સેવાકાર્યોને સતત બિરદાવતા આવતા ગુજરાત સમાચાર અને તેના પ્રકાશક તંત્રી સી.બી. પટેલ દ્વારા સોનેરી સંગતના 38મા અધ્યાયમાં એક સુંદર વિષયનું આચમન કરાવવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે ૭૦ના દાયકાથી યુ.કે. આવીને વસેલા આપણા સમાજના ભાઇ-બહેનો હવે જીવનસંધ્યાના આરે એટલે કે નિવૃત્ત જીવન વિતાવે છે. આવા આપણા સિનિયર સીટીઝન્સ માટે અત્રેની ઇંગ્લીશ સંસ્થાઓ અનેક ચેરિટી પ્રોગ્રામ કરતી હોય છે. આ દેશના નાગરિક તરીકે પોતાનાથી બનતા સેવાકાર્ય માટે આપણી કેટલીક સંસ્થાઓ અને સેવાભાવી ભાઇ- બહેનો પણ ખૂબ કાર્યરત છે. આવાં એક સેવાભાવી બહેન વર્ષાબહેન બાવીસી જે હેરોમાં અનેકવિધ ક્ષેત્રે જરૂરતમંદોને નિ:સ્વાર્થ સેવા પ્રદાન કરી રહ્યાં છે. હેરોમાં યુ.કે એશિયન વુમન્સ ક્લબ કાર્યરત છે જેમાં 80 અને 90 વર્ષથી વધારે ઉંમરની બહેનો, માતાઓને અનેકવિધ કાર્યક્રમો દ્વારા સક્રિય રાખવામાં આવે છે. યુ.કે. એશિયન વિમેન્સ કલબમાં સક્રિય હોવા સાથે વર્ષાબેન બાવીસી કિરણ ટોકીંગ ન્યુઝ પેપર, એડલ્ટ્સ વીથ લર્નિંગ ડિસએબીલીટી, હેરો હેલ્ધી વોક અને જી.પી સર્જરીમાં જતા પેશન્ટોેને માટે વોલીંન્ટીયરી સેવા આપે છે.એશિયન વુમન્સ ક્લબનાં કાર્યો તેમજ હેરો બરોની વોલંટીયરી સેવાઓને લોકો સમક્ષ લાવવા અને લોકો તેનો મહત્તમ ફાયદો લઈ શકે તે હેતુથી કોકિલાબહેન પટેલ દ્વારા પીનર સ્થતિ વર્ષાબહેન બાવીસીને ઝૂમ પ્રોગ્રામમાં આમંત્રિત કરવામાં આવ્યાં હતાં.
વર્ષાબહેન બાવીસીઃ યુકે એશિયન્સ વુમન્સ ક્લબની સ્થાપના નોર્થ લંડનમાં 1977માં થઈ હતી. આ સમયે ફાઉન્ડિંગ મેમ્બર તરીકે ઉષાબહેન પટેલ મુખ્ય હતા. આ સિવાય યુગાન્ડાથી ડિપ્રેશનમાં આવેલા લોકો દ્વારા પણ પૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. મેન્ટલ હેલ્થને ધ્યાનમાં રાખીને સર્વિસ ઊભી કરવામાં આવી હતી. જેમાં દર્દીને ભાષાની તકલીફ હોય તો ઇન્ટરપ્રિટિંગ એન્ડ ટ્રાન્સલેશન કરવામાં આવ્યું હતું. જે બાદ અમે હેરો કાઉન્સિલ સાથે જોડાયા અને 25થી 30 ભાષામાં ટ્રાન્સલેશન થતું હતું.
અમે એશિયન્સ વુમન્સ ક્લબના 300 સભ્યો દર ગુરુવારે એકત્ર થઈએ છીએ અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. 12 ડિસેમ્બરે અમે અમારા કાર્યક્રમમાં પોલીસ અધિકારીને ખાસ નિમંત્રણ આપ્યું હતું, જેમણે મોબાઇલ અને અન્ય ઓનલાઇન માધ્યમો દ્વારા થતા સ્કેમ્સ અંગે અવેર રહેવાનું માર્ગદર્શન આપ્યું હતું. અમારા અનેક સભ્યોને આવા અનુભવ પણ થયા છે.
