સીરિયામાં તખ્તાપલટની સાથે જ મિડલ ઇસ્ટનું ચિત્ર જ બદલાઇ ગયું છે. 13 વર્ષના લાંબા ગૃહયુદ્ધ બાદ દાયકાઓથી સીરિયામાં સત્તા પર રહેલા બશર અલ અસદને દેશ છોડીને રશિયામાં રાજ્યાશ્રય લેવાની ફરજ પડી છે જેના પગલે આ પ્રદેશના જીઓપોલિટિકલ સમીકરણો જ બદલાઇ ગયાં છે. સૌથી મોટો ફટકો રશિયા અને ઇરાનને પડ્યો છે.
એ વાતમાં કોઇ શંકા નથી કે અસદનું પતન મિડલ ઇસ્ટમાં સત્તાના સંતુલનને નવો આકાર આપવા જઇ રહ્યું છે. પશ્ચિમના દેશો, આરબ દેશો અ ઇઝરાયેલ સીરિયા પર ઇરાનના પ્રભુત્વને અટકાવવાનો પ્રયાસ જરૂર કરશે પરંતુ સાથેસાથે કટ્ટરવાદી ઇસ્લામિક શાસકોને ફાલવા ફૂલવા પણ નહીં દે.
સીરિયામાં પ્રભુત્વ, લેબેનોનમાં હિઝબુલ્લાને સમર્થન અને ગાઝામાં હમાસને સહાય આપીને ઇરાને ઇઝરાયેલની આસપાસના દેશોમાં ચક્રવ્યૂહ રચ્યો હતો. પરંતુ છેલ્લા એક વર્ષમાં હમાસના ઇઝરાયેલ પરના આતંકવાદી હુમલા બાદ યહૂદી સત્તાએ હમાસ અને ત્યારબાદ જે રીતે હિઝબુલ્લાનો ખાત્મો કર્યો તેના કારણે ઇરાન સમર્થિત પરિબળો આ પ્રદેશમાં નબળાં પડી ગયાં હતાં. હવે સીરિયામાં પણ બશરનું પતન થતાં ઇરાન ફરી એકવાર ઇઝરાયેલને ઘેરવાની વ્યૂહરચનામાં નિષ્ફળ પૂરવાર થઇ ચૂક્યો છે. લેબેનોનમાં હિઝબુલ્લા અને ગાઝામાં હમાસને સહાય પહોંચાડવા ઇરાન માટે સીરિયા એક મહત્વનો જમીની અને હવાઇ માર્ગ હતો. હવે બશરનું પતન થતાં હિઝબુલ્લા અને હમાસની સપ્લાય ચેઇનો પણ કપાઇ ચૂકી છે.
યુક્રેન યુદ્ધના કારણે અનેક મોરચે લડી રહેલો રશિયા પણ બશરની સત્તાને બચાવવામાં નિષ્ફળ રહ્યો છે. બશરના પતનની સાથે રશિયાએ સીરિયામાંથી ઉચાળા ભરી લીધાં છે. આમ મિડલ ઇસ્ટમાં રશિયા પાસે હવે ફક્ત ઇરાન જ એક વિશ્વાસુ સાથી રહ્યો છે. બીજીતરફ ઇઝરાયેલ અને તૂર્કી સીરિયાની આસપાસ પોતાની સ્થિતિ મજબૂત કરવામાં લાગી ગયાં છે. ઇઝરાયેલે ગોલન હાઇટ્સમાં વધુ વિસ્તાર કબજે કરીને પોતાનું પ્રભુત્વ સ્થાપી દીધું છે તો તૂર્કી સત્તામાં આવેલા બળવાખોર જૂથોને સમર્થન આપીને પોતાની સ્થિતિ મજબૂત કરી ચૂક્યો છે. આવી સ્થિતિમાં અમેરિકા અને અન્ય પશ્ચિમના દેશોએ હજુ તેમના પત્તા પૂરેપૂરા ખોલ્યાં નથી પરંતુ પરદા પાછળ તેમની કૂટનીતિ આગળ વધી રહી હશે તેમાં કોઇ શંકા નથી. આગામી સમયમાં મિડલ ઇસ્ટમાં મહત્વના ફેરફારો જોવા મળી શકે છે.
