તન-મનના આરોગ્યને યોગાભ્યાસ દ્વારા પ્રોત્સાહન આપતાં કમુબહેન પલાણ

બાદલ લખલાણી Wednesday 19th June 2024 07:22 EDT
 
 

ગુજરાત સમાચાર હંમેશાં વાંચકો અને શ્રોતાઓ માટે રસના વિવિધ વિષયોને લઈને ‘સોનેરી સંગત’ કાર્યક્રમનું આયોજન કરે છે. 13 જૂને ગુરુવારે સોનેરી સંગતમાં તન અને મનના આરોગ્યને મદદરૂપ યોગાભ્યાસ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી, જેમાં ગોલ્ડન ટૂર્સનાં ડાયરેક્ટર, પલાણ ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી યોગા શિક્ષક કમુબહેન પલાણ દ્વારા માહિતીપ્રદ ચર્ચા કરવામાં આવી.
કાર્યક્રમનું સંચાલન કરતાં ગુજરાત સમાચારના એડિટર-ઇન-ચીફ સી.બી. પટેલે જણાવ્યું કે, યોગને કોઈ ધર્મનું બંધન નથી. દુનિયાના આશરે 182 દેશમાં 21 જૂને સુંદર રીતે યોગદિવસની ઉજવણી થશે, લંડનમાં પણ આ પ્રકારે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તો અવશ્ય થશે, પરંતુ ઘરમાં જ રહીને આપણને સૌને કમુબહેન પલાણ યોગાભ્યાસનું મહત્ત્વ જણાવશે.
સી.બી. પટેલે જણાવ્યું કે, જિમ્નેશિયમમાં જવાની જરૂર ઓછી છે. ઘરઆંગણે પણ તમે તન અને મનનું આરોગ્ય સાચવી શકો, જેમાં યોગનો માર્ગ સર્વશ્રેષ્ઠ છે. કમુબહેન સમાજની એક સોગાદ છે. કમુબહેન તમે અમને જણાવો કે કેવી રીતે તંદુરસ્ત જીવન જીવી શકાય?
કમુબહેને સી.બી. પટેલનો આભાર માનતાં જણાવ્યું કે, યોગા એટલે વિવિધ જાતનાં આસનો જ નથી. ઉંમર વધતાં તમામ આસન શક્ય પણ નથી. યોગા એટલે માત્ર આસન જ નથી, તે વિવિધ મુદ્રા, પ્રેશર પોઇન્ટ્સ અને શ્વાસોશ્વાસને નિયંત્રિત કરવાની પ્રક્રિયા પણ છે.
ઘણા લોકોને અનેક શારીરિક તકલીફો છે. ઘણા બધા લોકોને પીઠનો દુખાવો, શ્વાસ લેવામાં પડતી તકલીફ, ફેફસાંની તકલીફ, લીવર પ્રોબ્લેમ્સ છે, જો કે એનો અર્થ એવો નથી કે તમે યોગા નથી કરી શકતા. તમે બેસીને મુદ્રા અને પ્રેશર પોઇન્ટ દ્વારા શ્વાસોશ્વાસ સહિતના અનેક યોગા કરી શકો છો. એવું નથી કે જમ્યા બાદ યોગા ન થાય, કે આટલા કલાકો બાદ જ કરવા. જો આમ જ વિચારીશું તો આજીવન આપણે યોગા કરી શકીશું જ નહીં.
આપણે આ અંગે સરળ મુદ્રા અને પ્રેશર પોઇન્ટની સાથે થોડા પ્રાણાયામ અંગે જાણીશું. આપણે ઓમકાર કરીએ તો તેના ત્રણ શબ્દ છે, ‘અ, ઉ અને મ.’ આપણને તમામને ખબર છે કે ઓમકાર કેવી રીતે બોલવાનો, પરંતુ તેની એક ખાસ ટેકનિક છે. તમે ઓમકાર કરો તો ધ્યાન રાખો કે ‘અ અને ઉ’ 40 – 40 ટકા અને ‘મ’ માત્ર 20 ટકા જ હોવો જોઈએ. આપણે સામાન્ય રીતે ‘મ’ને એકદમ લંબાવીએ છીએ, જેથી શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે. ઓમ એકમાત્ર એવો શબ્દ છે, જે તમારા શરીરના એક-એક કોષમાં પ્રવેશી તેને વાઇબ્રેટ અને સર્ક્યુલેટ કરે છે.
