લંડનઃ પરજિયા પટ્ટણી એસોસિયેશનના પૂર્વ સેક્રેટરી, વાઈસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ કાન્તિલાલ મગનલાલ પટ્ટણીનું 10 ડિસેમ્બરે લંડનમાં અવસાન થયું છે. તેમનો જન્મ ગુજરાતમાં જામકંડોરણા ખાતે 8 ફેબ્રુઆરી 1948માં થયો હતો. તેઓ 1955માં કેન્યાના નાઈરોબી સ્થળાંતર કરી ગયા હતા અને 1967માં યુકે પહોંચ્યા હતા. તેઓ 70ના દાયકામાં સ્થળાંતર કરી અહીં આવેલા તમામ ભારતીયો માટે એક્ટનમાં સૌપ્રથમ નવરાત્રિ ઈવેન્ટ યોજવામાં અગ્રેસર હતા. વિવિધ ભારતીય કોમ્યુનિટીઓએ તેમના નવરાત્રિ કાર્યક્રમો યોજવાની શરૂઆત કરી ત્યારે કાન્તિલાલની સેવા અને વોલન્ટીઅરીંગની કામગીરી યથાવત રહી હતી. તેમણે પરજિયા પટ્ટણી એસોસિયેશનના સેક્રેટરી, વાઈસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટની ભૂમિકાઓ સંભાળી હતી. તેમણે સેવાકાર્યો માટે જંગી ભંડોળ એકત્ર કર્યું હતું. જેના થકી કોમ્યુનિટીને ખર્ચા વિના જ સંખ્યાબંધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં મદદ મળી હતી. કોમ્યુનિટી પોતાની માલિકીની પ્રોપર્ટી વસાવે તે માટે પૂરતું ભંડોળ એકત્ર કરવાની તેમની ઈચ્છા હવે આગામી કમિટી મેમ્બર્સને હસ્તક સોંપાઈ છે. દિવંગત કાન્તિલાલ પટ્ટણી તેમની પાછળ પત્ની, 3 સંતાન અને 3 ગ્રાન્ડચિલ્ડ્રનનો પરિવાર છોડીને ગયા છે.

