ગુજરાત સમાચારના ‘માતૃવંદના’ કાર્યક્રમ થકી માતાઓને વંદન

બાદલ લખલાણી Wednesday 20th March 2024 07:47 EDT
 
 

ગુજરાત સમાચાર દ્વારા માતૃવંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. જે નિમિત્તે સી.બી. પટેલની પ્રેરણાથી અને કોકિલાબહેન પટેલના માર્ગદર્શનમાં ‘માતૃવંદના’ નામથી ખાસ ઝૂમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
ગ્રૂપ એડિટર મહેશભાઈ લીલોરીયાએ સમસ્ત માતાઓને વંદન કરતાં કાર્યક્રમની શરૂઆત કરી હતી. મહેશભાઈએ જણાવ્યું હતું કે, જગતમાં દરેક મહાન પુરુષના ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્ય રહ્યો છે. નેપોલિયને પણ માતાનું મહત્ત્વ દર્શાવતાં કહ્યું હતું કે, ‘એક માતા સો શિક્ષકોને ગરજ સારે છે.’ માતાનું સમાજમાં મહાત્મ્ય દર્શાવ્યા બાદ મહેશભાઈએ કાર્યક્રમનું સંચાલન કોકિલાબહેન પટેલને સોંપ્યું હતું.
કોકિલાબહેન પટેલે કાર્યક્રમનું સંચાલન સંભાળતાં વિશ્વની તમામ માતાઓને વંદન કરતાં જણાવ્યું હતું કે, બ્રિટનમાં આપણે મધર્સ ડે ઊજવી રહ્યા છીએ પણ તેનો ઇતિહાસ યુએસના વર્જિનિયામાં થઈ હતી. 1907માં વર્જિનિયાની એન્ના જાર્વિસ નામની મહિલાએ મધર્સ ડેની શરૂઆત કરી હતી. ત્યારબાદ તત્કાલીન અમેરિક પ્રેસિડેન્ટ વૂડ્રો વિલ્સને 1914થી તેને રાષ્ટ્રીય તહેવાર તરીકે માન્યતા આપી હતી. ત્યારબાદ દરવર્ષે માર્ચના બીજા રવિવારે બ્રિટનમાં પણ મધર્સ ડેની ઉજવણી શરૂ થઈ.
કહેવત છે ને ‘ગોળ વિના મોળો કંસાર તેમ મા વિના સૂનો સંસાર.’ બાળકને પોતાના ઉદરમાં 9 મહિના સાચવવાથી લઈ તે મોટું થાય ત્યાં સુધીમાં માતા જ એક છે, જે અનેક તકલીફો વેઠી બાળકને ઉછેરે છે. માતાને કુદરતે પેદા જ ન કરી હોત તો આપણું અસ્તિત્વ પણ ન હોત. આવી માતા વિશેની રજૂઆત માટે કોકિલાબહેન પટેલે દેવી ઉપાસક એવા ધીરુભાઈ ગઢવીને આમંત્રણ આપ્યું હતું.
ધીરુભાઈ ગઢવીએ માતા વિશે રજૂઆત કરતાં જણાવ્યું કે, ગુજરાત સમાચાર અને તેમની ટીમ કાયમથી સેવા સાથે જોડાયેલી છે તે બદલ હું તેમનો આભારી છું. ‘મા તે મા બીજા બધા વગડાના વા.’ આપણે કહીએ છીએ કે આજનો દિવસ માતાઓનો દિવસ છે, પણ તેમ નથી. માતાનો એક દિવસ નહીં તમામ દિવસો હોય છે. દરેક સંબંધમાં માતાને પ્રથમ મહત્ત્વ અપાયું છે. સાચું જ કહેવાયું છે કે માતાનું સર્જન કર્યા બાદ ભગવાને પણ હાથ ધોઈ નાખ્યા હતા, ભગવાને સમજ્યું હતું કે માતાએ પોતાનું અડધું કામ લઈ લીધું તેનું મેં સર્જન કર્યું છે. આ સાથે ચારણ શૈલીમાં ધીરુભાઈએ ‘માનું સર્જન કર્યું પ્રભુએ, માનું સ્વરૂપ ઘડ્યું...’ લોકગીતની કડી લલકારી હતી. માને એટલે વધારે મહત્ત્વ અપાયું છે, કારણ કે માતા ત્યાગ, પ્રેમ, સહનશક્તિ, કરુણાનો ભંડાર છે, શરત વગરનો જો કોઈ પ્રેમ કરી શકે તે મા જ છે. કવિ કાગનો એક પ્રચલિત દુહો છે, ‘હું મોઢે બોલું મા તો મને સાચે જ નાનપણ હાંભરે, પછી મલક બધાને મોટપ મને કડવી લાગે કાદડા.’ માના ખોળામાં રમતું બાળક મોટું થાય, માતા એને જ્ઞાન આપે, ખવડાવતા, ચાલતા, બોલતા બધું શિખવાડે. દુનિયાનો સૌથી મોટો શિક્ષક માતા જ છે. એ બાળક જ્યારે મોટું થયું ત્યારે તેને માતાનો એ ખોળો યાદ આવે છે. શું હું મોટો થઈ ગયો તો માના ખોળામાં ન બેસી શકાય? કોકિલાબહેને કહ્યું તેમાં હું થોડો સુધારો કરું તો કહીશ કે, મા અંગે મહાભારત અને રામાયણથી પણ દાખલા દેવાતા હોય છે. પહેલાં માતાથી જ બાળકો ઓખળાતા, જેમાં કુંતિપુત્ર અર્જુન, કૌશલ્યાપુત્ર રામ. આપણે પણ માતાને એટલું જ મહત્ત્વ આપ્યું છે. આ દાખલાઓ બાદ દુનિયાએ મા શું છે તે શીખ્યું છે. અંતમાં ધીરુભાઈએ ‘જનનીની જોડ સખી’ લોકગીતને લલકાર્યું હતું.
