ગુજરાતના આણંદના બોરસદ તાલુકાના ભાદરણ ગામનું નામ ઇતિહાસના સુવર્ણ પત્તા પર તો લખાયેલું છે જ, તો વર્તમાનમાં પણ આ ગામ આધુનિકતા અને વિકાસનું પર્યાય બનેલું છે. એક સમયનું ગાયકવાડ સ્ટેટ હેઠળનું ભાદરણ ગામની વિભૂતિઓ અને વિકાસથી અંદાજિત 100 વર્ષથી જાજરમાન ઇતિહાસ ધરાવે છે.
ભાદરણ સુભાષચંદ્ર બોઝને પણ ઠપકો આપનારાં સ્વ. શાંતાબહેન પટેલથી જ નહીં, સ્વાતંત્ર્યવીર રતિભાઈ ગોરધનભાઈ પટેલ, દીવાલો પર સચવાયેલો સ્વતંત્રતાનો સંદેશ, દાદા ભગવાનનું જન્મસ્થળ, 1960થી જ અસ્તિત્વમાં આવેલી આર.એ. પટેલ કોમર્સ કોલેજ, 1952માં કેડિલા હેલ્થકેરની સ્થાપના કરનારા રમણભાઈ પટેલ અને તેમના પુત્ર ઝાયડસ ફાર્મા અને હોસ્પિટલના સ્થાપક પંકજભાઈ પટેલથી પણ ઓળખાય છે. ભાદરણના વિકાસમાં આ તમામ લોકોનો પણ સિંહફાળો રહ્યો છે.
ભાદરણના વિકાસ માટે વિદેશમાં વસતા પણ વતનની માટી સાથે જોડાયેલા એનઆરઆઇનો પણ મોટો ફાળો છે. ભાદરણને અત્યાર સુધી એનઆરઆઇ દાતાઓ દ્વારા પણ રૂ. 2 કરોડ જેટલું ફંડ આપવામાં આવ્યું છે. ઉદયભાઈ પટેલે ગામના વિકાસને લઈને એકવાર યુકેનો પ્રવાસ પણ ખેડ્યો હતો, જ્યાં વતન સાથે જોડાયેલા ભાદરણવાસીઓએ તેમને પૂરતો સહયોગ આપ્યો હતો. આ UKથી અંતર્ગત રંજનબાલા નિરંજનભાઈ પટેલ તરફથી રૂ. 21 લાખ, મહેશભાઈ પટેલ તરફથી રૂ. 11 લાખ, રસિકભાઈ મણિભાઈ પટેલ તરફથી રૂ. 11 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું. આ સિવાય રઘુવીરભાઈ પટેલ, સૂર્યકાંતભાઈ દેસાઈ, દેવનભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, પ્રવીણભાઈ અંબાલાલ પટેલ, રાજેન્દ્રભાઈ ચુનીભાઈ પટેલ, નવનીતભાઈ અંબાલાલ પટેલ, ભીખુભાઈ પટેલ, સ્વ. શશિકાંતભાઈ પ્રેમાભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, ગાર્ગીબહેન જ્યોતીનભાઈ પટેલ અને રાજુભાઈ ધીરુભાઈ પટેલ તરફથી અનુદાન મળ્યું હતું.
યુએસએથી સૂર્યકાંત તલસીભાઈ પટેલ પરિવાર (USA) તરફથી રૂ. 32 લાખ, વર્જિનિયા હોટેલ ગ્રૂપ (USA) તરફથી રૂ. 11 લાખ અને વદનભાઈ પટેલ પરિવાર (USA) તરફથી રૂ. 11 લાખનું દાન અપાયું છે. તો ગુજરાતથી પંકજભાઈ પટેલ-કેડિલા તરફથી રૂ. 25 લાખ અને એફ.જી. પરિવાર ભાદરણ તરફથી પણ રૂ. 25 લાખ જેટલું માતબર દાન અપાયું છે. આવા તો અનેક દાતાઓ દ્વારા ભાદરણની માટીને, તેના વિકાસને પ્રાધાન્ય અપાયું છે.
ઇતિહાસનાં પાનાં ફેરવતાં જાણવા મળે છે કે એક સમયે ગાયકવાડ સ્ટેટ હેઠળના આ ગામ ભાદરણનો 40ના દશકાથી પોતાનો પાવરહાઉસ પ્લાન્ટ અને સુએજ લાઇન પણ હતી. પાઇપલાઇન દ્વારા પહેલેથીજ ભાદરણના ઘરેઘરે પાણી પહોંચતું હતું. તો શિક્ષણને પ્રાધાન્ય આપતાં 1960થી જ અહીં કોલેજ સ્થાપી સ્થાનિક બાળકોને પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવતું હતું. કહી શકાય કે વિકાસના દૃષ્ટિકોણથી પહેલેથી જ ભાદરણ તેના સમય કરતાં આગળ હતું.
