‘વન જૈન’ના નેજા હેઠળ એક જ સૂત્ર ‘હમ મહાવીર કે અનુયાયી હૈ’ ‘ભગવાન મહાવીર સ્વામીના ૨૫૫૦મા નિર્વાણ દિન મહોત્સવે હેરો હોલ બન્યો પાવાપુરી તીર્થ

- જ્યોત્સ્ના શાહ Wednesday 17th July 2024 08:19 EDT
 
 

જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામિના ૨૫૫૦મા નિર્વાણ કલ્યાણક મહોત્સવની શાનદાર ઉજવણી યુ.કે.ની ‘વન જૈન’ સંસ્થાના નેજામાં લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલમાં રવિવાર ૧૪ જુલાઇ’૨૪ના રોજ ધામધૂમથી થઇ. જેમાં યુ.કે.ભરમાંથી ૨૦૦૦ જેટલા જૈનોએ હાજરી આપી અને ૧૦૦૦ તો વેઇટીંગ લીસ્ટમાં હતા. સવારના ૮ થી મોડી સાંજ સુધી ચાલેલ આ કાર્યક્રમમાં સવારના ચા-નાસ્તાથી માઁડી લંચ અને ડીનરની પણ વ્યવસ્થા હતી. આ પ્રસંગે પધારેલ મુખ્ય અતિથિ વિશેષ ભારતીય હાઇ કમિશ્નર શ્રી વિક્રમ દોરાઇસ્વામિ, હેરો વેસ્ટના સાંસદ ગેરેથ થોમસ, હેરોના મેયર સલિલ ચૌધરી, કાઉન્સિલર અંજના પટેલ, BAPSના નિતિનભાઇ પલાણ સહિત અનેક કાઉન્સિલરો અને ૩૫ જૈન સંસ્થાના અગ્રણીઓ તેમજ કલાકારોની હાજરી ધ્યાનાકર્ષક રહી. આ પ્રસંગમાં સામેલ થવા છેક માંચેસ્ટરથી એક કોચ આવ્યો હતો. બર્મિંગહામ, લેસ્ટર સહિત દૂર-દૂરથી ધર્મપ્રેમીઓ હાજરી આપવા પધાર્યાં હતાં. આમ સમગ્ર જૈન સમાજ ભગવાન મહાવીર નિર્વાણ દિનની ઉજવણીના ઉત્સાહનો ભાગીદાર બન્યો હતો. હેરોનો બાયરન હોલ ક્ષત્રિય કુઁડ અને પાવાપુરી નગરી બની ગયો હતો.
આ ઉજવણીનું સૂત્ર માત્ર એક જ ‘હમ મહાવીર કે અનુયાયી હૈ’ હતું. શ્વેતામ્બર-દિગમ્બર, સ્થાનકવાસી-તેરાપંથી જેવા ફિરકાઓથી પર થઇ બધા જ ભગવાન મહાવીરના સંદેશાને અનુસરનારા છે એવી આહ્લેક જગાવી. ભગવાન મહાવીરના જીવન-કવનને સ્ટેજ પર દર્શાવવાનો સુંદર પ્રયોગ એની ફળશ્રુતિના મીઠાં ફળ કહી શકાય.
યુ.કે.ની ૩૫ જૈન સંસ્થાઓને એક મંચ પર લાવવાનું ભગીરથ કાર્ય આ સદીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. દેશ બહાર વિદેશની ધરતી પર રહી ભગવાન મહાવીરના ૨૫૫૦મા નિર્વાણદિનની ઉજવણી સમગ્ર જૈન સમાજ સાથે મળી કરે એ જૈન શાસનની એક ઐતિહાસિક ઘટના કહીએ તો અતિશયોક્તિ નથી! સમગ્ર જૈનોને એકત્ર કરવાનું ‘વન જૈન’ની કોર ટીમનું નેતૃત્વ યુવા જૈન નિરજ સુતરીયાએ સંભાળ્યું. જેઓ મહાવીર ફાઉન્ડેશન યુ.કે.ના યુવા પ્રમુખ પણ છે. એમની કમિટીમાં ઉત્સાહી-ધર્મ અનુરાગી-ભારતીય સંસ્કારોના રંગે રંગાયેલ યુવાધનની પ્રતિભા છલકાતી હતી. સવારના વાજતે-ગાજતે વરઘોડો નીકળ્યો હતો.
