નવા વર્ષમાં જાન્યુઆરીના અંતમાં બંને દેશ વચ્ચે મુક્ત વેપાર કરાર પર મંત્રણા શરૂ કરાય તેવી પ્રબળ સંભાવના વચ્ચે ભારત અને યુકે વચ્ચેનો વેપાર કૂદકે અને ભૂસકે વધી રહ્યો છે. 14 રાઉન્ડ પછી મંત્રણા સ્થગિત થઇ ગઇ હતી પરંતુ છેલ્લા 9 મહિનામાં બંને દેશ વચ્ચેની બિઝનેસ એક્ટિવિટી નાટકીય રીતે વધી ગઇ છે. એચએસબીસી બેન્કના આંકડા પ્રમાણે યુકેમાંના ક્લાયન્ટ દ્વારા ભારતમાં કરાતા પેમેન્ટમાં છેલ્લા 9 મહિનામાં 32 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જેની સામે ભારતમાંથી યુકેના ક્લાયન્ટોને કરાતા પેમેન્ટમાં આજ સમયગાળામાં 121 ટકાનો વધારો થયો છે. તેનો અર્થ એ થયો કે બંને દેશ વચ્ચેનો વેપાર ઝડપથી ફૂલી ફાલી રહ્યો છે.
ભારતીય અર્થતંત્ર હાલમાં વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. છેલ્લા દોઢ દાયકામાં ભારતમાં વિકાસની ગાડીએ વેગ પકડ્યો છે. ભારત વિશ્વનું સૌથી મોટુ બજાર હોવાની સાથે શહેરીકરણ પણ મોટાપાયે થઇ રહ્યું છે. ભારતીય ગ્રાહકોની વધી રહેલી ખરીદશક્તિ બ્રિટિશ ઉત્પાદનો માટે મહત્વનું બજાર પૂરવાર થઇ શકે છે. ભારતમાં વિસ્તરી રહેલો મિડલ ક્લાસ યુકેના ઉત્પાદનો માટે ગ્રાહક માગમાં વધારો કરવાની ક્ષમતા ધરાવે છે. ભારતનો માળખાકીય વિકાસ પણ બ્રિટિશ ઉત્પાદકો માટે સોનાના ઇંડા આપતી મરઘી પૂરવાર થઇ શકે છે. યુકેના બિઝનેસોને ભારત જેવા બજારની તાતી જરૂર છે.
બીજીતરફ ભારતના સર્વિસ સેક્ટર માટે યુકે મહત્વનું બજાર પૂરવાર થઇ રહ્યો છે. જટિલ કામકાજોમાં ભારતીય સર્વિસ સેક્ટરની મહારથે બંને દેશના સર્વિસ સેક્ટરના સંબંધો વધુ મજબૂત બનાવ્યાં છે. યુકેની યુનિવર્સિટીઓને ભારતીય વિદ્યાર્થીઓની ખૂબ જ જરૂર છે. ભારતીય વિદ્યાર્થીઓની આવક પર જ યુકેની યુનિવર્સિટીઓ નભી રહી હોવાનું કહીએ તો તે અતિશયોક્તિ નહીં ગણાય.
આમ 2025ના પ્રારંભે બંને દેશ વચ્ચેના વેપાર કરાર પર આગળની મંત્રણાઓ શરૂ થાય તે પહેલાં બિઝનેસ સેક્ટરમાં ફુલગુલાબીચિત્ર ઉપસી રહ્યું છે. બ્રેક્ઝિટનો માર ઝીલી રહેલા બ્રિટન માટે ભારત સાથેના વેપાર સંબંધો અત્યંત આવશ્યક અને મહત્વના બની રહ્યાં છે.
