રવિવાર ૧૬ જુન’૨૪ની સમી સાંજે ચિન્મય મિશન, હેન્ડન, લંડન ખાતેના નૂતન સેન્ટરમાં ભક્તિ સંગીતના જાણીતા સંગીતકાર વિદૂષી સુનંદા શર્માના ક્લાસીકલ વોકલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાસ્ત્રીય કંઠ્ય સંગીત પ્રેમીઓમાં શ્રી વિરમ જસાણી, મીરાજી, નીલમબહેન વડેરા, ભદ્રાબહેન વડગામા, કોકિબહેન વસાણી, દેવી પારેખ, પદ્માબહેન ભટ્ટ વગેરેની હાજરી ધ્યાનાકર્ષક રહી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી કિશોરભાઇ તન્નાએ કર્યું હતું.
સુનંદાજી મૂળ પંજાબી અને બનારસ ઘરાનાના જાણીતા સંગીતકાર છે. જેમના ગુરુ સ્વ.ગિરિજાદેવી છે. આમ તો સંગીતવારસો એમને ગુરૂસમ પિતા સંગીતકાર પં. સુદર્શન શર્મા તરફથી મળ્યો છે. “ફાધર્સ ડે’નિમિત્તે પિતાજીએ કમ્પોઝ કરેલ રચના રજૂ કરી ઋણસ્વીકાર કર્યો હતો. ક્લાસીકલ ખયાલ, ઠૂમરી અને ભજન પર એમનું પ્રભુત્વ છે.
તેઓએ કાર્યક્રમના આરંભે જ ભગવાનના ચરણોમાં પોતાનું સંગીત સમર્પિત કરતાં જણાવ્યું હતું કે, ‘સંગીતને ભક્તિ સાથે જોડવાનો મોકો મળ્યો એને મારું સૌભાગ્ય ગણું છું.’
તબલા સંગત હનીફ ખાને કરી હતી અને સારંગી સંગત સત્વિન્દર પાલ સિંગે, હાર્મોનિયમ પર ઋષિકેશ અને એમના શિષ્યા ડો. ગીતાંજલિ ચંદાએ સાથ આપી ભક્તિ સંગીતમાં સૌને લીન કરવામાં સહાયભૂત બન્યાં હતાં.
‘કૈસે બજાયી સખી શ્યામ મુરલીયા, સુનત પ્રાણ હર લીનો આજ મોરી’રાગ બાગેશ્રીના ભજનથી પ્રારંભ કરી રાગ ભૈરવીથી સમાપન કરી શ્રોતાજનોને જકડી રાખ્યાં હતાં.
કાર્યક્રમનો શુભારંભ અને સમાપન વક્તવ્યમાં કિશોરભાઇએ ચિન્મય મિશનની વિવિધ પ્રવૃત્તિઓની માહિતિ અને આગામી કાર્યક્રમો વિષે જણાવતાં ક્હયું હતું કે, સ્વામિ ચિન્મયાનંદ દ્વારા પ્રેરિત આ સંસ્થા ‘વસુધૈવ કુટુમ્બકમ્ ‘ની વૈદિક પરંપરાનું જ્ઞાન મેળવવા ઇચ્છનાર કોઇપણ પશ્ચાદ્ ભૂ ધરાવતા હોય, નાના-મોટા સૌ માટે આધ્યાત્મિક વર્ગો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપે છે. આધ્યાત્મિક વિકાસ અને ખુશી મેળવવા પ્રાયોગિક શિક્ષણ દ્વારા સમાજમાં હકારાત્મક અનુદાન આપવા સજ્જ કરે છે. ભાગવદ્ ગીતા, ઉપનિષદનો અભ્યાસ તેમજ સંગીત અને સંસ્કૃત શીખવાડાય છે. ઓન લાઇન વર્ગો પણ ચાલે છે.
આ કાર્યક્રમના સ્પોન્સર્સ માધવીબહેન વડેરા, આશીષ નરૂલ્લા, સંજીવ લુમ્બા અને કિશોર તન્નાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ઝીયા રાવજીએ પ્રસાદીથી સૌનું મોં મીઠું કરાવ્યું હતું.
સુનંદાજી માધવીબહેનના સંગીત ગુરુ છે, ગુરુ શિષ્ય પરંપરાનું ઉદાત્ત ઉદાહરણ છે માધવીબહેન વડેરા. માધવીબહેનને સંગીતનો વારસો એમના માતુશ્રી તરફથી મળ્યો છે.
વિશ્વમાં વ્યાપ્ત બીઝનેસ, ચેરિટી કાર્ય અને કૌટુંબિક જવાબદારીઓ સંભાળવામાં સતત વ્યસ્ત રહેવા છતાં માધવીબહેન સમાજના ઘડતરમાં અનન્ય ફાળો આપે છે એ સાચે જ વંદનીય અને પ્રેરણાદાયી છે. આપબડાઇ કે આડંબરથી અળગા રહી, નમ્ર-સાલસ વ્યક્તિત્વ ધરાવતાં, મળતાવડો સ્વભાવવાળા માધવીબહેનની આ છે સાચી શ્રીમંતાઇ! વધુ વિગત માટે જૂઓ વેબસાઇટઃ www.chinmayaacademy.org

