ઇલેક્શનઃ 2024 – નરેન્દ્ર મોદી v/s વેરવિખેર વિપક્ષ

Wednesday 20th March 2024 06:09 EDT
 

વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતમાં 18મી લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે સાત તબક્કામાં લોકસભાની 543 બેઠકો માટે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધન અને કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિયા ગઠબંધન વચ્ચે યોજાનારો આ ચૂંટણી જંગ પ્રથમ નજરે તો એકતરફી વધુ પ્રતીત થઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ અને એનડીએ ગઠબંધન 400 પ્લસ બેઠકોના નારા સાથે સતત ત્રીજી ટર્મ માટે કેન્દ્રની સત્તામાં પુનરાગમન કરવા કમર કસી રહ્યાં છે ત્યારે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા અત્યારથી જ વેરવિખેર જણાઇ રહ્યું છે. છેલ્લે 1984માં રાજીવ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે લોકસભામાં 400 પ્લસ બેઠકો હાંસલ કરી ત્યારબાદ કોઇ રાજકીય પક્ષ આટલી ભવ્ય સફળતા પ્રાપ્ત કરી શક્યો નથી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી સહિત છેલ્લા 10 વર્ષમાં જનકલ્યાણની સંખ્યાબંધ સફળ યોજનાઓની સિદ્ધીઓના શસ્ત્રોથી સજ્જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ આ ચૂંટણીમાં ભારતીય લોકશાહીના ઇતિહાસની સૌથી વધુ બેઠકો હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યાં છે. ઘરઆંગણે આર્થિક મોરચે પ્રગતિ, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો દબદબો નવી ઊંચાઇ પર લઇ જવામાં સફળ રહેલી મોદી સરકાર પાસે જનતા સમક્ષ છાતી ઠોકીને મત માગવાના ઘણા કારણો છે તો બીજીતરફ વિપક્ષ મોદી સરકારને ઘેરવામાં સદંતર નિષ્ફળ જણાઇ રહ્યો છે. એવું નથી કે ભારતમાં રામરાજ્ય પ્રવર્તી રહ્યું છે પરંતુ જનતાને પીડા આપી રહેલી મોંઘવારી, બેરોજગારી સહિતની સમસ્યાઓ અને મુદ્દાઓ ઉઠાવવામાં કોંગ્રેસ સહિતના મુખ્ય વિપક્ષી નેતાઓ ઊણા ઉતરી રહ્યાં છે. તેના કારણે જ 2024નો આ લોકસભાનો જંગ એકતરફી બની રહેવાની સંભાવના છે. હાલ ભારતીય મતદારને દેશના નેતા તરીકે નરેન્દ્ર મોદી સિવાય અન્ય કોઇ વિકલ્પ દેખાઇ રહ્યો નથી. એ કહેવું અસ્થાને નહીં ગણાય કે વિપક્ષ દેશના મતદારને મોદીનો વિકલ્પ આપવામાં નિઃસહાય જણાઇ રહ્યો છે. દેશ પર 7 દાયકા સુધી શાસન કરનાર કોંગ્રેસ હાલ તો સાવ નેતાવિહોણી નજરે પડી રહી છે. છેલ્લા 10 વર્ષમાં 47 કરતાં વધુ મોટાગજાના કોંગ્રેસી નેતાઓ ભાજપમાં સામેલ થઇ ચૂક્યાં છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી દિશાવિહિન બનીને કોંગ્રેસના ગાડાને ગબડાવી રહ્યાં છે. દેશમાં કોંગ્રેસ સિવાય રાષ્ટ્રીય સ્તરનો બીજો કોઇ વિપક્ષ અસ્તિત્વ ધરાવતો નથી. મોટાભાગના પ્રાદેશિક પક્ષો પણ પરિવારો દ્વારા ચાલતી પેઢીઓ જ પૂરવાર થયાં છે. તેમને ફક્ત તેમના રાજ્યોમાં જ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં રસ છે. જે પ્રાદેશિક પક્ષો પોતાના પ્રદેશમાં મજબૂત છે તેઓ ભાજપ સામે સ્થાનિક સ્તરે બાથ ભીડી રહ્યાં છે પરંતુ અન્યો સત્તાના ફળ ચાખવા ભાજપના ખોળામાં બેસી ગયાં છે. આવો વેરવિખેર વિપક્ષ છેલ્લા એક દાયકામાં પોતાના પ્રચારતંત્ર અને કાર્યોથી મજબૂત પાયો નાખીને બેઠેલા ભાજપનો સામનો કેવી રીતે કરશે તે એક મોટો સવાલ છે. નરેન્દ્ર મોદીને સીધો પડકાર આપી શકે તેવો કોઇ નેતા કે પક્ષ ચૂંટણી મેદાનમાં જણાઇ રહ્યો નથી.


comments powered by Disqus