આપણે કોઈપણ મંત્ર બોલીએ તે ચોક્કસપણે આપણા શરીરને અસર કરે છે. આપણને ન આવડતા હોય અને સત્સંગમાં સાંભળ્યા ભલે હોય, પરંતુ તે તમને અસર ચોક્કસ કરે છે. ઓમના ઉચ્ચારથી એટલી બધી અસર થાય છે કે હું સામાન્ય બ્રિધિંગ કરું તો પણ મારી નાભીમાંથી ઓમકાર આવે છે.
યોગ અંગેની માહિતી આપતાં કમુબહેને તમામને પોતાની તર્જની અને અંગૂઠાને સાથે રાખી આરામદાયક મુદ્રામાં બેસી ઓમકાર કરવા જણાવ્યું અને પોતે પણ તેનો અનુભવ લીધો. આ સાથે કમુબહેને જણાવ્યું કે, મારા અંગત અનુભવથી કહું છું કે, ઓમ શબ્દમાત્રથી તમારા શરીરના તમામ કોષો જાગ્રત બની જશે, જે અન્ય મંત્ર કરતાં વધારે અસરકર્તા છે. આ મંત્રને વારંવાર કરતા રહેવાથી તમને તેની અસર ચોક્કસ અનુભવાશે.
માનવ શરીરમાં મૂળભૂત રીતે ત્રણ નાડી ઇડા, પિંગળા અને સુષુમ્ન હોય છે. શરીરમાં રહેલી 72 હજાર નાડીનું ઉત્થાન આ ત્રણ નાડીમાં જ થાય છે. આ ત્રણેય નાડી નાભિ દ્વારા જોડાયેલી છે, જે તમામનું વિશેષ મહત્ત્વ છે.
ઇડા તે ચંદ્રનાડી છે, જ્યારે પિંગળા એ સૂર્યનાડી છે. આ બંને નાડી શરીરના તાપમાનને યથાવત્ રાખવામાં મદદરૂપ છે. તો આ બંને નાડીની મધ્યમાં સુષુમ્ન નાડી શરીરના સાતેય ચક્ર મૂલાધાર, સ્વાધિસ્થાન, મણિપુરા, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્ત્રારને કંટ્રોલ કરે છે.
જો તમને શ્રવણશક્તિમાં તકલીફ થાય છે અને આ તકલીફ દૂર કરવી હોય તો હાથમાં અને કાનમાં વીંટી કે ઇયરિંગ્સ ન પહેરવાં. ઊંડો શ્વાસ લઈ કાનને હથેળીથી ચુસ્તપણે દબાવી દો અને આ દરમિયાન 10 સેકન્ડ સુધી શ્વાસને રોકી રાખો. જો 10 સેકન્ડ કાન બંધ ન રાખી શકો તો તમારી અનુકૂળતા મુજબ બંધ રાખો, જેને સમયાંતરે એક-એક સેકન્ડ વધારો. આમ કરતાં તમે અઠવાડિયામાં જ સાંભળવાની શક્તિ ફરીથી જાગ્રત કરી શકશો. મને મારા અસંખ્ય વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે, કમુદિની સર્વશ્રેષ્ઠ છે. આજના સમયમાં દરેક વ્યક્તિ બ્લડ પ્રેશરથી પીડિત છે, જેના માટે ડોક્ટર્સ જાત-જાતની અનેક ટેબ્લેટ્સ આપી દે છે. જો કે તેની કંઈ જ જરૂર નથી. આ માટે તમારે તમારી આંગળીથી નાકના ટેરવાની નીચે રોજ ત્રણ વખત 4 મિનિટ માટે દબાવવું. આમ કરવાથી તમારું હાઇ બ્લડ પ્રેશર કે લો બ્લડ પ્રેશર નોર્મલ થઈ જશે. અઠવાડિયા સુધી આ પ્રયોગ કરો અને બાદમાં ડોક્ટરને રિપોર્ટ લઈને બતાવશો તો દવા પણ બંધ કરી દેશે.
