ઐતિહાસિક નાસ્તિક સંસદ બ્રિટિશ જનમાનસનું પ્રતિબિંબ

Wednesday 17th July 2024 05:37 EDT
 

યુકેમાં મતદારોએ લેબર પાર્ટીને ખોબલે ખોબલે મત આપીને સત્તાના સૂત્રો સોંપી દીધાં છે. હાઉસ ઓફ કોમન્સમાં લેબર પાર્ટીના પ્રભુત્વની સાથે સાથે એક નવું પ્રભુત્વ પણ સંસદના પ્રારંભે જોવા મળ્યું. જે રીતે મોટી સંખ્યામાં સાંસદોએ બિનસાંપ્રદાયિક શપથ ગ્રહણ કરવાનું પસંદ કર્યું તે જોતાં આ વખતના હાઉસ ઓફ કોમન્સને ઇતિહાસનું સૌથી નાસ્તિક ગણાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન સર કેર સ્ટાર્મર સહિત 40 ટકા એટલે કે 625માંથી 249 સાંસદે ધાર્મિક શપથના સ્થાને બિનસાંપ્રદાયિક શપથ લીધાં હતાં. એમ કહેવાય છે કે દેશની સંસદ જનમાનસનું પ્રતિબિંબ છે. યુકેમાં છેલ્લા કેટલાક દાયકાથી ઇશ્વરમાં નહીં માનનારા લોકોની સંખ્યામાં મોટો વધારો થયો છે. 2021ની વસતી ગણતરી પ્રમાણે પોતે કોઇ ધર્મમાં માનતા ન હોવાનું સ્વીકારનારા લોકોની સંખ્યા 2011ની સરખામણીમાં 12 ટકા વધીને 37.2 ટકા એટલે કે 22.2 મિલિયન પર પહોંચી ગઇ હતી. 2011માં આ સંખ્યા 14.1 મિલિયન હતી. 2011માં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ખ્રિસ્તી ધર્મને અનુસરનારા લોકોની સંખ્યા 59.3 ટકા એટલે કે 33.3 મિલિયન હતી જે 2021માં ઘટીને 46.2 ટકા એટલે કે 27.5 મિલિયન પર આવી ગઇ હતી. બ્રિટનના ઇતિહાસમાં પહેલીવાર ખ્રિસ્તી ધર્મ અનુસરનારાની સંખ્યા કુલ વસતીના 50 ટકા કરતાં નીચે આવી ગઇ હતી. તો સવાલ એ થાય છે કે શું યુકે એક નાસ્તિક દેશ બનવાની દિશામાં પ્રયાણ કરી રહ્યો છે? વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની સાથે માનવીની ઇશ્વર અને તેના અસ્તિત્વ અંગેની માન્યતાઓમાં પરિવર્તન આવી રહ્યું છે. વિજ્ઞાન ક્ષેત્રમાં પુરાવા વિનાનો કોઇ દાવો ટકી શક્તો નથી. આજે માનવીના જીવનના દરેક પાસામાં વિજ્ઞાન એટલું બધુ પ્રભાવી બન્યું છે કે માનવી હવે ઇશ્વરના અસ્તિત્વ માટે પણ પુરાવા માગી રહ્યો છે. તેના કારણે જ ધર્મ અને ઇશ્વરમાં નહીં માનનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. વિજ્ઞાનના કારણે માનવ જીવન આડેના ઘણા અવરોધો કલ્પી ન શકાય તે હદે દૂર થયાં છે. સરળ અને વૈભવી બનેલી જીવન શૈલીના કારણે હવે માનવીને ધર્મ કે ઇશ્વરના આશરાની જરૂર રહી નથી. યુકે ઘણો સમૃદ્ધ દેશ છે. અહીંનું જીવન ધોરણ ત્રીજા વિશ્વના દેશો કરતાં ઘણું ઊંચું છે. યુકેમાં ધર્મ અને ઇશ્વરમાં નહીં માનનારા લોકોની સંખ્યામાં વધારા માટે આ એક પરિબળ પણ જવાબદાર બની રહ્યું છે. પરંતુ અહીં હવે મહત્વનો સવાલ છે કે ધર્મ અને ઇશ્વરના અસ્તિત્વનો નકાર માનવીને મૂલ્યોથી પણ અળગો કરી દેશે? માનવીમાં મૂલ્યો અને સંસ્કારનું સિંચન ધર્મ દ્વારા કરાયું છે તે વાતનો કોઇ ઇનકાર કરી શકે તેમ નથી. વિશ્વમાં પ્રચલિત દરેક ધર્મ માનવીને શિસ્તબદ્ધ જીવન જીવવાની પ્રેરણા આપે છે. ઇશ્વરનો ભય પાપ અને પુણ્ય વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. જો માનવીમાંથી ઇશ્વરના અસ્તિત્વ અને ભય દૂર થઇ જશે તો અત્યાર સુધી સિંચાયેલા સંસ્કાર અને મૂલ્યો વિલુપ્ત થતાં પણ સમય નહીં લાગે. નાસ્તિકતા માનવ જીવનમાં સ્વચ્છંદતાનો પ્રવેશ કરાવે છે. વર્તમાન સમયમાં દેશમાં વધી રહેલા અપરાધો તેનો પ્રબળ પુરાવો આપી રહ્યાં છે. આજની બ્રિટિશ યુવા પેઢી પરિવારમાંથી ધાર્મિક મૂલ્યો અને સંસ્કારની બાદબાકીના કારણે સ્વચ્છંદી બની રહી છે. માતાપિતામાં રહેલો પરમેશ્વરનો ભય, ધાર્મિક મૂલ્યો અને સંસ્કાર તેમના સંતાનોને આદર્શ જીવનની પ્રેરણા આપી શકે છે પરંતુ બ્રિટિશ પરિવારોમાંથી તેની બાદબાકી થઇ રહી છે. તેના કારણે આજે બ્રિટનમાં લગ્ન જેવી વ્યવસ્થા પણ વેરવિખેર બની રહી છે. ધુમ્રપાન, શરાબપાન, માદક દ્રવ્યોની લત જેવા દુષણો આ પેઢીને બરબાદી તરફ દોરી રહ્યાં છે. યુવા પેઢી હતાશા અને ડિપ્રેશનમાં ગરકાવ થઇ રહી છે. તેના કારણે જ બ્રિટનમાં માનસિક બીમારીથી પીડાતા લોકોની સંખ્યા પણ ચરમસીમા પર પહોંચી છે. મૂળ બ્રિટિશ સમાજ કરતાં અહીં આવીને વસેલા હિન્દુ, મુસ્લિમ, શિખ સહિતના વંશીય લઘુમતી સમુદાયોમાં આ સમસ્યા ઓછી જોવા મળે છે કારણ કે તેમના પરિવારો આજે પણ તેમના સંતાનોમાં ધાર્મિક મૂલ્યો અને સંસ્કારનું સિંચન કરી રહ્યાં છે. જોકે તેમણે તેમના સંતાનોનું બ્રિટિશકરણ ન થઇ જાય તે માટે સાવધ રહેવું પડશે. મૂલ્યો અને સંસ્કાર વિહોણો કથિત સમાજ બ્રિટનને કઇ દિશામાં લઇ જશે તે તો આગામી સમય જ બતાવશે.


comments powered by Disqus