પહેલાં ભારતમાં લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ બ્રિટનમાં હાઉસ ઓફ કોમન્સની ચૂંટણીના કારણે બંને દેશ વચ્ચેનો પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર વિલંબિત થઇ ગયો હતો પરંતુ હવે ભારતમાં મોદી સરકાર અને બ્રિટનમાં લેબર પાર્ટીની સ્ટાર્મર સરકાર સત્તામાં આવી જતાં લાગી રહ્યું છે કે બંને દેશ મુક્ત વેપાર કરારને કાર્યાન્વિત કરવા માટે ઝડપી કાર્યવાહી કરશે. નિષ્ણાતોનું માનવું છે કે આ મુક્ત વેપાર કરાર બંને દેશ માટે લાભદાયી પૂરવાર થશે. યુકેની લેબર પાર્ટી માટે સર્વિસિઝની નિકાસ પ્રાથમિકતા બની શકે છે અને તે સર્વિસ એક્સપોર્ટને પ્રમોટ કરવા માટે ડિજિટલ અથવા તો પરસ્પરની માન્યતા કરારો જેવી સેક્ટર પ્રમાણેની સંધિઓની માગ કરે તો નવાઇ નહીં. જે રીતે ભારતનું અર્થતંત્ર વિકાસ સાધી રહ્યું છે તે જોતાં વિશ્વના તમામ દેશ માટે ભારતીય બજાર અનિવાર્ય બની ગયું છે. આ સ્થિતિમાં લેબર સરકાર મુક્ત વેપાર કરાર સહિત ભારત સાથે નવી વ્યૂહાત્મક ભાગીદારીની ઇચ્છા રાખી શકે છે જેમાં સિક્યુરિટી, એજ્યુકેશન, ટેકનોલોજી અને ક્લાઇમેટ ચેન્જ જેવા સેક્ટરોમાં વધુ સહકારની અપેક્ષા હોઇ શકે છે. હા મુક્ત વેપાર કરાર આડે લેબર સરકારની નેટ માઇગ્રેશન ઘટાડવાના લક્ષ્યાંકો કેટલોક અવરોધ જરૂર ઊભો કરી શકે છે. જોકે બંને દેશ વચ્ચેના મુક્ત વેપાર કરાર પર કોઇ ચોક્કસ તારણ પર આવવું પણ ઘણું વહેલું ગણાશે કારણ કે નવી લેબર સરકારે હજુ તેની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી નથી. નેટ માઇગ્રેશન પર તેણે બ્રિટિશ જનતાને આપેલાં વચનો પર હજુ તેના દ્વારા કોઇ નક્કર નીતિ રજૂ કરાઇ નથી. બીજીતરફ ભારત સરકાર પણ મુક્ત વેપાર કરાર મામલે કશું કાચું કાપવા માગતી નથી. તેથી જ ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે તાજેતરમાં સંકેત આપી દીધો હતો કે બંદૂકની અણીએ વેપાર કરાર થઇ શકે નહીં. તેનો અર્થ એ કે બ્રિટનની સરકારની ઉતાવળ પ્રમાણે અમે કોઇ ઉતાવળિયો નિર્ણય લેવા માગતા નથી. એ વાતમાં કોઇ શંકા નથી કે ભારત માટે પણ તેના ઉત્પાદનો અને સેવાઓની નિકાસ માટે યુકે એક મહત્વનું માર્કેટ છે. ભારતને યુકેના એફડીઆઇની પણ જરૂર છે. ભારતના બિઝનેસો માટે યુકે નિકાસ માટેનો એક મહત્વનો દેશ છે. આ કરારના કારણે ભારતથી બ્રિટનમાં થતી નિકાસ વધી શકે છે. તેથી બંને દેશ વચ્ચેનો મુક્ત વેપાર કરાર બંને દેશના અર્થતંત્રો માટે વીન વીન સિચ્યુએશન લાવી શકે છે. તેથી જ બંને દેશના ઉદ્યોગ અને સર્વિસ જગત અત્યારે બંને સરકાર દ્વારા થનારી કાર્યવાહી પર મીટ માંડીને બેઠાં છે.