કાર્યક્રમનો શુભારંભ કમિટીના મુકેશભાઇ કપાશીએ સૌનું ભાવભર્યું સ્વાગત કરતા ‘વન જૈન’ના ચેરમેન ડો. મેહુલભાઇ સંઘરાજકાનો પરિચય આપ્યો. જૈન સમાજમાં એમના પ્રદાન અને વિદ્વત્તાનો ઉલ્લેખ કર્યો. ડો. સંઘરાજકાએ એમના વક્તવ્યમાં જણાવ્યું કે, આજે ભગવાન મહાવીર સ્વામીનો સંદેશ કેન્દ્ર સ્થાને છે. શાંતિપૂર્ણરીતે સહ અસ્તિત્વભર્યું જીવન અગત્યનું છે. ‘પરસ્પરોગ્રહ જીવાનામ્’ મતલબ પ્રત્યેકનું જીવન એકબીજા પર આધારિત છે. ભગવાન મહાવીર સ્વામીના સંદેશના પ્રચાર-પ્રસાર અર્થે ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજીએ ‘વન જૈન’ ની સ્થાપના દશ વર્ષ અગાઉ કરી. આ વર્ષે આપણે ૧૦ ડાઉનીંગ સ્ટ્રીટમાં મહાવીર જયંતિની ઉજવણી કરી અને ૨૭ ઓક્ટોબરે ટ્રફાલ્ગર સ્કેવરમાં દિવાળીની ઉજવણીમાં ય જૈનોનું પ્રતિનિધિત્વ રહેશે. વધુમાં જણાવ્યું કે, ‘શ્રી નિરજભાઇ સૂતરીયાએ કોર ટીમનું નેતૃત્વ લઇ સૌના સહકારથી અદ્ભૂત કાર્ય કર્યું છે. નિરજ સૂતરીયા, મુકેશ કપાશી, અભિષેક જૈન અને રાજેશભાઇ જૈન (જૈન વિશ્વ ભારતીના - જેમના માતુશ્રી ભારતમાં દેવલોક પામ્યાં એથી એમને ભારત જવું પડ્યું) એ આ ઉજવણીને સફળ બનાવવા અથાક પરિશ્રમ ઉઠાવ્યો છે એમને અભિનંદન.
ત્યારબાદ ભારતીય હાઇ કમિશ્નર, એમ.પી.ગેરેથ થોમસ, નેમુભાઇ ચંદરિયા (OBE), નવીનભાઇ સંઘરાજકા અને જયસુખભાઇ મહેતા (BEMના એવોર્ડથી નવાજાયા) વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થયું. આ પછી માન. ભારતીય હાઇકમિશ્નર શ્રી વિક્રમ દોરાઇસ્વામીએ જૈન સમાજને અભિનંદન આપતા ભગવાન મહાવીર સ્વામીના સંદેશને જીવનમાં અપનાવવાની જરૂરત પર ભાર મૂકતા ઉમેર્યું કે, ‘વૈચારિક એકતા, અમલીકરણ અને સેવાનો સંગમ સાધી લોકોના હિંસક માનસ ને બદલી અહિંસક બનાવવાની તકનું સર્જન કરવાનું છે. આ સંદેશ માત્ર જૈનો માટે જ નહિ, સમગ્ર માનવજાતિ માટે છે. જૈન સમાજે માતૃભૂમિ ભારત કે કર્મભૂમિ બ્રિટનમાં નોંધપાત્ર અનુદાન આપ્યું છે. તમે જ્યાં પણ રહ્યા ત્યાં સેવાનો મંત્ર અપનાવ્યો. વસ્તીમાં જૂજ જૈનોએ એમની જીવન શૈલીથી પેઢીઓથી સમાજમાં પ્રદાન કરી રહેલ છે એ ચાલુ રાખી ભારતીય પરંપરાને ગૌરવ અપાવતા રહો એવી અભ્યર્થના.’
