નેપાળમાં પ્રચંડ સરકારનું પતનઃ કે.પી. શર્મા ઓલી પ્રધાનમંત્રી બન્યા

Wednesday 17th July 2024 06:59 EDT
 
 

નવી દિલ્હીઃ નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડ વિશ્વાસનો મત હારી જતાં મોટો આંચકો લાગ્યો છે. 19 મહિના સત્તામાં રહ્યા બાદ હવે તેમણે પદ છોડવાનો વારો આવ્યો છે. તેમના દ્વારા પદ છોડવામાં આવતાં સોમવારે કે.પી. શર્મા ઓલીએ વડાપ્રધાન પદ માટેના શપથ લીધા હતા.
કે.પી. શર્મા ઓલીની આગેવાનીમાં સીપીએન-યુએમએલ દ્વારા સમર્થન પરત ખેંચી લેતાં પ્રચંડને વિશ્વાસનો મત મેળવવા મજબૂર થવું પડ્યું હતું. સીપીએન-યુએમએલ દ્વારા સમર્થન પરત લેવાના કારણે પ્રચંડ પાસે સીમિત વિકલ્પ હતા, જેના કારણે તેમણે તરત પદ છોડવા અથવા એક મહિનામાં વિશ્વાસનો મત સંપાદિત કરવા વચ્ચે પસંદગી કરવાની હતી. જે મુજબ શુક્રવારે સંસદમાં વિશ્વાસનો મત સંપાદિત કરવામાં તેઓ અસમર્થ નીવડ્યા.
આ પાંચમો અવસર હતો જ્યારે પુષ્પ કમલ દહલે સંસદમાં અવિશ્વાસના મતનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલાં ચાર પ્રયાસમાં તેઓ વિશ્વાસનો મત મેળવવામાં સફળ રહ્યા હતા. દહલના સૌથી મોટા ગઠબંધન સહયોગી સીપીએન-યુએમએલએ 3 જુલાઈએ સમર્થન પરત લઈ લીધું હતું. 25 ડિસેમ્બર 2022એ પીએમ બન્યા બાદ દહલ સતત અલ્પમત સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા અને અંદાજિત 19 મહિના બાદ તમની સરકારનું પતન થયું. 69 વર્ષીય દહલને 275 સભ્ય ધરાવતા પ્રતિનિધિ મંડળમાં વિશ્વાસ મત મેળવવા જરૂરી 138 મતની સામે દહલને માત્ર 63 મત મળ્યા અને વિરુદ્ધમાં 194 મત પડ્યા.
ઓલી સામ્યવાદી નેતા
કે.પી. શર્મા ઓલીએ સોમવારે નેપાળના વડાપ્રધાન તરીકે ચોથી વખત શપથ લીધા હતા. રાષ્ટ્રપ્રમુખ રામચંદ્ર પૌદેલે રવિવારે નેપાળના સૌથી મોટા સામ્યવાદી પક્ષના આ નેતાની વડાપ્રધાનપદે વરણી કરી હતી. આ સ્થિતિમાં હવે દહલની પાર્ટી પાસે માત્ર 32 બેઠક છે, જ્યારે સીપીએન-યુએમએલની પાસે 78 બેઠક છે અને નેપાળી કોંગ્રેસ પાસે 89 બેઠક છે. નેકા અને સીપીએન-યુએમએલ ગઠબંધનની પાસે હવે 167 બેઠકોની તાકત છે.


comments powered by Disqus