હું જ્યારે યુકેમાં આવ્યો ત્યારે ડો. જીવરાજ મહેતા ભારતીય હાઈ કમિશનર હતા. મને તેમને મળવાની એક તક સાંપડી હતી પરંતુ, તેમના પત્ની ડો. હંસાબહેન મહેતાને મળવાનું સૌભાગ્ય પણ મને મળ્યું હતું. તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના વાઈસ ચાન્સેલર હતાં તેમજ ગાયકવાડ અને બિકાનેર રાજ્યોના દીવાન તરીકે સેવા આપનારા શ્રી મનુભાઈ મહેતાના પુત્રી હતાં. મનુભાઈ મહેતાએ ભારતીય રજવાડાંઓના એકીકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, ખાસ કરીને એવા સમયે જ્યારે ભોપાલના નવાબ, સૌરાષ્ટ્રના કેટલાક મહારાજા અને બરોડાના મહારાજા પાકિસ્તાન સાથે જોડાવાનું વિચારી રહ્યા હતા. આ મહારાજાઓએ મનુભાઈ મહેતાની સલાહ માનીને પોતાની યોજનાઓ વિશે ફેરવિચારણા કરી અને તેના વિરુદ્ધ નિર્ણય લીધો હતો.
ડો. હંસાબહેન મહેતાએ બરોડા કોલેજમાંથી ફીલોસોફી વિષયમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું અને પાછળથી ઈંગ્લેન્ડમાં જર્નાલિઝમ અને સોશિયોલોજીનો અભ્યાસ કર્યો હતો. ઈંગ્લેન્ડથી પરત ફર્યાં પછી તેઓ ‘ભગિની સમાજ’ના પ્રમુખ બન્યાં હતાં અને સાયમન કમિશન વિરુદ્ધ અભિયાન સાથે સક્રિયપણે સંકળાયેલાં હતાં અને તેમની આ સક્રિયતાના પરિણામે તેમને બે વખત જેલની સજા પણ થઈ હતી. તેમણે પાછળથી બંધારણસભાના સભ્ય, ઓલ ઈન્ડિયા વિમેન્સ કોન્ફરન્સના પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી હતી તેમજ જોઈન્ટ હ્યુમન રાઈટ્સ કમિશન અને યુનેસ્કો (UNESCO) કિંગ કમિટીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હું સ્ટુડન્ટ્સ યુનિયનનો જનરલ સેક્રેટરી હતો ત્યારે તેમની, મારા વાઈસ ચાન્સેલર સાથે વાતચીત કરવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું.
ભારતીય હાઈ કમિશનરોમાં અપ્પાસાહેબ પંત અને એન જી ગોરેના ગાઢ સંપર્કમાં રહ્યો હતો. અપ્પાસાહેબ મહારાષ્ટ્રના ઔંધ નામે નાના રાજ્યના પાટવી હતા. તેમના પિતાએ ગાધીજીના ટ્રસ્ટીશિપ સિદ્ધાંતને અનુસારી 1924માં તેમનું રાજ્ય ‘પ્રજા મંડળ’ને સુપરત કરી દીધું હતું. ભારત દ્વારા જોમો કેન્યાટાના કેન્યા આફ્રિકન નેશનલ યુનિયનને સમર્થન આપવા સાથે આફ્રિકન આઝાદીને ટેકો આપવાના સમયગાળામાં 1951માં અપ્પા સાહેબ પંતની કેન્યામાં ભારતીય હાઈ કમિશનરના હોદ્દા પર નિયુક્તિ કરવામાં આવી હતી. તે સમયે કેન્યા આફ્રિકન નેશનલ યુનિયન ફંડ્સ, ગિફ્ટ્સ અને પબ્લિસિટી બજેટ પર આધાર રાખતું હતું. માઉ માઉ આંદોલનના ઉથલપાથલના દિવસોમાં હજારો આફ્રિકન્સ અને કેટલાક વસાહતીઓના મોત થયા હતા ત્યારે ડન્કન સેન્ડીઝ હેઠળની બ્રિટિશ સરકાર અપ્પા સાહેબને નાઈરોબી, કેન્યામાંથી હાઈ કમિશનરના પદ પરથી પાછા બોલાવવા માટે જવાહરલાલ નેહરૂ પર દબાણ લાવવામાં સફળ રહી હતી. એક બાબત નોંધવી જરૂરી છે કે તે સમયગાળાનું ભારત 1971 અથવા 1972ના સમયનું ભારત ન હતું પરંતુ, કંઈક અલગ જ દેશ હતો.