હેરોના મેયર કાઉન્સિલર શ્રી સલિલ ચૌધરીએ જણાવ્યું કે, આજે આપણે ભગવાન મહાવીરના નિર્વાણદિનની ઉજવણી કરવા એકત્ર થયા છે. અહિંસા, એકતા, કરૂણા, પ્રેમ, શાંતિ, મૈત્રી અને સંગઠનના ભગવાન મહાવીરના પ્રેરક સંદેશથી સમાજને સંગીન બનાવવાનો છે…હેરોમાં ૩૦,૦૦૦ જૈનોની વિશાળ વસ્તી છે.’
એમ.પી. ગેરેથ થોમસે જણાવ્યું કે,’ આજથી દસ વર્ષ અગાઉ ‘વન જૈન’ની સ્થાપના થઇ ત્યારે હું હાજર હતો અને આજે પણ હાજર હોવાનું ગૌરવ અનુભવું છું. ખૂબ જ બુધ્ધિશાળી અને વિચારવંત જૈન સમાજ છે એમની સફર ગૌરવવંતી છે.’
મુકેશભાઇ કપાશીએ નિરજભાઇનો પરિચય આપતા જણાવ્યું કે, તે એક યુવા, ઉત્સાહી, ગતિશીલ, પ્રેરક, સબળ નેતા છે. ભગવાન મહાવીરના સંદેશને ઘરે-ઘરે પહોંચતો કરવાની એમની નેમ અભિનંદનીય છે. યુવા પેઢી માટે મીશાલ સમાન છે’
નીરજભાઇએ એમના વક્તવ્યમાં જણાવ્યું કે ગયા વર્ષે જ્યારે આપણે આ ઉજવણીની વાત શરૂ કરી ત્યારે અશક્ય લાગતી એ વાત આજે સાકાર થતાં હૈયે આનંદ ઉભરાય છે. બધી જ સંસ્થાઓના સહકારથી આજે આપણે નવા ઇતિહાસનું સર્જન કર્યું છે. યુ.કે.માં આપણી સંખ્યા ૬૫,૦૦૦ની છે અને ભારતમાં પણ જૂજ વસ્તી હોવાછતાં આર્થિક અનુદાન ૨૫% છે. નવી પેઢીને ખાસ વિનંતિ કે, સંપ્રદાય-વાડામાં વહેંચાઇ જવાને બદલે એક બની એટલું જ યાદ રાખીએ કે, ‘ ભગવાન મહાવીરના આપણે વારસ છીએ. એક-એક પગલું કદમ કદમ મિલાવી ભરીએ અને જીંદગી એવી જીવીએ કે મહાવીર શાસન એક મિશાલ બની જાય.’ જૈન સ્ટુડન્ટ એસોસિએશન ઓફ ધ યુ.કે.ના હિરક દોશીએ સંસ્કાર, સ્વદેશ અને સમાજને મહત્વ આપી દરેકનું હેતુ અને નિશાન એક જ હોવા જોઇએ એમ જણાવતાં નવકાર મહામંત્રની મહત્તા દર્શાવી. એ ખૂબ જ પવિત્ર અને પાવરફુલ મંત્ર છે. એ યુનિવર્સલ છે. એ કોઇ સરહદમાં બંધાયેલ નથી. કામ-ક્રોધ-મોહ-માયા-લોભ-અહંકાર જેવા આંતરશત્રુઓનો નાશ કરી વિજય મેળવેલ સિધ્ધ આત્માઓને નમન કરવાનો સંદેશ એમાં છે.’
નવકારમંત્ર આધારિત ભારતનાટ્યમ-કથ્થક નૃત્યથી સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થયો. ડો. સોરવ શાહે ધર્મની વ્યાખ્યા સમજાવી. અમદાવાદ-ભારતથી પધારેલ સંગીત બેલડી હર્ષિલ-મોક્ષિતે ભક્તિના રસમાં સૌને તરબોળ કર્યાં. વિવિધ સંસ્થાઓએ ભગવાન મહાવીરના જીવન-કવન આધારિત પ્રસંગોની રજુઆત નૃત્ય, નાટક વગેરે પ્રસ્તુત કર્યા. દિગમ્બર જૈન એસોસિએશન ‘જૈન ખીચડી’ નાટક રજુ કરી સૌને ખીચડી સીરીયલની યાદ તાજી કરાવી. આ પ્રસંગે સુવેનીયર પણ પ્રકાશિત કરાયું હતું. મધુર સ્મૃતિઓ વાગોળતાં સૌએ વિદાય લીધી.


comments powered by Disqus