ભાદરણના વિકાસમાં સ્થાનિકો અને એનઆરઆઇ સિવાય રાજ્ય સરકાર દ્વારા પણ ધ્યાન અપાતું રહ્યું છે. જે અંતર્ગત સરકારી સહાય અને લોકફાળા દ્વારા ગામમાં 1.6 કિ.મી.નો આરસીસી રોડ અને 1.5 કિ.મી.ની ગટરલાઇન બિછાવી દેવામાં આવી છે.
તો લોકફાળાના રૂ. 60 લાખના ખર્ચે પમ્પિંગ હાઉસ પણ કાર્યરત્ છે.
ભાદરણના સરપંચ ઉદયભાઈ પટેલે આગામી યોજના અંગે જણાવ્યું કે, અમારા લોકો જે કામ કરી રહ્યા છે, તેમાં અમને જો મદદ મળી રહે તો અમારી ખૂબ મદદ થઈ જશે. એનઆરઆઇના ડોનેશન દ્વારા રૂ. 70 લાખના ખર્ચે સોલાર પેનલ લગાવવામાં આવી રહી છે, જે પૈકીના રૂ. 32 લાખ મળી ચૂક્યા છે, તો બાકીનાં નાણાં એનઆરઆઇ ભાદરણવાસીઓ દ્વારા ટૂંક સમયમાં ડોનેટ કરવામાં આવશે તેવી આશા છે. આ સોલાર પ્રોજેક્ટ થકી વાર્ષિક રૂ. 14 લાખના વીજબિલથી મુક્તિ મળવાની સાથે નાણાંની બચત પણ થશે. સોલાર પ્રોજેક્ટ થકી મળનારી આ વીજળીનો ઉપયોગ સ્ટ્રીટલાઇટ, પંચાયત ઓફિસ અને સુએજ પમ્પિંગ સ્ટેશનમાં થશે. આ ઉપરાંત પંચાયત હાઉસના રિપેરિંગ માટે રૂ. 20 લાખની જરૂર છે, તે એનઆરઆઇ દાતાઓ દ્વારા છૂટા હાથે આપવામાં આવે તેવી આશા છે. ભવિષ્યમાં ગામમાંથી પેદા થતા કચરાના નિકાલ માટે ગાર્બેજ રિસાઇકલ અને ડિસ્પોઝલ પ્લાન્ટ શરૂ કરવાનો અમારો પ્રયાસ રહેશે, જે માટેનું જરૂરી ફંડ રૂ. 50 લાખ કોઈ દાતા તરફથી અચૂક મળી રહેશે.
પ્રોપર્ટી ટેક્સ પેટે ભાદરણ પંચાયતની આવક રૂ. 50 લાખ વાર્ષિક છે, જે પૈકી 33 પંચાયત કર્મચારીઓના વેતન માટે રૂ. 39 લાખ અને લાઇટ-બિલના રૂ. 14 લાખનો ખર્ચ કરાય છે. જો કે ગામમાં આકાર પામનારા સોલાર પાવર પ્રોજેક્ટ થકી રૂ. 14 લાખની વાર્ષિક બચત થતાં પંચાયતને ફાયદો થશે.
ભાદરણના આગામી પ્રોજેક્ટ અંગે ઉદયભાઈએ ઉત્સુકતાથી કહ્યું કે, અમારો વિચાર ગામમાં રૂ. 32 લાખનું મોટું સ્વિપર મશીન ખરીદવાનો છે, જેનાથી અમારા સ્વચ્છ ગામને વધુ સ્વચ્છ બનાવી શકાય. સ્વિપર મશીનના દાતા મળતાં તેને વસાવવામાં આવશે, જ્યારે હાલમાં કામ કરતા સ્વિપર્સને ડિસ્પોઝલ પ્લાન્ટમાં ખસેડાશે. આ કાર્યથી ગ્રામસફાઈની સાથે કચરાથી નિકાલ અને રોજગારીનો એક અન્ય વિકલ્પ મળી જશે.
એક અપેક્ષા સાથે સરપંચ ઉદયભાઈ પટેલે જણાવ્યું કે, જો ભાદરણને સોલાર પાવર માટેના બાકીના રૂ. 38 લાખ અને સ્વિપર મશીનના રૂ. 32 લાખની આવક થાય તો તેને બને તેટલું ઝડપી અમલી બનાવી ગામના વિકાસને ડગલું આગળ લઈ જવામાં મદદ મળી જશે.
ઉદયભાઈ પટેલે જણાવ્યું કે, જો ગ્રામજનો દ્વારા સમયસર મિલકતવેરો ભરવામાં આવે, એનઆરઆઇ દ્વારા યોગ્ય દાન મળી રહે અને રાજ્ય સરકારનું પૂરતું ધ્યાન ભાદરણ ગામને મળી રહે તો ભાદરણ ગામનો વિકાસ અને પ્રસિદ્ધિ આકાશને આંબતા કોઈ રોકી શકશે નહીં. મારું લક્ષ્ય વેલ મેનેજ્ડ અને વેલ પ્લાન્ડ ભાદરણ બનાવવાનું છે.