગપાળા અયોધ્યા પહોંચવાની છે. બાબરી પ્રશ્ને અદાલતમા જનારામાંના એકે તો સ્વાગતના ફૂલ વરસાવ્યા
આનો અર્થ કોંગ્રેસે સમજવો જોઈએ. ભલે ભાજપ અને સંઘના સંગઠનોએ રામ પ્રતિમાની પ્રતિષ્ઠાના ઉત્સવને પોતાના હાથમાં લીધો. કોંગ્રેસ તો કોઈ કાળે આવું કરી શકે તેમ નથી, કારણ કે તેની તુષ્ટિકરણની પરંપરા છે. અદાલત વહેલો ચુકાદો ના આપે તેવી દલીલ કરનારા વકીલ તે સમયે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ હતા.!
અત્યારે તો આસ્થાવાન ભારતનો શ્રી રામ પ્રત્યેનો ઉત્સાહ અને શ્રદ્ધા જોતાં એમ લાગે છે કે ભારતીયો માટે આ એક વધુ દીપોત્સવી છે. “મેરી ઝોંપડી મે રામ આયેંગે” ગીત કાયમ મીડિયામાં ગવાતું થયું છે, આપ પક્ષનો નેતા હરભજન સિંઘ સિદ્ધૂએ કહ્યું કે હું શીખ છું ને ગુરુ નાનકની ગુરબાનીમાં અનેકવાર રામનો ઉલ્લેખ છે. મારા તે આરાધ્ય દેવ છે ને હું કાર્યક્રમમાં જઈશ. હિમાચલ પ્રદેશના કોંગ્રેસી મુખ્યમંત્રી ના રાજકીય વારસદારે પણ આવું કહ્યું. કોંગ્રેસમાં સક્રીય તમામ સાધુ સંતો પણ આવો જ દ્રઢ મત ધરાવે છે.
હવે ગુજરાતનો માહોલ જુઓ. એ મહત્વની વાત છે કે અયોધ્યામાં રામ જન્મભૂમિની પૂર્ણ પ્રતિષ્ઠા થવી જોઈએ તેની શરૂઆત લાલકૃષ્ણ અડવાણીની રથ યાત્રા થી થઈ હતી. તેના કુશળ આયોજક તત્કાલિન સંઘ-પ્રચારક નરેંદ્ર મોદી હતા. અને જ્યાંથી યાત્રા શરૂ થઈ તે સોમનાથનો જીર્ણોદ્ધાર 1947માં તત્કાલિન કોંગ્રેસ નેતા, ગૃહપ્રધાન અને નાયબ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈએ કરવાના શપથ લીધા હતા. તેના પ્રતિષ્ઠાપનના કાર્યક્ર્મમાં તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ ડો રાજેન્દ્ર પ્રસાદ ના જાય તેવી સલાહ જવાહરલાલે આપી છતા તેઓ ગયા હતા. ગુજરાત આ ઘટનાને ભૂલી ગયું નથી એટ્લે નાના નાના ગામડાઑથી માંડીને નગરોમાં ભારે ઉત્સવ છે. દરેક મંદિરો તે રાત્રે દીવડા પેટવશે. મોરારી બાપુથી માંડીને સુરતના શ્રીમંતોએ કરોડોનું દાન મોકલ્યું. કોઈએ મોટા હાર, અગરબત્તી, પ્રસાદ વગેરે બનાવ્યા. અખબારો અને ટીવી પર રોજેરોજ અહેવાલોનો ધોધ વહે છે.
ગુજરાતમાં કાર્યક્રમો થઈ રહ્યા છે. નાટકો ભજવાયા. ડાયરામાં રામ ગાજતા થયા.લેખકો પણ પોતાનો સૂર ઉમેરી રહ્યા છે. આવતીકાલે 18 ગુરુવારે લેખિકા અને કવયિત્રી બીના પટેલનું પુસ્તક “સનાતનનો જયઘોષ” પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી.કે.લહેરીના હસ્તે ખુલ્લુ મૂકાવાનું છે.રામમંદિરના શિલ્પ સ્થાપત્યમાં મુખ્ય પ્રદાન સોમપુરા ભાઈઓનુ છે, પુસ્તકમાં અયોધ્યા, શ્રી રામ, તેમની જન્મભૂમિના ચડાવ-ઉતાર, અદાલતનો ચુકાદો અને 22 મીની પ્રાણ પ્રતિષ્ઠાનો સરળ ભાષામાં ઇતિહાસ આપ્યો છે. આવું બીજા શહેરોમાં પણ રામ-ઓચ્છવનું વાતાવરણ છે. આવા સમયે રામ કારણ નું રાજકારણ ખેલવાને માટે ગુજરાતીઓ “હવનમાં હાડકાં” કહેવત પ્રયોજે તેમાં શી નવાઈ?