જે બાદ કોકિલાબહેન દ્વારા ભારતીબહેન પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતીબહેને કાર્યક્રમમાં જોડાતાં સૌપ્રથમ ફિલ્મી ગીત ‘તુ કિતની અચ્છી હૈ’ અને ‘મા મુજે અપને આંચલ મેં છુપા લે’ ગીતથી માતૃવંદના કાર્યક્રમને ચારચાંદ લગાવ્યા હતા.
કોકિલાબહેને માતાને બે શબ્દો અર્પણ કરતાં જણાવ્યું હતું, ‘મા એવું નથી તે હું તને માત્ર આજના દિવસે જ યાદ કરું છું. હું તો એ જણાવું છું કે મારા જીવનમાં તારી હાજરીનું મહત્ત્વ શું છે. તું હતી તો હર્યુંભર્યું ઘર હતું મા, તારા પાલવની છાયામાં મીઠા વાત્સલ્યનું સરોવર હતું મા. કષ્ટદાયી જિંદગીના ધોમધખતા તડકામાં માથે સ્નેહના વાદળનું તું છત્ર હતી મા. મારા જીવનમાં પવિત્ર કાશી બની આવી હતી તું મા, હવે મારે કાશી-મથુરા જવાની શી જરૂર કાશીબા. તારાં ચરણે શત્ શત્ પ્રણામ.’
કોકિલાબહેન પટેલ દ્વારા બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર પૂજાબહેન રાવલને આમંત્રણ આપવામાં આવ્યું. પૂજાબહેને પોતાના ઉદબોધનની શરૂઆત ‘મને દુઃખી જોઈ દુઃખી કોણ થાતું’ ગીતની પંક્તિથી કરી હતી. મા તે એક શબ્દમાત્ર નથી, પરંતુ સમગ્રતયાની અનુભૂતિ છે અને તેને ક્યારેય શબ્દોમાં સમાવી શકાય નહીં. ગમે તેવા વિદ્વાનો ગમે તેટલા ગ્રંથ લખે તો પણ એ અસંભવ છે. હું માનું છું કે, રામ અને કૃષ્ણ ભગવાનના અવતારો પાછળ પણ એક જ મહત્ત્વનું કારણ હશે, માતાના પ્રેમની અનુભૂતિ. પિતા આપણને ચેતન આપે છે, પરંતુ આપણો દેહ તો માતાના શરીરના અણુએ અણુથી જ ઘડાય છે.
મારાં માતાની નાદુરસ્ત તબિયતના સમાચાર મળતાં મેં મારા પુત્ર અને પતિનો વિચારસુધ્ધાં ન કરતાં હું સીધી જ ઇન્ડિયા મારાં માતા પાસે પહોંચી ગઈ. મને જોતાં જ મારી મા પણ પોતાના દેહમાં ચૈતન્યનો અનુભવ કરી રહી હતી. મા હતી એટલે જ આપણે છીએ, તે વાસ્તવિકતા ક્યારેય ભૂલવી જોઈએ નહીં. માનો સમાનાર્થી એક પણ શબ્દ નથી અને ક્યારેય નથી.
અમારા ગુજરાત સમાચાર અને એશિયન વોઇસમાં અમારા જૂનાં વાંચક દિવ્યાબહેન ગુટકાના પુત્રએ માતા પ્રત્યેના પ્રેમ વિશે લખીને જે છલકાવ્યો છે, જે અમે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ બંનેમાં છાપ્યો છે.
