ડોભાલ બૈજિંગ પહોંચ્યાઃ સીમાવિવાદ ઉકેલવા ચીનના વિદેશ મંત્રી સાથે મંત્રણા

Wednesday 18th December 2024 07:53 EST
 
 

નવી દિલ્હીઃ ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અને સ્પેશ્યિલ રિપ્રેઝન્ટેટિવ (એસઆર) અજિત ડોભાલ મંગળવારે ચીનના પ્રવાસે બૈજિંગ પહોંચ્યા છે. ચીન પ્રવાસ દરમિયાન ડોભાલ બુધવારે - 18 ડિસેમ્બરે 23મી ઇન્ડો-ચાઇના સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ બેઠકમાં હાજરી આપશે. ભારત-ચીન સરહદ વિવાદ ઉકેલવા મળનારી આ બેઠકમાં ડોભાલ ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મંત્રણા કરશે.
ગત 21 ઓક્ટોબરે ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદના ઉકેલ માટે સમજૂતી સધાઇ હતી. દ્વિપક્ષીય સરહદી વિવાદ સંદર્ભે મંત્રણા કરવા બન્ને દેશોએ વિશેષ પ્રતિનિધિની નિમણૂક કરી છે. જેમાં એનએસએ અજિત ડોભાલ વિશેષ પ્રતિનિધિ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે જ્યારે ચીનનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી વાંગ યી કરી રહ્યા છે.
23 ઓક્ટોબરે રશિયામાં ‘બ્રિક્સ’ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાતચીત યોજાઇ હતી. હતી. 2020માં ભારત અને ચીન વચ્ચે ગલવાન અથડામણ બાદ બન્ને નેતાઓ મોદી અને જિનપિંગ વચ્ચે આ પ્રથમ દ્વિપક્ષીય વાતચીત હતી.
પાંચ વર્ષ બાદ ચીનનો પ્રવાસ
2019 પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ વરિષ્ઠ ભારતીય અધિકારી અથવા નેતા ચીનના પ્રવાસે પહોંચ્યા છે. આ પહેલા વિદેશ મંત્રી જયશંકર ઓગસ્ટ 2019માં ચીનની મુલાકાતે ગયા હતા. આ પૂર્વે બન્ને દેશ વચ્ચે 23 ઓક્ટોબર 2024ના રોજ દ્વિપક્ષીય વાટાઘાટો યોજાઇ હતી.
બે વર્ષમાં 38 દ્વિપક્ષીય બેઠકો
પૂર્વ લદ્દાખમાં સરહદ વિવાદને લઈને ભારત-ચીન વચ્ચે ચાર વર્ષથી તણાવ પ્રવર્તે છે. બે વર્ષ વાટાઘાટ પછી 21 ઓક્ટોબરના રોજ સમજૂતી થઈ હતી કે બંને દેશની સેના વિવાદિત સ્થળો દેપસાંગ અને દેમચોકમાંથી જવાનો પાછા ખેંચી લેશે. આ પછી 25 ઓક્ટોબરથી બંને દેશોની સેનાએ વિવાદિત પોઇન્ટ પર પાછળ ખસવાનું શરૂ કર્યું છે.
LAC પર પેટ્રોલિંગને લઈને ભારત-ચીન વચ્ચે થયેલી સમજૂતી સંદર્ભે વિદેશ મંત્રી એસ. જયશંકરે ગયા ઓક્ટોબરમાં કહ્યું હતું કે, સૈનિકોને પાછા હટાવવા એ પહેલું પગલું છે. આગળનું પગલું તણાવ ઘટાડવાનું છે. તણાવ ઓછો કરવા માટે બંને દેશો વચ્ચે બે વર્ષમાં 38 બેઠકો યોજાઈ હતી. કરાર અનુસાર બન્ને દેશની સેનાઓ એપ્રિલ 2020ની પૂર્વવત સ્થળે પાછા ફર્યા છે. સેના હવે એ જ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે જ્યાં તેઓ એપ્રિલ 2020 પહેલાં પેટ્રોલિંગ કરતા હતા. આ સિવાય કમાન્ડર લેવલની બેઠક પણ ચાલુ છે.


comments powered by Disqus