અમારી ક્લબમાં કોઈ પુરુષો નથી, જેથી મહિલાઓ મનમૂકીને કાર્યક્રમોનો આનંદ માણે છે. ગરબાની વાત કરીએ તો પણ અહીંની ગુજરાતી મહિલાઓ હોંશેહોંશે તેનો આનંદ લે છે. સ્ત્રીઓ પોતાની લાગણી ત્યારે જ વધારે ખૂલીને વ્યક્ત કરે છે, જ્યારે પુરુષની ગેરહાજરી હોય. ગતવર્ષે મિસકેરેજ અંગે એક કાર્યક્રમ રાખ્યો હતો. આ સમયે વડીલ મહિલાઓ દ્વારા તેમની સાથે 50 કે 60 વર્ષ પહેલાં થયેલા તેમના અનુભવો લાગણી અને દુઃખ સાથે વ્યક્ત કર્યા હતા. આ સમયે જો પુરુષો હોત તો આટલું ખૂલીને વાતો અને ચર્ચા સંભવ નહોતી.
કિરન ટોકિંગ ન્યૂઝ પેપર અંગે માહિતી આપવા વર્ષાબહેન બાવીસીએ હિતેશભાઈ રયાણીને આગ્રહ કર્યો.
હિતેશભાઈ રયાણીઃ કિરન ટોકિંગ ન્યૂઝ પેપર 1985થી અસ્તિત્વમાં આવ્યું હતું, જેનું નામ પહેલાં બ્રેન્ટ એશિયન વિઝ્યુઅલી હેન્ડિકેપ્ડ ગ્રૂપ હતું. જે બાદ 1995થી હાલ સુધી પૂર્ણ બંધારણ સાથે કિરણ ટોકિંગ ન્યૂઝ પેપર ચાલી રહ્યું છે. આ સંસ્થા ખાસ કરીને પ્રજ્ઞચક્ષુઓ માટે કાર્યરત્ છે, જે ટોકિંગ ન્યૂઝ પેપર દ્વારા જ્ઞાનનો ભંડાર પામી શકે છે. અમારા ન્યૂઝ પેપરના મુખ્ય પાયામાં સી.બી. પટેલનું ગુજરાત સમાચાર મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આવનારા 2025માં અમે 40 વર્ષ પૂરા કરીશું. અમે 180 પ્રજ્ઞાચક્ષુ મેમ્બરથી શરૂઆત કરી હતી, જેમાં વોલેન્ટિયર્સ તો હતા જ નહીં. અમારી સાથે 5 સંસ્થાઓ સંકળાયેલી હતી. જે સમયે અમારી કેસેટ મંગળવારે પ્લે કરવાની હોય ત્યારે તેમનો આખો મીટિંગ રૂમ ભરાઈ જતો હતો, કારણ કે તેમને એ કેસેટ સાંભળવાની મજા આવતી હતી. જો કે કોવિડકાળ બાદથી આ સંસ્થાઓએ અમારી કેસેટ લેવાની બંધ કરી, જેને પુનઃ સ્થાપિત કરવાની અમારી ઇચ્છા છે. 180 મેમ્બરથી શરૂ કરેલી અમારી સંસ્થામાં હાલ 55થી 60 સભ્યો છીએ.
કોકિલાબહેન પટેલ દ્વારા વર્ષાબહેનને આગ્રહ કરવામાં આવ્યો કે, તમારા દ્વારા કરવામાં આવતી એડલ્ટ વિથ લર્નિંગ ડિસએબિલિટી સેવા અંગે જણાવો.
વર્ષાબહેન બાવીસીઃ લર્નિંગ ડિસએબિલિટી કાર્યક્રમની શરૂઆત મેં 1999માં કરી હતી. જે અંતર્ગત લર્નિંગ ડિસએબિલિટી સંસ્થામાં હું સેવા આપવા ગઈ હતી. સેવા કરવા માટેના ઇન્ટરવ્યૂ બાદ બીજા દિવસે તેમના દ્વારા સ્વયંસેવક તરીકે નહીં, પરંતુ જોબ કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. જે બાદ એક વકીલ તરીકે એડલ્ટ વિથ લર્નિંગ ડિસએબિલિટીમાં કામ શરૂ કર્યું. જો કે મેં સ્વયંસેવક તરીકેનું કામ પણ ચાલુ જ રાખ્યું. હાલની સ્થિતિમાં લર્નિંગ ડિસએબલ લાંબુ આયુષ્ય ધરાવે છે. તેમની એકલવાઈ જિંદગીમાં આપણે ઘણું કરી શકીએ છીએ. જો કે તેમને સતત કાર્યરત્ અને સ્વતંત્ર જીવન જીવવા માટે તૈયાર કરવા જરૂરી છે. આ માટે અમે તેમને સેન્ડવિચ બનાવવા જેવાં નાનાં-નાનાં કામથી લઈને રેસ્ટોરન્ટમાં જમવા લઈ જતા હતા. આમ કરતાં તેઓ સામાન્ય જીવન સાથે તાદાત્મ્ય સાધી શકે છે.
