વાઇબ્રન્ટ સમિટે ગુજરાતને ગ્રોથ એન્જિન બનાવ્યું

Tuesday 16th January 2024 05:06 EST
 

ગુજરાતને ઘરેલુ અને વિદેશી મૂડીરોકાણ પ્રાપ્ત કરવામાં મહત્વની સિદ્ધી અપાવનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટને 20 વર્ષ પૂરાં થયાં છે. ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સપ્ટેમ્બર-નવેમ્બર 2003થી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ કરાયો હતો. તાજેતરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની 10મી આવૃતિનું ગુજરાત સરકાર દ્વારા સફળ આયોજન કરાયું જેમાં 35 દેશ પાર્ટનર કન્ટ્રી તરીકે સામેલ થયાં હતાં. ગુજરાત સરકાર દ્વારા કરાયેલા દાવા અનુસાર 10મી ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં રૂપિયા 26.33 લાખ કરોડના 41,299 એમઓયુ કરાયાં છે. અત્યાર સુધીની વાઇબ્રન્ટ સમિટોમાં કુલ રૂપિયા 45 લાખ કરોડના 98,540 પ્રોજેક્ટ માટે એમઓયુ થઇ ચૂક્યાં છે. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી આયોજિત કરાતી વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતમાં મૂડીરોકાણ વધશે અને લાખો લોકોને રોજગાર મળશે તેવા દાવા થતા રહ્યાં છે. એ વાતમાં કોઇ શંકા નથી કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના માધ્યમથી ભાજપને રાજ્યમાં મજબૂત પકડ જમાવવામાં અને દેશભરમાં ગુજરાતને વિકાસ મોડેલ તરીકે રજૂ કરવામાં મદદ મળી છે. મહત્વનો સવાલ એ છે કે આ પ્રકારની સમિટના આયોજનોથી રાજ્યની આર્થિક સ્થિતિ અને લોકોની સુખાકારીમાં વધારો થયો છે કે કેમ. ગુજરાત સરકારના દાવાઓ અનુસાર 2003થી 2019 વચ્ચે 1,04,872 સમજૂતિઓ કરવામાં આવી જેમાંથી નવેમ્બર 2021ના આંકડા પ્રમાણે 70,742 પ્રોજેક્ટ પૂર્ણ થયાં છે અને 3,661 પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. તેનો અર્થ એ થયો કે 67.45 ટકા પ્રોજેક્ટ સફળતાની રાહ પર આગળ વધી રહ્યાં છે. છેલ્લા 20 વર્ષમાં કરાયેલા એમઓયુ પૈકીના 29 ટકા એમઓયુ નિષ્ફળ ગયાં છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના માધ્યમથી રાજ્યમાં મોટી સંખ્યામાં ઉદ્યોગોને લાવવામાં સફળતા મળી છે એનો ઇનકાર કરી શકાય તેમ નથી. સાણંદ તો હવે ગુજરાતનું ઓટોમોબાઇલ હબ બની રહ્યું છે. તે ઉપરાંત હવે આધુનિક ટેકનોલોજીમાં અત્યંત મહત્વની ગણાતી માઇક્રો ચિપ્સનું ઉત્પાદન પણ ગુજરાતમાં શરૂ થશે જે રાજ્ય અને દેશની વિકાસદોડને નવો વેગ આપશે. વાઇબ્રન્ટ સમિટમાં જે રીતે પાર્ટનર કન્ટ્રીના પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ અને રોકાણકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં તે દર્શાવે છે કે વિશ્વભરમાં હવે ગુજરાતમાં રોકાણ કરવાની હોડ જામી રહી છે. કેટલાક વિરોધાભાસી આંકડા અને દાવાઓ છતાં વાઇબ્રન્ટ ગુજરાતની સફળતાને અવગણી ન શકાય.


comments powered by Disqus