ક્રિસમસઃ માનવજાતે ઇસુના શિક્ષણ અને સંદેશને અનુસરવાની તાતી જરૂર

- આર્નોલ્ડ ક્રિસ્ટી Wednesday 18th December 2024 08:16 EST
 
 

ફરી એકવાર ક્રિસમસ એટલે કે નાતાલનું પર્વ આવી પહોંચ્યું છે. દર વર્ષે વિશ્વભરમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા પ્રભુ ઇસુના જન્મદિવસ ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ થશે તેમાં બેમત નથી. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે પ્રભુ ઇસુના પ્રેમ, દયા, કરૂણા, શાંતિના સંદેશને વિસરી જવાયો છે. ક્રિસમસનો મૂળ હેતૂ શું છે તેનાથી અજાણ માનવજાત બસ વ્યાવસાયિક ઉજવણીમાં ઓતપ્રોત બની ગઇ છે.
આજથી 2000 કરતાં વધુ વર્ષ પહેલાં રોમન શાસન હેઠળના ઇઝરાયેલના બેથલેહેમ ગામની એક ગભાણમાં પ્રભુ ઇસુ અવતર્યાં હતાં. બાઈબલ અનુસાર માનવજાતને પાપમાંથી મુક્તિ અપાવવા માટે પરમેશ્વર પિતાએ તેમના પુત્ર ઇસુને પૃથ્વી પર માનવ અવતારમાં મોકલ્યાં જેથી તેઓ સમગ્ર માનવજાતના પાપ પોતાના માથે લઇ તે માટે પરમેશ્વર પિતા દ્વારા નક્કી કરાયેલી સજા વધસ્થંભ પર ભોગવે.
વિશ્વમાં સૌથી વધુ પ્રસિદ્ધ કરાયેલ, સૌથી વધુ ભાષામાં ભાષાંતરિત કરાયેલ, સૌથી વધુ મનન અને વાંચન ધરાવતા બાઈબલમાં મુખ્ય બે વિભાગ છે. જૂનો કરાર અને નવો કરાર. બાઈબલમાં કુલ 66 પુસ્તક છે જેમાંથી 39 પુસ્તક જૂના કરારમાં અને 27 પુસ્તક નવા કરારમાં સામેલ છે. જૂના કરારમાં મુખ્યત્વે યહૂદી પ્રજાના ઇતિહાસ અને પરમેશ્વરપિતા સાથેના તેના સંબંધોની વાત કરવામાં આવી છે જ્યારે નવા કરારમાં પ્રભુ ઇસુના કાર્યો, સંદેશ, તેમના શિષ્યોના કાર્યો અને વિવિધ ચર્ચને લખાયેલા પત્રો સામેલ છે. આવા જ એક પુસ્તક “યોહાન”ના પુસ્તકના ત્રીજા અધ્યાયની 16મી કલમમાં જણાવવામાં આવ્યું છે કે, “ પરમેશ્વર પિતાએ તેમનો એકાકીજનિત દીકરો પૃથ્વી પર મોકલી આપ્યો જેથી જે કોઇ તેના પર વિશ્વાસ કરે તેનું તારણ થાય અને તેનો નાશ ન થાય.”
પરમેશ્વર પિતાએ માનવજાતના તારણ અને ઉદ્ધારની પોતાની યોજના અંતર્ગત તેમના પુત્રને પૃથ્વી પર માનવ અવતારમાં મોકલ્યા. 33 વર્ષના તેમના જીવનકાળમાં પ્રભુ ઇસુએ માનવજાતને પાપોથી પાછા ફરવા, પ્રેમ, કરૂણા, દયા અને શાંતિનો સંદેશ આપ્યો. પરંતુ તેમના બાદના 2000 વર્ષ પછી જાણે કે માનવજાત તેમના આ સંદેશને વિસરી ચૂકી છે. આજે ઠેર ઠેર યુદ્ધો લડાઇ રહ્યાં છે. માનવી માનવીનો દુશ્મન બનીને જીવ તરસ્યો બન્યો છે. સમગ્ર વિશ્વ 25 ડિસેમ્બરના રોજ તારણહારના જન્મની વધામણીની ઉજવણી તો કરે છે પરંતુ તેમના સંદેશા, શિક્ષણ અને પ્રબોધને હાંસિયામાં ધકેલી દીધાં છે. જે શિક્ષણ અને સંદેશો માનવજાતને સુવર્ણયુગમાં લઇ જવા સક્ષમ છે તેનું પાલન નહીં કરીને માનવજાત પોતાની જ ઘોર ખોદી રહી છે. આજે વિશ્વમાં સૌથી વધુ જનસંખ્યા ખ્રિસ્તીઓની છે. સૌથી વિકસિત અને શક્તિશાળી દેશો પણ ખ્રિસ્તી બહુલ છે. પરંતુ આજ દેશો આજે એકબીજા સામે ખાંડા ખખડાવીને માનવજાતને પરમાણુ યુદ્ધમાં ધકેલવાની કગાર પર ઊભાં છે.