હાલની સ્થિતિમાં હું સંસ્થા સાથે કાર્યરત્ નથી, પરંતુ મેં આવા ડિસેબલ લોકોને મૂક્યા નથી. જે કોઈ સંસ્થા આ લોકોને મારા દ્વારા નિમંત્રણ આપે છે, ત્યાં હું તેમને મારી કાર દ્વારા લઈને જઉં છું. હાલમાં જ નવનાત ભગિની દ્વારા કરવામાં આવેલી ક્રિસમસ પાર્ટીમાં હું તેમને મારી કારમાં લઈને ગઈ હતી. આમ કરતાં ડિસેબલ લોકોને થાય છે કે અમારું પણ એક મહત્ત્વનું અસ્તિત્વ છે, માત્ર ચાર દીવાલ વચ્ચેનું જ જીવન નથી, અમે બહાર લોકો સાથે મળીને સંપર્ક કરી શકીએ છીએ. આ લોકોને વાત કરવાની અને મળવાની એટલી તત્પરતા હોય છે કે ભેટી પડે છે.
આ સિવાય હું આ પ્રજ્ઞાચક્ષુઓને દર ગુરુવારે હેલ્ધી વોકમાં પણ મદદ કરું છું. આ હેલ્ધી વોક દ્વારા તેઓ પ્રફુલ્લિત થઈ જાય છે અને તે તેમના સ્વભાવમાં સ્પષ્ટ દેખાય છે.
તમારી પાસે આવતી વૃદ્ધ મહિલાઓનો મુખ્ય શું પ્રશ્ન હોય છે?
વર્ષાબહેન બાવીસીઃ અમે તહેવારો સાથે વૃદ્ધ મહિલાઓનું મનોરંજન કરીએ છીએ, જેમાં આ તમામ મહિલાઓ ખૂબ ઉત્સાહ દાખવે છે. વૃદ્ધ માતા-પિતા તેમનાં સંતાનો પર એટલો આંધળો વિશ્વાસ કરી સંપત્તિ અને મકાન તેમના હવાલે કરી દેતાં હોય છે. જો કે આ પછી જ માતા-પિતાને વેઠવાનું આવે છે. જેણે પોતાની જીવનમૂડી તેમના સંતાનને આપી દીધી છે, તેમને જ જો નાણાં માટે વલખાં મારવાં પડે તે દુઃખની વાત છે. મારી ઇચ્છા છે કે આવી મહિલાઓ માટે એક ખાસ સેમિનાર કરવો છે. મારે તેમને કહેવું છે કે મહેરબાની કરી તેમને તમારી જીવનમૂડી આપી ન દો.
કોકિલાબહેન પટેલઃ સાચી વાત છે. ભવિષ્યમાં આપણે ગુજરાત સમાચારના પ્લેટફોર્મ પરથી આ અંગેનો કાર્યક્રમ ચોક્કસ કરીશું, જેમાં લોકો પોતાના મનની વાત રજૂ કરી શકે.
સી.બી. પટેલઃ કાર્યક્રમની શરૂઆતમાં કોકિલાબહેને કહ્યું હતું કે, જનસેવા એ જ પ્રભુસેવા - એ અર્થમાં સમયદાનની વાત થઈ, દુનિયાનું શ્રેષ્ઠદાન સમયદાન છે. આ ઉપલક્ષ્યમાં તમે અને હિતેશભાઈ રયાણીએ સમય આપ્યો તે બદલ હું આભારી છું. આપણે લોકોને મનોરંજન સાથે મર્મ આપી શકીએ, જીવન જીવવાનો હેતુ આપી શકીએ તે આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે.

