10 વર્ષની માસૂમ સારા શરિફની પિતા અને સાવકી માતા દ્વારા કરાયેલી હત્યાએ બ્રિટનની બાળકોની સુરક્ષા અંગેની નીતિઓની પોલ ખોલી દીધી છે. જેના હાથમાં જ બાળકના પાલન પોષણ અને સંરક્ષણની જવાબદારી હોય તેવી પરિવારની નિકટની વ્યક્તિઓ દ્વારા બાળકનું મોત થયું હોય તેવી બ્રિટનની આ પહેલી ઘટના તો નથી જ.
આ પહેલાં પણ બાળકોના મોત બાદ આ પ્રકારની ઘટનાઓ ક્યારેય ન બને તેવી કાગારોળ સાથે તપાસો શરૂ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી આ સ્થિતિમાં ધરમૂળથી બદલાવ લાવવામાં સરકાર અને સમાજ બંને સદંતર નિષ્ફળ રહ્યાં છે. વર્ષ 2000માં 8 વર્ષની વિક્ટોરિયા દાદા-દાદીના અત્યાચારોનો ભોગ બની હતી. આ ઘટનાએ પણ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. તે સમયે પણ મોટા બદલાવ કરવાના ઠાલાં વચનોની ભરમાર ચાલી હતી. 2007માં 17 માસના પીટર કોનલીની માતા અને સાવકા પિતા દ્વારા હત્યા કરાઇ હતી. આ સમયે પણ ભારે હોબાળો મચ્યો હતો. આ પ્રકારની દરેક ઘટના બાદ હાથ ધરાયેલી તપાસોએ બાળકોના સંરક્ષણમાં નિષ્ફળતાને ઉજાગર કરતાં કારણો આપ્યાં હતાં. તપાસો બાદ સરકારો દ્વારા વધુ પગલાંના વચનો અપાયાં પરંતુ બધું ઠેરનું ઠેર જ રહ્યું હતું.
સારાના મોત અંગેની અદાલતી સુનાવણીમાં સરકાર અને સમાજની નિષ્ફળતાની એક પછી પરતો ખુલતી ગઇ હતી. કરૂણાંતિકા સર્જાઇ તે પહેલાં સ્થાનિક સત્તામંડળો દ્વારા સારા શરિફની સુરક્ષાના સંદર્ભમાં આંખ આડા કાન કરાયાં હતાં. સારાની સુરક્ષામાં સ્થાનિક સત્તામંડળ, સમાજસેવી સંગઠનો અને ફેમિલી કોર્ટ સુદ્ધાં નિષ્ફળ રહ્યાં હતાં. સારાના મોતના પાંચ મહિના પહેલાં તેની શાળાએ સારાના શરીર પર દેખાતાં ઇજાના નિશાન અંગે રેફરલ અને સોશિયલ સર્વિસિઝને જાણ કરી હતી પરંતુ થોડા જ દિવસોમાં તેનો કેસ બંધ કરી દેવાયો હતો.
સવાલ એ છે કે સરકાર, સ્થાનિક સત્તામંડળો, રેફરલ અને સમાજસેવી સંગઠનો ક્યાં સુધી આ પ્રકારની ઘટનાઓમાંથી પદાર્થપાઠ નહીં શીખે. જ્યારે પણ કોઇ બાળક આ પ્રકારના અત્યાચારોનો ભોગ બને ત્યારે થોડો સમય તપાસની ડુગડુગી વગાડીને બધા શાંત થઇ જાય છે અને ફરી ક્યાંક કોઇ ઘરમાં કોઇને કોઇ બાળક પરિવારજનના અત્યાચારનો ભોગ બનતું રહે છે. સારા શરિફ કરૂણાંતિકા કદાચને બ્રિટિશ સમાજ માટે ખતરાની છેલ્લી ઘંટડી હોઇ શકે છે.