પ્રભુ ઇસુને એક વિદ્વાન દ્વારા સવાલ કરાયો કે મારો સાચો સ્વજન કોણ. ત્યારે પ્રભુ ઇસુએ તેને જણાવ્યું કે તું તારા પાડોશી પર જેવો પોતા પર તેવો જ પ્રેમ કર. ત્યારે તે સજજને પ્રભુ ઇસુને વધુ એક સવાલ કર્યો કે મારો સાચો પાડોશી કોણ. ત્યારે પ્રભુ ઇસુએ તેને જણાવ્યું કે, એક વટેમાર્ગુ માર્ગમાં જતો હતો ત્યારે કેટલાક લૂટારુએ તેના પર હુમલો કરીને લૂટી લીધો અને ઘાયલ અવસ્થામાં છોડીને ચાલ્યા ગયાં. તે માર્ગેથી એક ધર્મગુરૂ પસાર થયો પરંતુ તે માર્ગ બદલીને ચાલ્યો ગયો. ત્યારબાદ ઘણા લોકો ત્યાંથી પસાર થયાં પરંતુ તેમણે આ વ્યક્તિને મદદ કરવાની તસ્દી લીધી નહીં. છેલ્લે એક સમરૂની વ્યક્તિ ત્યાંથી પસાર થયો. તેણે આ વ્યક્તિને જોયો તો તરત તેની પાસે પહોંચ્યો અને તેના ઘા સાફ કરી તેને સરાઇમાં લઇ ગયો. ત્યાં તેને હોશ આવ્યા ત્યાં સુધી તેની સાથે રોકાયો અને તેની સારવાર તથા ચાકરી કરી. પછી તે ત્યાંથી વિદાય થયો. ઇસુએ પેલા સજ્જનને પૂછ્યું કે હવે કહો કે સાચો પાડોશી કોણ. ત્યારે તેણે જવાબ આપ્યો કે જેણે કરૂણા દર્શાવીને મદદ કરી તે. ત્યારે ઇસુએ તેમને કહ્યું કે તું પણ જઇને તેમ જ કર.
આમ પ્રભુ ઇસુએ પ્રેમ, કરૂણા અને દયાનું શિક્ષણ આપ્યાં છતાં આજે તેમના જ અનુયાયીઓ નફરત, ધિક્કાર, હિંસાને તાબે થઇ ગયાં છે. એકબીજા પર પ્રેમ રાખવા, એકબીજા માટે થોડું ઘસાઇ જવા, એકબીજા માટે જતું કરવાની ભાવનાનો તદ્દન અભાવ વર્તાઇ રહ્યો છે. પ્રભુ ઇસુએ કહ્યું છે કે તું તારા ભાઇને સિત્તેર ગણી સાત વાર માફ કર. પરંતુ આજની આધુનિક દુનિયામાં માફી આપવા કોઇ તૈયાર નથી. તેનાથી વિપરિત બદલાની ભાવના દિન પ્રતિદિન પ્રબળ બની રહી છે. જેમાં માનવી અન્યનો જીવ લેતાં પણ ખચકાતો નથી. એકવાર શિષ્યોએ પ્રભુ ઇસુને પૂછ્યું કે અમે કેવી રીતે પ્રાર્થના કરીએ ત્યારે પ્રભુ ઇસુએ તેમને એક પ્રાર્થના શીખવી. જેમાં એક વાક્ય એવું આવે છે કે, હે પરમેશ્વર પિતા જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યાં છે તેવી જ રીતે તમે અમારા ઋણો માફ કરો. અર્થાત જેમ અમે અન્યોને માફી આપી છે તેમ તમે અમને અમારા પાપ માફ કરો. પરંતુ આજે ઇસુનું આ શિક્ષણ વિસરાઇ ગયું છે. કોઇ એકબીજાને માફ કરવા તૈયાર નથી. પછી તે વ્યક્તિગત સ્તરે હોય, સામુદાયિક સ્તરે હોય કે દેશના સ્તરે.
ઝાકઝમાળભરી રોશની કરવાથી, ક્રિસમસ ટ્રી શણગારવાથી, ઘરની બહાર સ્ટાર લગાવવાથી કે ધામધૂમથી ઉજવણી કરવાથી ક્રિસમસનો સાચો સાર સરતો નથી. ઇસુના શિક્ષણને અનુસરીને તેમના ચીંધ્યા માર્ગે જીવન જીવવાથી જ ક્રિસમસની સાચી ઉજવણી થઇ શકે. ઇસુએ કહ્યું છે કે, આ બહુ નાનામાંથી તમે એકને કર્યું એટલે કે મને કર્યું. અર્થાત જો તમે ગરીબો, નબળાં, વંચિતોની સેવા અને કાળજી કરો છો તો તમે મારી સેવા અને કાળજી કરો છો. આજે વ્યાવસાયિક ધોરણે ઉજવાતી ક્રિસમસને સ્થાને ઇસુના શિક્ષણ અનુસાર ક્રિસમસની ઉજવણીની તાતી જરૂર છે. જો તેમ થશે તો માનવજાતને પૃથ્વી પર જ સ્વર્ગ પ્રાપ્ત થઇ જશે. જ્યાં ફક્ત પ્રેમ, કરૂણા અને દયાનો જ વાસ હશે. દુનિયામાં કોઇ ભૂખ્યું નહીં સૂવે, કોઇ વસ્ત્ર વિનાનું નહીં રહે, કોઇ સારવારના અભાવથી મૃત્યુ નહીં પામે, યુદ્ધોનો અંત આવી જશે અને ચારેતરફ ખુશહાલી પ્રસરી જશે. 2024ની ક્રિસમસ માટે આજ સંદેશો હોઇ શકે.. ગુજરાત સમાચારના તમામ વાચકોને ક્રિસમસ અને 2025ના નવા વર્ષની શુભેચ્છાઓ.....


comments powered by Disqus