23 માર્ચ આવી અને ગઈ. લાહોરમાં હવે તે જેલ પણ રહી નથી , જ્યાં બાવીસ વર્ષના સરદાર ભગતસિંહ, 23 વર્ષના રાજગુરુ અને 22 વર્ષના સુખદેવ.. ત્રણેને સાંજે બ્રિટિશ સરકારે જેલની ભીતર જ ફાંસી આપી અને તેના ઇંકિલાબ ઝિંદાબાદના ગગનભેદી નારાએ દેશ આખાને સ્પંદિત કરી મૂક્યો હતો. 1931નો એ દિવસ ચૂટણી-2024ના આગમન વચ્ચે કઈ રીતે યાદ રહ્યો, એ સવાલ મનમાં ઘૂમરાતો રહ્યો, તે દરમિયાન ગુજરાત અને ભગતસિંહ વિશેના કેટલાક ઐતિહાસિક અનુબંધો પણ અંકિત થયા.
તેમાં પહેલાં વડોદરાને યાદ કરવું પડે. આપણા એક સ્વર્ગસ્થ ધારાસભ્ય નગજીભાઇ આર્યે વર્ષો પૂર્વે આ પ્રસંગ નોંધ્યો હતો. સરદાર ભગતસિંહ અને સાથીદારોએ લાહોરમાં લાલા લાજપત રાયને સરઘસમાં લાઠી ફટકારનાર સારજંટ સોંડર્સને પિસ્તોલની ગોળીથી વીંધી નાખ્યો તે પછી ત્રણે સાથીદારો વડોદરા આવ્યા અને આર્યકુમાર મહાસભાના કારેલી બાગના આશ્રમમાં છૂપા વેશે રહ્યા. ભગતસિંહના પિતા કિસનસિંહ અને કાકા સરદાર અજિતસિંહ બંને આર્યસમાજી હતા. આત્મારામ પંડિત જેઓ વડોદરાવાસી હતા તેમની સાથે બંનેનો ગાઢ સંબંધ હતો. એટ્લે તુરત છૂપા નિવાસનું આયોજન થઈ ગયું. આર્યકુમાર મહાસભાના આશ્રમની પાસે એક મુદ્રણાલયનું મકાન હતું, 1927ની રેલમા તેનો ઇમારતી માલસામાન તણાઇ જ્ઞેલો એટ્લે નવેસરથી બાંધકામ થઈ રહ્યું હતું. આ ક્રાંતિકારોને પ્રેસબિલ્ડીંગની ઓસરીમાં ઉતારો મળ્યો. પછી ઉપરના માળે એક બચી ગયેલા રૂમમાં નિસરણીથી ચડીને રહ્યા. અચાનક એક દિવસે લાહોરથી પોલીસ ક્રાંતિકારોને પકડવા આવી, આર્યકુમાર આશ્રમના કુમારોના વ્યાયામ-શિક્ષક રામેશ્વર રાવનું સરનામું લાહોરના નિવાસમાં જડતી દરમિયાન મળી આવ્યું હતું એટ્લે પોલીસ વડોદરા પહોંચી. એ તો પેલા કામેશ્વર રાવને પકડીને લઈ ગઈ, પણ નજીકમાં એક જીર્ણશીર્ણ મકાનમાં તેના ત્રણે મુખ્ય આરોપીઓ રહ્યાની ગંધ પણ પોલીસને ના આવી. છેવટે રાવની પાસે કોઈ બાતમી ના મળતાં તેને છોડી દેવામાં આવ્યો. નાગજીભાઇ લખે છે કે હું પણ આર્યકુમાર સભાનો સભ્ય હતો, વિદ્યાર્થી હતો, પણ અમને ય ઘણી મોડી ખબર પડી કે અરે, આ તો આપણા ક્રાંતિ-નાયકો છે!અમે યુવકોએ વધુ સલામતી માટે વાઘોડિયા લઈ ગયા. પણ પોલીસ અને ગુપ્તચરોની ચાંપતી નજર હતી એટ્લે ઇટોલા વિદ્યાલયના મકાનમાં રાખ્યા, ત્યાંથી વલસાડ લઈ ગયા. એક હિન્દુ સમ્મેલન વલસાડમાં યોજાયું હતું તેમાં ગુપ્તવેશે શ્રોતા તરીકે ભાગ લીધો. ત્યાંથી નાસિકના માર્ગે બીજે પ્રયાણ કર્યું. ગુજરાતનાં આ ધારાસભ્ય નાગજીભાઈ ક્રાંતિકારોને મળ્યા હતા તેનું ગૌરવ તેમને આજીવન રહ્યું.
