નરેન્દ્ર મોદી અને ભાજપના સમર્થનમાં લંડનમાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી દ્વારા કાર રેલીનું આયોજન કરાયું

રેલીને સી.બી. પટેલે લીલી ઝંડી બતાવી, 250 કરતાં વધુ કાર સાથે નરેન્દ્ર મોદી અને ભાજપ સમર્થકો રેલીમાં જોડાયાં

Wednesday 20th March 2024 07:40 EDT
 
 

લંડનઃ ભારતમાં યોજાનારી આગામી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કરવા ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી યુકે દ્વારા 16 માર્ચ 2024ના રોજ લંડનમાં કાર રેલીનું આયોજન કરાયું હતું. આ કાર રેલીમાં 250 કરતાં વધુ વાહનચાલકોએ ભાગ લીધો હતો. રેલીનો પ્રારંભ કચ્છ લેઉઆ પાટીદાર સમાજ કોમ્પ્લેક્સથી કરાયો હતો. નિસડનમાં આવેલા બીએપીએસ મંદિર ખાતે રેલીની પૂર્ણાહૂતિ થઇ હતી. રેલીમાં સામેલ ભારતીય સમુદાયના લોકોએ તિરંગો અને ભાજપના ધ્વજ ફરકાવ્યા હતા.
રેલીમાં ભાગ લેનારાની પ્રતિબદ્ધતા અને એકતાના પ્રતિક તરીકે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના એડિટર ઇન ચીફ સી.બી. પટેલે ઝંડી ફરકાવીને રેલીનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સી.બી. પટેલે 10 વર્ષ અગાઉની યાદ તાજી કરતાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી પહેલીવાર સાંસદ તરીકે ચૂંટણી લડી રહ્યાં હતાં ત્યારે પણ એક રેલીનું આયોજન કરાયું હતું. તે પ્રસંગે હું ત્યાં હતો. એક સમય એવો હતો જ્યારે ભારતની સંસદના નીચલા ગૃહ લોકસભામાં ભાજપના ફક્ત બે સભ્ય હતા. 2014માં ભાજપના સાંસદોની સંખ્યા 273 હતી અને 2019માં 300ને પાર કરી ગઇ હતી. 2024ની આ ચૂંટણીમાં 400 પ્લસ બેઠકો પ્રાપ્ત કરવી અશક્ય નથી. મોદી સરકાર વધુ એકવાર સત્તામાં આવે તેના પ્રયાસ આપણી સામુહિક જવાબદારી છે. રેલીની પૂર્ણાહૂતિ નિસડનના બીએપીએસ મંદિર ખાતે થશે. અબુધાબીમાં હિન્દુ મંદિરની સ્થાપના ભારતના નવા યુગનો પ્રારંભ છે.
સી.બી. પટેલે જણાવ્યું હતું કે, ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી સંસ્થા સનાતન ધર્મ અંગે જાગૃતિ ફેલાવવા અને તે અંગે ફેલાવાતા જુઠ્ઠાણા ઉઘાડા પાડવા મહત્વની કામગીરી કરી રહી છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસની ઓફિસમાં સ્વ. અટલ બિહારી વાજપેયીની મુલાકાત બાદ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીની રચના કરાઇ હતી. ડો. મધુકર અમ્બેકર જેવા પાયાના કાર્યકર્તાઓ અને અન્યોએ ઘણા વર્ષો આ સંસ્થાના વિકાસમાં યોગદાન આપ્યું છે. આ રેલીમાં યુકેના સાંસદ અને ભારતમાં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત બોબ બ્લેકમેન જોડાયા હતા. નિસડન મંદિર ખાતે તેમણે ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. બ્લેકમેને જણાવ્યું હતું કે ભારતીય સમુદાય તેમના વતનના દેશા ભાવિના ઘડતરમાં પણ મહત્વની ભુમિકા ભજવી રહ્યો છે. ભારતમાં લોકશાહીની સૌથી મોટી કવાયત યોજાઇ રહી છે. ભારતની ચૂંટણી વિશ્વની સૌથી મોટી ચૂંટણી છે. ભારતમાં ભાજપ સત્તા પર આવ્યા પછી ભારત અને યુકે વચ્ચેની મિત્રતા મજબૂત બની છે.
ભારતને ઝડપથી વિકસતા અર્થતંત્રનું બિરૂદ આપતા બ્લેકમેને જણાવ્યું હતું કે, નવી દિલ્હી અને લંડન મુક્ત વેપાર કરાર માટે મંત્રણા કરી રહ્યાં છે. બંને દેશ વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે સહકારના કરાર થયાં છે. સંસ્થાનવાદના દિવસોનો અંત આવી ગયો છે. ભારતનું અર્થતંત્ર વિશ્વમાં નંબર વન બનવા જઇ રહ્યું છે. બોબ બ્લેકમેને વડાપ્રધાન રિશી સુનાકની પ્રશંસા કરતાં ભારતીય સમુદાયને આગામી સંસદની ચૂંટણીમાં તેમને સમર્થન આપવા અપીલ કરી હતી.
આ સફળ ઇવેન્ટનું આયોજન દીપક પટેલ, કૃનાલ ઠક્કરના નેતૃત્વમાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના ગુજરાત ચેપ્ટરની ટીમ અને ગુજરાત કોર કાર્યકર્તાઓ દ્વારા નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ભાજપની વિચારધારાના પ્રસારની પ્રતિબદ્ધતા સાથે કરાયું હતું.


comments powered by Disqus