સંસ્કાર નગરી વડોદરાના વાસ્વિક ઓડીટોરીયમ ખાતે ૭ ડિસેમ્બર’૨૪ના રોજ સ્વરકાર જયદેવભાઇના જન્મોત્સવ નિમિત્તે એમના પુત્ર મેઘાવી કંઠના ગાયક ગિરિરાજભાઇ ભોજકે ‘‘યાદી ભરી છે આપની’ કાર્યક્રમનું આયોજન કરી પિતાશ્રીને યથોચિત અંજલિ અર્પી. સુગમ સંગીતના પ્રચાર-પ્રસારની પિતાની ભાવનાને ઉજાગર કરતો આ વિશિષ્ઠ પ્રણાલીનો સુમધુર કાર્યક્રમ વડોદરા, ભાવનગર, બીલીમોરા, કરમસદ, વ્યારા અને ડભોઇના બાર કવિઓની રચનાઓને ગિરિરાજભાઇએ સ્વરબધ્ધ કરી ભોજક કલ્ચરલ ગૃપના ૧૩ કલાકારો સહ સ્વ કંઠે પ્રસ્તુત કર્યો.
આ કાર્યક્રમના અતિથિ વિશેષ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના પર્ફોમીંગ આર્ટ્સના ડીન ગૌરાંગ ભાવસારે સંગીતના સંવર્ધન માટે શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત વોકલ ડીપાર્ટમેન્ટના રાજેશ કેલકર, ફિલ્મ પ્રોડ્યુસર શનાભાઇ પટેલ તેમજ જયદેવભાઇના લઘુબંધુ સંગીતકાર ડો.પ્રભાતદેવ ભોજક અને એમનાં ધર્મ પત્ની પ્રેમાબહેન ભોજકના આમંત્રણને માન આપી આપણા સાપ્તાહિકો “ગુજરાત સમાચાર” અને “એશિયન વોઇસ’’ના પ્રતિનિધિએ હાજર રહી શુભેચ્છા પાઠવી હતી. સ્થાનિક સંગીતકારો તેમજ કવિઓ સહિત સંગીત પ્રેમીઓ અને ભોજક પરિવારજનોની વિશાળ હાજરીએ સ્વરોત્સવને માણ્યો હતો. સમારોહનું સંચાલન કવયત્રિ-ઉદઘોષક-નાટ્ય કલાકાર ઝંખના શાહે એમની આગવી શૈલીમાં કર્યું હતું.
આપણા લંડનના જાણીતા કવિ અને પાછલી વયે વતન કરમસદમાં સ્થાયી થયેલ હ્દયસ્થ રમેશ પટેલ “પ્રેમોર્મિ”ની કવિતા ‘હે મા શારદે’ થી પ્રારંભ અને સમાપન વડોદરાના કવિ સુન્દરમ ટેલરના કવિતા ‘પપ્પા કહો, બાપુ કહો” નું ગાન ભૈરવી રાગમાં સ્વરકાર ગિરિરાજે કરી કંઠના કામણ કરી શ્રોતાઓના મન જીતી લીધા હતાં.
સંગીતના ભેખધારી ભોજક પરિવારનો વિસ્તૃત પરિચય આ પ્રસંગે થયો. જેમની રગોમાં વારસાગત સંગીત વહે છે. નાદ બ્રહ્મના પરમ ઉપાસક જયદેવભાઇ ભોજક સંગીત રત્ન દલસુખરામ ભોજકના પૌત્ર. એમનો જન્મ મોસાળ સિધ્ધપુરમાં ૭ ડિસેમ્બર ૧૯૨૮માં થયો હતો. આ પરિવારના મૂળ ભારતના વડાપ્રધાન મોદીજીના ગામ વડનગરમાં. તેઓશ્રીએ ઓલ ઇન્ડિયા રેડિયો, વડોદરા આકાશવાણીના મ્યઝીક પ્રોડ્યુસર તરીકે ૧૯૬૩થી સતત ૩૫ વર્ષ સેવા સાદર કરેલ. ગુજરાત રાજ્ય સંગીત અકાદમી દ્વારા ૨૦૧૭-૧૮નો ગૌરવ પુરસ્કાર તેમને એનાયત થયો હતો. તેમણે ગુજરાતના પ્રાચીન-અર્વાચીન કવિઓની ૫૦૦૦ જેટલા સ્વરાંકનો કર્યા છે અને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડ્યા છે.
પ્રભાતભાઇ ભોજક પણ સંગીતમાં હાર્મોનિયમ પર સંગત કરવા ઉપરાંત સુગમ અને શાસ્ત્રીય સંગીતના જ્ઞાતા છે. એમના અવાજમાં અનોખું કંઠ માધુર્ય, સૂરીલાપણું અને માર્દવ છે. તેઓ લંડન આવ્યા ત્યારે દેવીબહેન પારેખના નિવાસસ્થાને એમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને એમાં તંત્રીશ્રી સી.બી.પટેલે પણ હાજરી આપી હતી.
ગિરિરાજભાઇએ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની મ્યુઝીક કોલેજમાં એમ.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો. તેઓશ્રી હાલ ભાવનગરની શ્રીમતી ન.ચ.ગાંધી મહિલા કોલેજના સંગીત વિભાગમાં અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે કુટુંબની પરંપરાગત ધ્રુપદ ધમાલની ગાયકીને પોતાના કંઠમાં જાળવી છે. શાસ્ત્રીય રાગ પર આધારિત ગાંધી ગીતોની તેમની કેસેટ આપણા લંડનના કવિરાજશ્રી ડાહ્યાભાઇ પટેલ ‘દિનેશ’ દ્વારા પ્રગટ કરાઇ છે. વિશાળ ભોજક પરિવારના સભ્યો સંગીતના વારસાનું જતન અને સંવર્ધન કરી રહ્યાં છે. સંગીત જગતનું એ ગૌરવ છે.