ભારત પાસે અપ્પા સાહેબને પરત બોલાવવા સિવાયનો કોઈ વિકલ્પ ન હતો પરંતુ, 1971ના યુદ્ધ પછી ત્રીમતી ઈન્દિરા ગાંધીએ હાથી જેવી યાદશક્તિ અને મક્કમતા સાથે સ્પષ્ટ કરી દીધું કે ભારત પોતાના વલણમાં સ્થિર રહેશે. આના પગલે, અપ્પા સાહેબને લંડનમાં ભારતીય હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. શરૂઆતમાં બ્રિટિશ સરકારે થોડી અનિચ્છા દર્શાવી પરંતુ, ઈન્દિરા ગાંધીએ આગ્રહ રાખ્યો કે અન્ય કોઈ યોગ્ય ઉમેદવાર નથી. આ પછી, અપ્પા સાહેબ પંતની નિયુક્તિ થઈ અને તેમમે લંડનમાં સફળતાપૂર્વક કામગીરી બજાવી હતી. તેમણે મે 5, 1972ના દિવસે ગુજરાત સમાચાર ન્યુઝવિક્લીને લોન્ચ કર્યું હતું. તેઓ વિલક્ષણ આધ્યાત્મિક વ્યક્તિત્વ હતા અને દલાઈ લામા સાથે ગાઢપણે સંકળાયેલા હતા.
નાના સાહેબ ગોરેની વાત કરીએ તો, હું 1955માં એમએસ યુનિવર્સિટીમાં અને ખાસ કરીને ગોવા આઝાદી ચળવળમાં સ્ટુડન્ટ એક્ટિવિસ્ટ હતો ત્યારે તેઓ મારા માટે નોંધપાત્ર પ્રેરણામૂર્તિ હતા. એન જી ગોરે અને અન્યોએ ગોવા સુધી કૂચ કરી હતી જેની મારા પર કાયમી છાપ સર્જાઈ હતી. નાના સહેબના જમાઈ મારા NCCના દિવસોથી મિત્ર હતા જેના કારણે પણ તેમની સાથે વધુ સંપર્ક રહ્યો હતો. નાના સાહેબ મહાન ગૌરવશાળી વ્યક્તિ હતા. જનતા દળમાં આંતરિક વલિખવાદના કારણે મોરારજીભાઈ દેસાઈની હકાલપટ્ટી કરવામાં આવી ત્યારે એન જી ગોરેએ તત્કાળ રાજીનામું આપી દીધું હતું. તે દિવસોમાં હું જ્યારે પણ મુંબઈની મુલાકાતે જતો ત્યારે પૂણે જઈને એન જી ગોરે અને અપ્પા સાહેબ પંતને મળવા અવશ્ય જતો હતો.
અન્ય ભારતીય હાઈ કમિશનર જેમની સાથે મારો ગાઢ નાતો રહ્યો તે કુલદીપ નાયર હતા જેમની ‘બિટવિન ધ લાઈન્સ’ કોલમ એશિયન વોઈસના પુરોગામી સાપ્તાહિક ન્યૂ લાઈફમાં વર્ષો સુધી પ્રસિદ્ધ થતી રહી હતી. નાયરસાહેબ અને તેમના પત્ની ભારતીબહેન સાથે મારો ગાઢ સંબંધ હતો, જેમના પિતા મહાત્મા ગાંધીના સમયગાળામાં કોંગ્રેસના મહત્ત્વપૂર્ણ નેતા હતા અને આઝાદીના પ્રંભિક વર્ષોમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી.
મારો સૌથી મહત્ત્વપૂર્ણ નાતો ડો. લક્ષ્મીમલ સિંઘવી સાથે રહ્યો હતો જેઓ 1990માં લંડન આવ્યા હતા. તેમના હોદ્દા પરના પ્રથમ સપ્તાહમાં જ તેમણે ભારતીય પત્રકારો માટે પ્રેસ મીટિંગનું આયોજન કર્યું હતું. તેમની સુક્ષ્મદૃષ્ટિની મારા પર ગાઢ અસર પડી હતી અને ટુંક સમયમાં જ સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાયટી માટે એક ઈવેન્ટનું આયોજન થયું હતું. આ પ્રસંગે સંબોધન કરવા મેં ડો. સિંઘવીને વિનંતી કરી અને તેમણે શાલીનતાપૂર્વક તે સ્વીકારી લીધી હતી. તેઓ તત્કાળ સહમત થયા અને સાઉથ લંડનમાં 400 વ્યક્તિની મીટિંગને તેમણે સંબોધી હતી. તેઓ શાન્તુભાઈ રૂપારેલ, આઈ કે પટેલ, બી કે જોશી, તેમના પુત્ર જશવંત (તેમનો પૌત્ર શ્રવણ હાલમાં સિટી ઓફ લંડનની પ્લાનિંગ કમિટીનો વડો છે), લોર્ડ ગુલામ નૂન, પ્રાણલાલ શેઠ, કાન્તિ નાગડા, પ્રવીણ અમીન અને અન્યો સહિત આપણી ભારતીય કોમ્યુનિટીઓના ઘણા અગ્રણીઓને પણ મળ્યા હતા.