ઉંમર વધતાં અને સ્ટ્રેસમાં વધારો થવાની સાથે લોકોની યાદશક્તિમાં ઘટાડો થઈ રહ્યો છે. આ તકલીફને નાથવા માટે તમારા બંને હાથની આંગળીઓ એકબીજા સાથે હળવા દબાણ સાથે ભેળવો. આમ સતત કરતા રહેવાથી અલ્ઝાઇમર અને ડિમેન્શિયા તમારાથી દૂર રહેશે. આ મુદ્રાને હકિની મુદ્રા કહેવામાં આવે છે.
સ્પષ્ટ વિચારો પણ આજના સમયમાં મોટી સમસ્યા છે. તમે કોઈ એક વિષય અંગે ચર્ચા કરતા હો અને વચ્ચે કોઈ અન્ય વિષયની જ ચર્ચા શરૂ થઈ જતી હોય છે. આ સમસ્યા માટે આજ્ઞા ચક્ર મદદરૂપ થઈ શકે છે. જેમાં બંને આંખની વચ્ચે અંગૂઠાથી દબાવી ઉપર હેરલાઇન સુધી લઈ જઈ પાછો અંગૂઠો નીચે લઈ આવો. આવું વારંવાર કરવાથી તમારા વિચારો, તમારા શબ્દો અને બોલવાની શૈલી ઘણી સુધરી જશે.
ઘણા લોકોને રાત્રે પેશાબ કરવા માટે દર બે કલાકે ઊભું થવું પડે છે અને પછી ઊંઘ નથી આવતી. આ તબક્કામાં તમારે દવા લેવાની જરૂર નથી. માત્ર રોજ રાત્રે એક મુદ્રા કરવાની જરૂર છે. તમારા બંને હાથની કનીષ્ઠિકા એટલે કે ટચલી આંગળીને એકબીજા સાથે ઇન્ટરલોક કરો અને તેનાથી અનામિકા એટલે કે રિંગ ફિંગરને અડવાનો પ્રયાસ કરો. રિંગ ફિંગર તમારા હૃદય સાથે જોડાયેલી છે. આમ કરવાથી તમે તમારા શરીરને લગતી તમામ ક્રિયાઓને કંટ્રોલ કરી શકો છો.
તમારા જીવનમાં કોઈ દુઃખ નથી, કોઈ ચિંતા નથી છતાં જો રાત્રે સૂઈ શકતા ન હો તો સહસ્રાર ચક્ર મદદરૂપ થઈ શકે છે. તમારા માથાના મધ્યમાં થોડા જોર સાથે એક હાથે થપથપાવો, એક હાથથી થાકી જાઓ તો બીજા હાથે કરો. માત્ર પાંચ મિનિટ કરો અને જુઓ શું થાય છે? માત્ર 40થી 50 વાર આમ થપથપાવવાથી તમને તરત જ ઊંઘ આવી જશે.
હાલના સમયમાં અનેક લોકોને કિડનીને લગતી તકલીફ થઈ રહી છે. પેટમાં કિડની સ્ટોન ઘણું પીડાદાયક બની જાય છે. કિડનીને લગતી કોઈપણ સમસ્યામાં આ આસન ખૂબ મહત્ત્વનું અને પીડા હણનારું સાબિત થશે. એક સ્ટિક લઈને બંને હથેળીની મધ્યમાં સેટ કરી થોડી-થોડી પ્રેસ કરો. વિશ્વાસ કરો આનાથી કિડનીની સમસ્યાથી મુક્તિ મળી જશે, ત્યાં સુધી કે પહેલાં પકડાયેલો
કિડની સ્ટોન પણ આનાથી ઓગળી જશે અને ડોક્ટર આશ્ચર્યમાં પડી જશે.