.. અને ઝવેરચંદ મેઘાણી? એક રાષ્ટ્ર-ચેતનાના કવિનો સંબંધ કવિતા સ્વરૂપે જ હોયને? સાબરમતી જેલમાં મેઘાણીને બે વર્ષની સજા થઈ ત્યારે કેદીઓમાં એક બીજા હતા વૈશમ્પાયન. ભગતસિંહની સાથે જ પકડાયા હતા અને તેમને સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યા. અહિ નમક સત્યાગ્રહના કેદીઓ પણ હતા, રોજ રાતે ગીતોની, સંસ્મરણોની મહેફિલ જામતી. વૈશંપાયન કવિ અને લેખક હતા, (તેમણે પીએચ. ડી પણ કર્યું હતું!) તેઓ ક્રાંતિકારોના ગીત સંભાળવતા. તેમાનું એક હતું :”હમ ભી ઘર રહ સકતે થે.. “
અપની કિસ્મતમે અજલસે હી
સિતમ રખ્ખા થા,
રંજ રકખા થા, મુહિમ રખ્ખી થી,
ગમ રખ્ખા થા,
કિસકો પરવા થી, ઔર કિસ મે યે
દમ રખ્ખા થા,
હમને જબ વાદી-એ-ગુરબત મે
કદમ રખ્ખા થા,
દૂર તક યાદવતન આઈ થી
હમે સમજાને કો!
અને મેઘાણીએ આ રચના પરથી પોતાના અંદાજથી રચેલા ગીતની પંક્તિઓ છે :
“અમારે ઘર હતાં, વ્હાલાં હતાં,ભાંડુ હતાં
પિતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે,
અને આ કાવ્યની જ પંક્તિઓ-
અહોહો,ક્યાં સુધી પાછ. અમારી આવતી’તી વતનની પ્રીતડી !
મીઠે સ્વરે સમજાવતી’તી .
ગળામાં હાથ નાખી ગાલ રાતા ચૂમતી’તી
“વળો પાછાં!” વદીને વ્યર્થ વલવલતી જતી’તી ...
“શહીદો કી મજારો પર હર બરસ લગેંગે મેલે, વતન પે મરને વાલોં ક, યહી નામો-નિશાં હોગા..” નું કેવું પ્રભાવી રૂપાંતર મેઘાણીએ આ ગીતમાં જ કર્યું છે, “ કદી સ્વાધીનતા આવે, વિનંતી ભાઈ છાની, અમોને યે સ્મરી લેજો, જરી પળ એક નાની... “
ભગતસિંહ વિષે તેમનું એક કાવ્ય છે, ફૂલમાળ.બીજું છે વીર જતીન્દ્રના સંભારણા..
ભગતસિંહના સાથી જતીન દાસ લાહોર જેલમાં ક્રાંતિકારી કેદીઓની સામાન્ય સુવિધા માટે આમરણ અનશન કર્યા હતા, તે પણ જેલમાં. થોડા દિવસ ઉપવાસ કરીને છેવટે લીંબુ પાણી સાથે પારણા કરવાનો “સત્યાગ્રહ” નહોતો, છેક 72 દિવસ સુધી અનશન કર્યું અને શહીદ બન્યા. મેઘાણી કઈ રીતે શાંત રહી શકે?
સ્વાતંત્ર્ય જંગનો ગુજરાતનો અનુબંધ 1857અને તે પહેલાંથી રહ્યો તે છેક 1945ના નૌકા વિદ્રોહ સુધી ચાલ્યો. એકસો સ્થાનોની ધૂળ ફંફોસો અને દસ્તાવેજી તથ્યો તપાસો તો આ બલિદાની કથાઓ મળશે. તેમાં ફાંસી છે, તોપથી વીંધાયેલા, વૃક્ષની ડાળી પર લટકાવીને મારી નખાયેલા, આંદામાંનની કાળકોટડીમાં ધકેલી દેવાયેલા, એકસામટા કતારબંધ ઊભા રાખીને બંદૂકની ગોળીથી વીંધાયેલા , દેશથી જલાવતન કરાયેલા અનેક નામો છે ગુજરાતની ક્રાંતિકથામાં. સાચુકલા ક્રાંતિ તીર્થો તો તે છે. વિસ્મરણ આપણો અભિશાપ હતો, હવે ઇતિહાસના ફરીવારના સંશોધન અને લેખનના દિવસો આવ્યા છે. તેમાં વડોદરામાં ભગતસિંહ અને સાથીઓનું ગુપ્ત વેશે રહેવું, અરવિંદ ઘોષ અને બારીન્દ્ર ઘોષ અને બીજા સાથીઓનું ચાંદોદ કરનાળીના ગંગનાથ આશ્રમમાં પ્રવૃત્તિ કરવી, નાનાસાહેબનું શિહોરમાં સન્યાસી તરીકે રહેવું અને તેવું જ નવસારીમાં તાત્યા ટોપેનું હોવું, સ્વામી વિવેકનંદનું શિહોરમાં નાનાસાહેબને મળવું, જેમની જન્મ શતાબ્દી છે તેવા ટંકારાના ઋષિ દયાનંદ સરસ્વતીની 1857 માં પ્રેરણા ... કેવા અને કેટલા અધ્યાય આપણાં આંગણે રચાયા છે!