ડો. સિંઘવીએ લંડનમાં સાત વર્ષ સુધી હાઈ કમિશનર તરીકે સેવા આપી હતી. લંડનમાં તેમનો સમય ભારે અસરકારક રહ્યો. તેઓ કોમ્યુનિટી સંસ્થાઓ-સંગઠનો, બ્રિટિશ બૌદ્ધિકો અને જ્યુડિશિયરી સાથે સંપર્કોના નિર્માણમાં ઉત્કૃષ્ટ રહ્યા હતા અને તેમણે સમગ્ર યુકેમાં સઘન પ્રવાસ કર્યો હતો. પ્રેસ્ટન, બર્મિંગહામ, લેસ્ટર, બ્રાઈટન, લંડન અને યુકેના વિવિધ વિસ્તારોમાં તેમની મુલાકાતો ગોઠવવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. તેઓ સાચા અર્થમાં સેતુનિર્માતા હતા. 1990ના દાયકાના ઉત્તરાર્ધમાં હાઈ કમિશનર સિંઘવી અને મિનિસ્ટર ફોર કો-ઓર્ડિનેશન અજિત ડોભાલની ટીમ અસાધારણ બની રહી હતી.
આપણા વર્તમાન નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત ડોભાલે ડો. સિંઘવી સાથે ગાઢ રીતે કામગીરી બજાવી છે. મને તે સમયગાળામાં 1994માં એક સહિત અનેક આયોજનનું સ્મરણ થાય છે જ્યારે ડો. સિંઘવીએ બ્રિટિશ લેબર પાર્ટીના તત્કાળ શેડો ફોરેન સેક્રેટરી રોબિન કૂકના નિવેદન સંદર્ભે ઉભી થયેલી ચિંતાને નિવારવા ભવ્ય બેન્ક્વેટનું આયોજન કરવાનું સૂચન કર્યું હતું. ગુજરાત સમાચાર અને ન્યૂ લાઈફ (વર્તમાન એશિયન વોઈસ) દ્વારા ઈન્ડિયન કાઉન્સિલર્સ ઓર્ગેનાઈઝેશનના ઉપક્રમે ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચીફ ગેસ્ટ રોબિન કૂક હતા અને તેઓ ડો. સિંઘવી અને પ્રોફેસર લોર્ડ ભીખુ પારેખની વચ્ચે બેઠા હતા. તેમણે પોતાના સંબોધનમાં ભારતના લોકશાહી અભિગમ સંદર્ભે સુધારાત્મક કોમેન્ટરી આપી હતી, જેના વિશે પાછળથી વિવાદ પણ સર્જાયો હતો. આ ઈવેન્ટ થકી ડો. સિંઘવીના રાજદ્વારી કૌશલ્ય અને વાટાઘાટોની ક્ષમતાઓ પ્રદર્શિત થઈ હતી. યુએસમાં એક સપ્તાહ સુધી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં તેમની સાથે રહેવાની પણ તક મને સાંપડી હતી. અહીં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે તેમની સમર્પિતતા તેમજ જૈન અને હિન્દુ ઓળખના અનોખા સમન્વયનો હું સાક્ષી બની રહ્યો હતો.
આપણે વિલિયમ ડેલીરીમ્પલ અને માર્ક ટુલીના લખાણોને પણ લક્ષમાં લેવા જોઈએ જેમાં દર્શાવાયું છે કે બ્રિટિશરોએ કેવી રીતે શાસન અને શોષણ કર્યું તેમજ ભારત સાથે દુર્વ્યહવાર કર્યો હતો. તેમના લખાણો સંસ્થાનવાદી શાસનની જટિલતાઓ અને પરિણામો સંદર્ભે મૂલ્યવાન અને સૂક્ષ્મ નિરીક્ષણ પૂરાં પાડે છે.
ઈન્ડિયા હાઉસ અને તેના ચાવીરૂપ વ્યક્તિત્વોની વિરાસત પરના વિચારથી આપણને ઈન્ડો-બ્રિટિશ સંબંધોના સમૃદ્ધ ઈતિહાસની કદર કરવામાં મદદ મળે છે. તેમના પ્રયાસો રાજનયિક કામગીરીથી પણ આગળ વધીને દેશો અને કોમ્યુનિટીઓ વચ્ચે ટકાઉ સંપર્કોના સર્જન અને સહિયારા વારસાની આપણી સમજને ગાઢ બનાવતા રહ્યા છે. આપણે તેમના યોગદાનની ઊજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણે તેમની કામગીરી અને બે દેશો વચ્ચે જે સેતુઓનું નિર્માણ કર્યું તેની ચિરસ્થાયી અસરનું સન્માન કરીએ છીએ.