હું ઇન્ડિયામાં હતી ત્યારે સાળંગપુરમાં મારો અકસ્માત થયો હતો. આ સમયે ડોક્ટરે મને ત્રણથી ચાર પ્લેટ નાખવાનું સૂચન કર્યું હતું. જો કે મેં તેમને ઇનકાર કર્યો હતો અને જાતે જ સાજી થઈ જઈશ તેમ કહ્યું હતું. આ સમયે મને ડોક્ટરે 2 વર્ષ સુધી યોગા ન કરવાની સલાહ આપી હતી. હું આ તકલીફ સાથે લંડન આવી ત્યારે સ્થાનિક ડોક્ટર દ્વારા પણ આ જ સલાહ આપવામાં આવી હતી. વિશ્વાસ કરો મિત્રો મેં તેમની પાસે સારવાર ન કરાવી, પરંતુ હું જાતે જ 6 અઠવાડિયામાં સ્વસ્થ બની ગઈ. આ સમય દરમિયાન મેં યોગા, આસન અને મુદ્રાઓ કર્યાં. સાજા થઈ ગયા બાદ જ્યારે ચેકઅપ માટે ગઈ ત્યારે ડોક્ટર પણ વિચારમાં પડી ગયા કે કોઈ જાતની સારવાર વિના કેવી રીતે હું સાજી થઈ ગઈ! આજે આ વાતને 10 વર્ષ થઈ ગયાં, પરંતુ ડોક્ટરે કહ્યું હતું તેમ મને કોઈ દુખાવો નથી રહી ગયો, હું એકદમ સ્વસ્થ બની ગઈ છું.
હાલતા-ચાલતા લીવરને લગતી તકલીફ લોકોને થઈ રહી છે. તમારા શરીરમાં છાતીની નીચે જમણી તરફ લીવર હોય છે. લીવરને સ્વસ્થ કરવા રોજ પેટની મધ્યમાં એકથી બે મિનિટ સુધી પૂરતું પ્રેશર આપો, જેનાથી ફેટી લીવર, સોરાયસિસ લીવર જેવા તમામ ઇશ્યૂ તમારા ઠીક થઈ જશે.
પીઠને લગતા ઇશ્યૂ માટે, દુખાવા માટે એક મુદ્રા બતાવું છું, જેને ચાર મિનિટથી વધારે નથી કરવાની. હાથની સાઇડમાં હથેળીના નીચેના ભાગથી ટચલી આંગળી સુધી નીચેથી ઉપર તરફ જોર દઈને દબાવવાનું. આમ બંને હાથની સાઇડમાં રોજ ચાર મિનિટ કરવાથી તમારી પીઠને લગતી સમસ્યાઓ સંપૂર્ણ રીતે સાજી થઈ જશે.
ઘુંટણના દુખાવા માટે એક ખાસ આસન છે. તમારા ઘરની એક દીવાલ પર તમારી પીઠને સંપૂર્ણ ટેકવીને પગની આંગળીઓ પર શરીર ઊભું રાખવું, જરૂર પડે તો સપોર્ટ માટે પાસે ટેબલ કે ખુરશી રાખી શકો છો. આંગળીઓ પર શરીર ટેકવી હાથ ઉપર લઈ જઈ ભેગા કરવા, આ સમયે પગની એડી ઉપર હોવી જોઈએ. આમ કરવાથી વેરિકોસ વેઇન્સ, રાત્રે પગમાં આવતા ક્રેમ્પ્સની સમસ્યા નિવારી શકશો. તમારી પગની નસોનું સર્ક્યુલેશન સરળ થઈ જશે.
જમ્યા બાદ વજ્રાસન ન થતું હોય તેવી સ્થિતિમાં દીવાલ પર હાથ મૂકીને તમારા શરીરને ઉપર-નીચે હલાવો (શેક કરો), જેનાથી તમારા શરીરમાં ટોક્સિન્સ નહીં વધે. શરીરમાં વધારે ટોક્સિન્સના કારણે અનેક ડિસીઝ થઈ શકે છે. આમ ટોક્સિન ઓછા કરવા માટે તમારી જાતને શેક કરો. આંગળીઓ પર ઊભા થઈને, એડીને નીચે રાખીને નહીં. આમ કરવાથી અલ્સર અને ગેસની તકલીફ પણ નહીં થાય. વેરિકોસ વેઇન્સ પણ ઠીક થઈ જશે અને ક્રેમ્પ્સ પણ નહીં આવે.
