મહારાષ્ટ્ર: ચૂંટણીના આકાશમાં અધધ રાજકીય પક્ષ-તારલાઓ!

Wednesday 18th December 2024 06:20 EST
 
 

લોકશાહી છે અને પક્ષ પદ્ધતિ છે, મતાધિકાર અને સત્તા પ્રાપ્ત કરવાનો કે વિરોધ પક્ષે રહેવાનો અધિકાર છે એટ્લે રાજકીય પક્ષો તો હોવાના. કોઈ નવા, કોઈ જૂના, કોઈ જૂનામાથી છૂટા પડીને અલગ અસ્તિત્વ રાખનારા. કોઈ સાંપ્રદાયિક તો કોઈ ભાષાકીય, કોઈ પ્રાદેશિક અસ્મિતાનો ઝંડો ઉઠાવનારા, કોઈ વ્યક્તિગત નેતા તરીકેની જિદ્દમાથી પેદા થયેલા., પ્રદેશમાં પણ અલગ પ્રદેશ માંગનારા, કોઈ ગાંધી-જયપ્રકાશ-નેહરૂ-સરદાર-કામરાજ-માઓ -માર્કસના અનુગામી હોવાનો દાવો કરનારા, કોઈ “જનતા”, “કોંગ્રેસ” “સમાજવાદી””રિપબ્લિક્ન” પીંછા સાથેના અનેકો...આ છે ભારતીય લોકશાહીમાં અસ્તિત્વ ધરાવતા રાજકીય પક્ષોની વણઝાર. કેટલાક કોમવાદી અને અલગાવવાદી પણ નામમાં “અખિલ” અને “સેક્યુલર” અને “પ્રગતિશીલ” !!
વીસમી સદી પૂરી થઈ ત્યારે ચૂટણી પંચના ચોપડે ચડેલા અને ના ચડેલા પક્ષોની યાદી ખ્ંખોળી તો લગભગ 3700 પક્ષોના નામ મળ્યા. તેમાં 28 કોંગ્રેસો હતી, 14 કમ્યુનિસ્ટ નામધારી પક્ષો હતા, 15 સમાજવાદી નામધારી હતા, જનતા પક્ષના દસ સ્વરૂપો હતા, 8 મુસ્લિમ ઓળખ સાથેના, 3 હિન્દુ નામધારી, 8 અકાલી દળ, 10 દ્રવીડ કઝગમ , 8 રિપબ્લિકન, 4 ફોરવર્ડ બ્લોક, 38 દલિત-મઝદૂર કૃષક પક્ષો, ભાષા, સમાજ, સમુદાય અને પ્રદેશની અસ્મિતા સાથે કામ કરતાં 97, અને બીજા 48....અનેકતામા એકતા, ચૂટણીની વિશેષતા. બધાને લોકસભામાં પહોંચવાની અભિલાષા એટ્લે ચૂટણી પંચ તેને ચૂટણી નિશાન ફાળવે અને તેઓ ઉમેદવાર બને, ઢંઢેરો બહાર પાડે, વાયદા વચન આપે, યથા શક્તિ-મતિ ખર્ચ કરે, હિસાબ આપે , ના આપે , અમાન્ય જાહેર થાય તો બીજું નામ બદલાવે, ચૂટણીમાં કોઈને હરાવવા અને બીજાને જિતાડવાની હયાતી ઊભી કરે, અનામત રકમ ગુમાવે, પણ કેટલુક કમાઈ લે..
આપણે વાચતા હોઈએ છીએ કે ફલાણો પક્ષ “રાષ્ટ્રીય “ માન્યતા પ્રાપ્ત કરી શક્યો, તેમાં તેણે હારે કે જીતે મતો મેળવે તેવો ઇરાદો પણ હોય, જેથી કુલ પ્રાપ્ત મતોના આધારે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળે. સામાન્ય રીતે ભારતીય રાજનીતિમાં કોંગ્રેસ, સમાજવાદી પક્ષ,જનતા પક્ષ અને ભારતીય જનતા પક્ષને મત પ્રાપ્તિના આધારે અખિલ ભારતીય માન્યતા મળી છે. હવે પરિસ્થિતી બદલતી જાય છે. અને ગઠબંધનો, જોડાણો, મોરચાઓ દ્રશ્યમાન છે. આંદોલનોમાથી જન્મેલા સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ કે મહાગુજરાત જનતા પરિષદનો હેતુ પૂરો થતાં નામશેષ થઈ ગયા, જોકે તેના પાટિયા કોઈક ખૂણે ઓફિસ પર દેખાય છે ખરા.
હમણાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂટણી થઈ. યુતી અને અઘાડી વચ્ચે જંગ હતો. એ સિવાયના પક્ષોની સંખ્યા અને તેનું અસ્તિત્વ રસપ્રદ હિસાબ પૂરો પડે છે. શક્ય છે કે કેટલાક પક્ષોએ બહારથી યુતિ કે આઘાડીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જિતાડવામાં મદદ કરી હોય. પણ આ ટચૂકડા, અને મોટેભાગે અનામત રકમ ગૂમાવી ચૂકેલા, કે કોઈ બીજા ઉમેદવારને માટે ન્યૂસન્સ વેલ્યુ બનેલા ઉમેદવારોના પક્ષોના નીતિ, સિદ્ધાંત, હેતુ શા હશે? કેટલો ખર્ચ કર્યો હશે? કાર્યકર્તા કોણ હશે? પરિણામ પછી તેઓ ગૂમ થઈ ગયા કે હજુ ટકી રહ્યા છે?