ગુજરાત સમાચારના એડિટર ઇન ચીફ સી.બી. પટેલે પોતાની જીવનશૈલી અંગે લોકોને જણાવતાં કહ્યું કે, યુકેમાં મારી ઓફિસની સામે મારા બોઝ ભગવાન શંકર બેસે છે, પરંતુ મારી ખુરશીની ઉપર મારા માથે માતાજી કમળાબહેનના ફોટોને રાખું છું, જેમની પાસે મારા પિતાશ્રી છે. આ બંને ફોટોની પાસે મારાં બહેન કલ્પનાનાં લગ્નનો ફોટો છે. મારા ઘરમાં મારાં સાસુ સવિતાબા અને સસરાના ફોટો પણ છે. આપણા શાસ્ત્રમાં માતા, સાસુ અને બહેન દરેકને માતાનો દરજ્જો અપાયો છે.
દીપકભાઈ પટેલે માતૃવંદના કાર્યક્રમમાં જણાવ્યું કે, હું નાનો હતો ત્યારે જ મારી પ્રગતિ માટે માતાએ મને હોસ્ટેલમાં મૂક્યો હતો. હું 17 વર્ષથી લંડનમાં છું, પરંતુ પહેલો અવસર મળતાં હું પ્રથમ ફોન મારાં માતાને કરું છું અને તેમના સ્વાસ્થ્ય સંબંધી સમાચાર મેળવું છું. મને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો અને હું લંડનની ધરતી પર આવી શક્યો તે અંગે મારી માતાનો મારા પર મોટો ઉપકાર છે. લંડનમાં મારી કારનો નંબર પણ મેં મારા માતાના નામે જ લીધો છે. મને હંમેશાં મારાં મારા પર ગર્વ રહેશે.
ભારતીબહેન પટેલે માતૃવંદના કાર્યક્રમમાં માતાને વંદન કરતાં એક સુંદર કવિતાનું રસપાન કરાવ્યું હતું. ‘માડી મને કોક વાર રૂપાળા બાગનું ફૂલડું થવાનું મન થાય...’
સી.બી. પટેલે કહ્યું, માતા શબ્દમાં બધું જ આવી જાય છે. ઓમ શબ્દ આવ્યો તે બાદનો પ્રથમ અનાદિ શબ્દ મા છે. જ્યાં સુધી દુનિયામાં જીવ હશે ત્યાં સુધી આ શબ્દ હશે. આપણે બધા જે કંઈ છીએ, જે સ્વરૂપમાં છીએ અને સિદ્ધિ-સામર્થ્ય ધરાવીએ છીએ તેનો પાયો આપણી મા છે. માતાએ 9 મહિના આપણને ઉદરમાં રાખ્યા, તે અર્થમાં આ શબ્દની ગરિમા એ છે કે ગમે તેવો જીવ હોય મા પ્રત્યે વફાદારી અને શ્રદ્ધા રાખે છે. હું માનું છું કે માતા અને સંતાન વચ્ચેનો પ્રેમ અવસરની સાથે ઔષધ પણ છે.
ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ તમારાં છે. આ તમામ કાર્યો બદલ મને જશ અપાય છે, જો કે હજુ અમારે ઘણું કામ કરવું છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસમાં ઘણું વાંચન અપાય છે, અમારા પત્રકારો, લેખકો, કટાર લેખકો ખૂબ મહેનત કરે છે, એ સૌનો આભાર માનું છું. અમારો એક જ ઇરાદો છે કે અમારા વાંચકોને શબ્દની તાકાત મળે.
લંડનમાં સુમનભાઈ દેસાઈ હતા, જે હાલમાં દક્ષિણ ગુજરાતમાં છે. તેમનાં માતાને વ્હીલચેરમાં તેઓ તમામ સ્થળે લઈ જતા હતા, તેમનાં પત્નીને પણ આ તકલીફ છે. તેમનો મને ફોન આવ્યો કે તેઓએ કાર્યક્રમમાં જોડાવા પ્રયત્ન કર્યો પણ અસમર્થ રહ્યા. માતાની આ પ્રકારે સેવા કરનારા સુમનભાઈને હું યાદ કરું છું. કેનેડાથી સુરેશભાઈ અને ભાવનાબહેનનો મેસેજ આવ્યો છે, જેઓ વારંવાર પત્ર લખે છે, જેમણે પણ આપણા આવા કાર્યક્રમોની કદર કરી છે.
કાર્યક્રમના સમાપનમાં ભારતીબહેન પટેલે એક લાડીલા દીકરા દ્વારા તેને માતાને સમર્પિત ગવાયેલું ગીત ‘તેરી ઉંગલી પકડકે ચલા’ ફિલ્મી ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus