એકતરફ ભારતમાં લોકસભાની ચૂંટણીનો જંગ શરૂ થઇ ગયો છે અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી ટર્મ માટે વડાપ્રધાનપદે આરૂઢ થવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યાં છે ત્યારે બ્રિટનમાં વડાપ્રધાન રિશી સુનાક સંસદની ચૂંટણી પહેલાં તેમની ખુરશી બચાવવા હવાતિયાં મારી રહ્યાં છે. ઓક્ટોબર 2022માં બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન બનેલા રિશી સુનાક માટે હંમેશા એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ રહી છે. કન્ઝર્વેટિવ પાર્ટી માટે છેલ્લા પાંચ વર્ષ નેતૃત્વની હૂંસાતૂંસીના વર્ષ રહ્યાં છે. આ પાંચ વર્ષમાં પાર્ટીએ દેશને 4 વડાપ્રધાન આપ્યાં છે અને હવે ચોથા વડાપ્રધાન સુનાકને હટાવવા જમણેરી ટોરી સાંસદો કવાયત હાથ ધરી રહ્યાં છે. ટોરી વડાપ્રધાનોની નિષ્ફળતાઓના કારણે છેલ્લા બે વર્ષથી વિપક્ષ લેબર પાર્ટી કન્ઝર્વેટિવ પાર્ટીની સરખામણીમાં લોકપ્રિયતાના શિખરો સર કરી રહી છે. કન્ઝર્વેટિવ સમર્થક મતદારો પણ હવે લેબર તરફી ઝોક ધરાવી રહ્યાં છે. નિષ્ફળતાના મામલામાં રિશી સુનાક પણ તેમના પુરોગામીઓ કરતાં પાછળ રહ્યાં નથી. જનતાને કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસમાંથી ઉગારવાના સુનાકના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યાં છે. દેશમાં રેકોર્ડ સપાટી પર પહોંચેલા માઇગ્રેશનને નિયંત્રિત કરવામાં પણ સુનાક સરકારની નીતિઓ સદંતર નિષ્ફળ રહી છે. દેશના અર્થતંત્રને વેગ આપવા સુનાક સરકારે લીધેલાં પગલાંઓને ઝાઝી સફળતા હાંસલ થઇ નથી. રિશી સુનાક હજુ પણ તેમની નીતિઓની સફળતા માટે આશાવાદી છે પરંતુ કન્ઝર્વેટિવ સાંસદોને હવે સુનાકના પ્લાન પર વિશ્વાસ રહ્યો નથી. લેબરની વધતી લોકપ્રિયતાના કારણે આગામી સંસદની ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડશે તેવા ભયથી 65 જેટલા સાંસદો ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી ચૂક્યાં છે. સુનાક ટોરીઝ નેતાઓને આશ્વાસન આપી રહ્યાં છે કે આ વર્ષ તેમની નીતિઓની સફળતાનું વર્ષ રહેશે પરંતુ તેમનો આ આશાવાદ પાર્ટીના સાંસદો અને કાર્યકરોને આકર્ષી રહ્યાં નથી. એ વાતમાં કોઇ શંકા નથી કે સુનાકને વારસામાં બળતું ઘર જ મળ્યું હતું. કોરોના મહામારી, બોરિસ જ્હોન્સનના કૌભાંડો અને લિઝ ટ્રસની આર્થિક હારાકિરી વારસામાં મેળવી વડાપ્રધાનપદ પર આરૂઢ થયેલા રિશી સુનાક માટે જનતાને કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિમાં રાહત આપવી અને દેશના અર્થતંત્રને મંદીમાં ગરકાવ થતું અટકાવવાના લક્ષ્યાંકો લોઢાના ચણા ચાવવા સમાન હતાં. પરંતુ તેમની નીતિઓને સફળતા ન મળતા હવે કન્ઝર્વેટિવ નેતાઓ ઘાંઘા થયાં છે. સંસદની આગામી ચૂંટણીમાં દેખાઇ રહેલો પરાજય ખાળવા તેઓ સુનાકને હટાવીને અન્ય નેતાને નેતૃત્વ સોંપવાની તૈયારી કરી રહ્યાં છે પરંતુ નવું નેતૃત્વ પણ પાર્ટીને સફળતા અપાવી શકશે તેની ગેરેંટી કોઇ આપી શકે તેમ નથી. કન્ઝર્વેટિવ પાર્ટીને સુનાકને વડાપ્રધાનપદેથી હટાવી નવેસરથી એકડો ઘૂંટવાનો જુગાર મોંઘો પણ પડી શકે છે. પાર્ટી માટે હવે રાત ટૂંકીને વેશ ઝાઝાની નોબત આવી છે. પાર્ટીએ સુનાકની નીતિઓને ઓટમમાં આવી રહેલી સંસદની ચૂંટણી પહેલાં ચાન્સ આપવો જ રહ્યો. એના સિવાય અન્ય કોઇ વિકલ્પ હાલપુરતો તો દેખાઇ રહ્યો નથી.