 221 રાજકીય પક્ષો મહારાષ્ટ્ર મેદાનમાં હતા. અહી પણ જાતભાતના નામો. એક પક્ષ આમ જનતા પાર્ટી ડેમોક્રેટિક. બીજો આશરા લોકમંચ. ત્રીજો એઇમ પોલિટિકલ, ચોથો અખંડ ભારત આવાઝ. પંચમી અખંડ હિન્દ પાર્ટી. અખિલ ભારતીય માનવતા પક્ષ. અખિલ ભારતીય રેવોલ્યુશન શોષિત સમાજ દળ. આવા જ “અખિલ ભારતીય” મુકુટધારી પક્ષો- સેના, એકતા, જનહીત, ક્રાંતિસેના, લોકાધિકાર, સર્વધર્મ સમાજ, ક્રાંતિકારી કોંગ્રેસ, રિપબ્લિકન, આંબેડકરાઇટ , પ્રજાહિત, અવામી વિકાસ, બહુજન રૈયત, બહુજન સમાજ, રિપબ્લિકન, રિપબ્લિકન સોસાઇટી, બહુજન વિકાસ અઘડી, બલીરાજ .... બધાની આગળ અખિલ ભારતીય તો ખરું જ. ભલે પડોશની ચાલમાં અપરિચિત હોય.
હવે જુઓ અખિલ છોડીને માત્ર ભારત કે ભારતીય શબ્દનામધારી આ પક્ષો,: જનાધિકાર, જનસંગ્રામ, પીપલ્સ સેના, વૈભવ પાર્ટી, અવાજ પાર્ટી, લોકશક્તિ, માઈનોરિટી સુરક્ષા મહાસંઘ, પરીવર્તન કોંગ્રેસ, પ્રજા સુરાજ્ય પક્ષ, રાષ્ટ્રીય સ્વદેશી કોંગ્રેસ, સંગ્રામ પક્ષ, બહુજન મહા સંઘ, અસ્મિતા પાર્ટી, બહુજન ક્રાંતિ દળ, છત્રપતિ સેવા, કમ્યુનિસ્ટ પાર્ટી, જનસમરસતા, જનહિત કોંગ્રેસ, લોકસ્વરાજ , માનવધિકાર ફેડરલ,... અહોહો, કેટલા બધા ભારત સંજ્ઞાધારી પક્ષો!
થાકી ના ગયા હો તો હવે રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદી નામ સાથેના પક્ષોના નામ જાણીએ, રાષ્ટ્રહિત. રાષ્ટ્રહિત સમર્પણ, ક્રાંતિ દળ. બહુજન, આમ, અન્યોદય, અન્યાય નિવારણ, વાલ્મીકિ સેના, જનમંચ, જન સુરાજ્ય, કિસાન બહુજન. લોકજાગૃતિ, લોકશાહી, મહા જનશક્તિ, મહાશક્તિ, મરાઠા, મરાઠા સમાજ, સંત સંદેશ, સ્વાભિમાન, યુવા સ્વાભિમાન, સ્વરાજ્ય સેવા,. એજ રીતે રિપબ્લિકન નામધારી બહુજન સેના, પક્ષ-ખોરપિયા, ઓફ ઈડિયા, આઠવલે, ડેમોક્રેટિક, એકતાવાદી, કાંબલે, રીફોર્મિસ્ટ, સોશિયલ, રાઈટ ટુ રિકોલ, સાબનાથ, સમાજ વિકાસ, સમાજવિકાસ ક્રાંતિ,..
એમ કઈ લોકશાહી ચૂટણી જંગ પૂરો થાય? બીજા કેટલાક પક્ષો પણ મેદાનમાં હતા. નામો ના જાણીએ તો તેને અન્યાય થાય. સ્વાધીન ભારતની વિધાનસભામાં પ્રજાના પ્રતિનિધિ થવા માગતા હતા તેઓ. એક પક્ષનું નામ જ ધનવાન પક્ષ. જરૂર તેમાં ઘણા કાર્યકર્તાઓ હોવા જોઈએ. “ધર્મ રાજ્ય” પક્ષ પણ ખરો. એકનું તો નામ જ ડિજિટલ ઓર્ગેનિઝેશન ઓફ નેશનલ પાર્ટી! “હમારા ધંધા ઔર બેરોજગાર પાર્ટી. એકનું નામ હમ એક હૈ. યોગીએ તો તે પછી આ સૂત્ર આપ્યું.
એક પક્ષને લાગ્યું કે લાંબુ લચ નામ કોણ રાખે? બોલો જનતા કી પાર્ટી. જય પ્રકાશ નારાયણ લોકશક્તિ અને લોકરાજ શબ્દ પર ભાર મુક્તા હતા ને? આ બે શબ્દો સાથેની બે પાર્ટી પણ હતી, ભલે તેમને ના “લોક” મળ્યું, ના “શક્તિ”. પ્રબુદ્ધો વિના લોકશાહી ના ચાલે એટ્લે એક પક્ષ પ્રબુદ્ધ રિપબ્લિકન હતો.
 આ બધાની વચ્ચે મત મેળવીને ચૂંટાયા તે બધાને અભિનંદન!


comments powered by Disqus