વાતાવરણ સતત બદલાતાં વારંવાર નાક બંધ થઈ જાય છે. આ સ્થિતિમાં પણ તમે હકિની મુદ્રામાં આવી જાઓ, પણ આના માટે થોડું જોર લગાવવું. આનાથી થોડી જ મિનિટમાં તમારું નાક ખૂલી જશે.
તમારી આ સમસ્યાઓ માટે યોગ તમારે સતત કરવા જોઈએ, કમસેકમ અઠવાડિયામાં ચાર દિવસ. ઘણા લોકો પગમાં દુખાવા સહિતની તકલીફ દર્શાવે છે. આ સ્થિતિમાં તમે બેઠાંબેઠાં પણ યોગ કરી શકો છો. જો ઊભું ન રહેવાતું હોય તો ખુરશી પર બેઠાંબેઠાં પગ હલાવો (શેક કરો). આમ કરવાથી ઘણા લોકો ચીડાઈ જતા હોય છે, પરંતુ તે પણ પગના બ્લડ સર્ક્યુલેશન માટે એક એક્સરસાઇઝ છે. જો તમારા પગ ચાલતા રહેશે તો જીવન ખૂબ સુંદર લાગશે. આનાથી તમારા પગની ઘણી તકલીફો દૂર થઈ જશે.
શાંતિમંત્ર સાથે આપણે આ ચર્ચાને પૂર્ણ કરીશું અને તેની સાથે આપણે હકુલા મુદ્રા પણ કરીશું. આસન જમાવીને તમે હાથની તમામ આંગળીઓ ભેગી કરી હથેળીને સ્પર્શ કરો. આ પાંચેય આંગળીઓમાં પાંચ તત્ત્વો અગ્નિ, હવા, આકાશ, પૃથ્વી અને પાણી છે. આ પાંચેય આંગળીઓ જ તમારા માટે પેઇનકિલર છે. તમારા શરીરના કોઈપણ અંગ માટે આ પાંચ આગળીઓમાં જ ઇલાજ છુપાયેલો છે. આ પાંચ તત્ત્વો જ આપણા શરીરને બેલેન્સ કરે છે અને તેના માટે છે હકુલા મુદ્રા. આ મુદ્રા સાથે શ્વાસ અંદર ખેંચી ધીમેથી છોડો. આ સાથે શાંતિમંત્ર કરીએ ‘ઓમ શાંતિ-શાંતિ-શાંતિ.’
કમુબહેને સ્વાસ્થ્યને ઉપયોગી અને માનસિક શાંતિ માટેના યોગ અને મુદ્રા શીખવાડ્યા બાદ સી.બી. પટેલે કહ્યું કે, કમુબહેન તમે અમને લાંબું જીવવું, સારું જીવવું, સુખી જીવવું અને શરીરમાં જાત-જાતની દવાઓ નાખવાથી કેવી રીતે બચી શકાય તે માટે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું. હું તમારો આભારી છું.
આભારવિધિ કર્યા બાદ સી.બી. પટેલે બ્યૂરો ચીફ નિલેશ પરમારને બાગડોર સોંપી હતી, જેમણે દેશ-વિદેશના સમાચારોથી સૌકોઈને અવગત કર્યા હતા. સમાચારનું મંથન કર્યા બાદ આભારવિધિ કરતાં નિલેશભાઈએ કહ્યું કે, આ અમૂલ્ય માર્ગદર્શન બદલ કમુબહેનનો ખૂબખૂબ આભાર. આપણે સૌ યોગ વિશે ઘણું વાંચીએ છીએ, અને મોટાભાગ લોકો એવા જ ભ્રમમાં જીવતા હોય છે કે યોગ આપણા માટે શક્ય નથી, પરંતુ કમુબહેને સરળ શબ્દોમાં સરળ મુદ્રાઓ સમજાવી છે. આપણે જો આટલું કરીશું તો આપણા સૌનું જીવન સરસ અને સદાબહાર સ્વસ્થ રહેશે.


comments powered by Disqus