આધ્યાત્મિકતા અને સાર્વત્રિક બંધુત્વના અમિટ જ્ઞાન સાથે વૈશ્વિક આધ્યાત્મિક મહોત્સવનું સમાપન

Wednesday 20th March 2024 06:46 EDT
 
 

હૈદરાબાદઃ વિવિધ સંસ્થાઓના ઉચ્ચ કક્ષાના આધ્યાત્મિક વડાઓની ઉપસ્થિતિ સાથે ગ્લોબલ સ્પિરિચ્યુઆલિટી મહોત્સવનું સમાપન થયું હતું. આ સત્રમાં પૂજ્ય દાજીને કોમનવેલ્થ સેક્રેટરિએટ દ્વારા ‘ગ્લોબલ ઓમ્બેસેડર ઓફ પીસબિલ્ડિંગ એન્ડ ફેઈથ ઈન ધ કોમનવેલ્થ’નું સન્માન અપાયું હતું. શ્રી બાવા જૈન જી (વર્લ્ડ કાઉન્સિલ ઓફ રીલિજિઅસ લીડર્સના સેક્રેટરી જનરલ), ડો. રોલિન મેક્ક્રાટી (સાયન્ટિસ્ટ, સાયકોફીઝિયોલોજિસ્ટ, હાર્ટમેથ ઈન્સ્ટિટ્યૂટમાં એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને રિસર્ચ ડાયરેક્ટર), ડો. જોસેફ હોવેલ (ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોન્સિયસ બીઈંગના સ્થાપક) તેમજ અન્ય અગ્રણી સંસ્થાઓના ગુરુઓ દ્વારા જ્ઞાનદર્શક પ્રવચનો કરાયા હતા.
વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્રમાં ચાર દિવસના સમિટમાં તમામ ધર્મો અને પંથ-સંપ્રદાયોના આધ્યાત્મિક નેતાઓએ હાજરી આપી હતી. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર અનુક્રમે 15 અને 16 માર્ચે સમિટમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ’ઈનર પીસ ટુ વર્લ્ડ પીસ (આંતરિક શાંતિથી વિશ્વ શાંતિ) વિષય પરના સમિટનું આયોજન ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય અને હાર્ટફૂલનેસ દ્વારા કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં ઈન્ટરફેઈથ સંવાદ અને જીવનના તમામ ક્ષેત્રના અને તમામ વયના લોકોને રોજિંદા જીવનમાં આધ્યાત્મિકતા સાથે સંપર્ક સાધવામાં મદદ પર ભાર મૂકાયો હતો.
પૂજ્ય દાજીને ‘ગ્લોબલ ઓમ્બેસેડર ઓફ પીસબિલ્ડિંગ એન્ડ ફેઈથ ઈન ધ કોમનવેલ્થ’ ટાઈટલથી સન્માનિત કરતાં કોમનવેલ્થ સેક્રેટરી -જનરલ પેટ્રિસિયા સ્કોટલેન્ડે હરિયાળા પ્રોજેક્ટ્સથી કાન્હા શાંતિ વનમાં અને વિશ્વમાં બિલિયન્સ લોકોના જીવનમાં પરિવર્તન લાવવા બદલ પૂજ્ય દાજીની પ્રશંસા કરી હતી.
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે,‘ગ્લોબલ સ્પિરિચ્યુઆલિટી મહોત્સવ માનવતાને આધ્યાત્મિકતા તરફ દોરી જશે. મહાવીર, રવિદાસ અને ગુરુ નાનક જેવા મહાન આધ્યાત્મિક ગુરુઓએ ભારતને વિશ્વના આધ્યાત્મિક કેન્દ્ર તરીકે અનોખી ઓળખ આપી છે. ભારત અહિંસા અને કરુણાના આદર્શોની ભૂમિ છે. આપણા પ્રાચીન સંતોએ આ જ્ઞાન આપ્યું છે જેના થકી આપણા આધ્યાત્મિક ગુરુઓ આપણને માર્ગદર્શન આપતા રહે છે. આજે મહાન આધ્યાત્મિક ગુરુઓ અને લાખો લોકો અલગ અલગ માન્યતાની સિસ્ટમ્સને ધ્યાનમાં લીધા વિના સંવાદિતા લાવવા એકત્ર થયા છે. વિશ્વના 160 દેશોમાં હાર્ટફૂલનેસ આંદોલનના પ્રસાર માટે હું દાજીને અભિનંદન પાઠવું છું. આ ઘણો જ પવિત્ર ઉદ્દેશ છે.’
હાર્ટફૂલનેસના માર્ગદર્શક અને શ્રી રામ ચંદ્ર મિશનના પ્રેસિડેન્ટ પૂજ્ય દાજીએ સ્વીકૃતિ સંબોધનમાં જણાવ્યું હતું કે,‘મારું હૃદય અને મસ્તક આભારથી તમારી સમક્ષ નમી રહ્યું છે. આ એવોર્ડ અંગત નથી. તમારા બધા વિના આ સંસ્થાને માન્યતા મળી ન હોત. આ એવોર્ડ હાર્ટફૂલનેસનો છે. આ બધાની પાછળ માર્ગદર્શક પરિબળ ગુરુઓની ઉચ્ચતમ વ્યવસ્થા છે. અત્યાર સુધી આપણે એકલા ચાલી રહ્યા છીએ. આ ગ્લોબલ સ્પિરિચ્યુઆલિટી મહોત્સવ સાથે મહર્ષિઓ, મહારાજો અને બ્રહ્માકુમારીઓના વડપણ હેઠળ અનુભવાતીત ધ્યાન સહિત 300થી વધુ સંસ્થાઓના અભ્યાસીઓનો મહાસાગર એકત્ર થાય તો આપણે સાથે મળીને શું હાંસલ ના કરીએ? દરેક અરસપરસ પ્રેમ, આદર, વિશ્વાસ અને માન સાથે સંવાદ રચે તે પળના સાક્ષી બની રહેવાનું અદ્ભૂત બનશે. માનવતા પૃથ્વી પર સ્વર્ગ રચે તેના સાક્ષી બનવા દેવતાઓ અને દેવદૂતો આ ગ્રહ પર ઉતરી આવશે. આપણે આ ઈચ્છીએ તો ઘણું સરળ બની રહેશે. થોડા રસની જ જરૂર છે. સવારે અને સાંજે પાંચ મિનિટ માટે તમારી આંખો બંધ કરો, તમારી અંદર જ કેન્દ્રિત બનો, ઈશ્વરકૃપા માટે પ્રાર્થના કરો અને તે આપણી અંદર શું કરે છે તે નિહાળો. આપણે બધા હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે માતા પૃથ્વી ખરેખર પૃથ્વી પર સ્વર્ગ બની રહે. કોમનવેલ્થ સેક્રેટરિએટના સેક્રેટરી -જનરલ પેટ્રિસિયા સ્કોટલેન્ડનો આભાર વ્યક્ત કર્યા સિવાય હું સમાપન કરી શકું નહિ.
પૂજ્ય દાજીએ જણાવ્યું હતું કે ‘ભારતના માનનીય રાષ્ટ્રપતિ આજે આપણી સાથે છે તેનાથી ગૌરવ છે. આપણે એવા સમયમાં છીએ જ્યારે માનવીએ મક્કમપણે એકસંપ થવું જોઈએ. આ સમિટ આપણને જ્ઞાનમાર્ગ બતાવે છે કે આત્મજ્ઞાનના સમાન લક્ષ્ય માટે આપણે સાથે મળીને આગળ વધીએ.’
સમિટ દરમિયાન, વિવિધ પેનલચર્ચાઓ, આધ્યાત્મિકતા સાથે સુસંગત સાંસ્કૃતિક કાર્યક્રમો, ભારતના આધ્યાત્મિક ઈતિહાસને દર્શાવતું પ્રદર્શન, શાંતિના વૃતાંતો, તેમજ પુસ્તકો અને સંગીત થકી આધ્યાત્મિકતાના ઊંડા અનુભવોના આયોજનો કરાયા હતા. સ્વાસ્થ્ય અને થેરાપ્યુટિક સેશન્સ મેળવવા માટે પંચકર્મ કેન્દ્રો પણ તૈયાર કરાયા હતા. ગ્લોબલ સ્પિરિચ્યુઆલિટી મહોત્સવમાં ભાગ લેનારા ફિલ્મ, મ્યુઝ્ક અને સ્પોર્ટ્સના ક્ષેત્રોના અગ્રણી લોકોની ભૂમિકાને પણ યશ અપાયો હતો.


comments powered by Disqus