નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના વતન છોડ્યા બાદ પાડોશી દેશમાં લઘુમતી સમુદાયો અને ખાસ કરીને હિન્દુઓ વિરુદ્ધ હુમલા થઈ રહ્યા છે. તે હુમલામાં અનેક હિન્દુ જીવ ગુમાવી ચૂક્યા છે. જો કે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના થયા પછી ગયા સપ્તાહે હિન્દુઓ પર થતા હુમલા ઘટ્યા છે.
નોકરીમાં હિન્દુઓનાં લેવાતાં રાજીનામાં
બાંગ્લાદેશમાં હવે હિંસા આચરનારાઓની નજર હિન્દુઓની સરકારી નોકરીઓ પર પડી છે. તે લોકો દ્વારા હિન્દુ કર્મચારીઓ પાસેથી જબરજસ્તી રાજીનામાં લેવાઈ રહ્યાં છે, તેથી હિન્દુસમાજ ચિંતિત છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં હિન્દુ વસ્તી માત્ર 8 ટકા છે.
શેખ હસીના વિરુદ્ધ ફરિયાદ
બાંગ્લાદેશમાં હિંસક વિરોધને પગલે વડાપ્રધાનપદેથી રાજીનામું આપીને શેખ હસીના ભારત આવી ગયાં છે. એવામાં શેખ હસીના અને અન્યોની સામે બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલમાં ફરિયાદ દાખલ કરાઈ છે. શેખ હસીનાની સામે વિદ્યાર્થીઓના આંદોલન સમયે સામૂહિક હત્યાકાંડ અને નરસંહારના આરોપો લગાવાયા છે. આ ફરિયાદ પોલીસ કાર્યવાહી દરમિયાન માર્યા ગયેલા એક વિદ્યાર્થીના પિતા દ્વારા દાખલ કરવામાં આવી છે. એજન્સીના ડેપ્યુટી ડાયરેક્ટર અતૌર રહેમાને કહ્યું કે, અમે ફરિયાદ દાખલ કરી દીધી છે અને આ મામલે શેખ હસીનાની સામે તપાસ શરૂ કરી દેવાઈ છે. તપાસ રિપોર્ટ ચીફ પ્રોસિક્યુટરને રજૂ કરાશે, જે આધારે શેખ હસીનાની સામે આગામી કાર્યવાહી કરાશે.
યુનુસે હિન્દુઓની સુરક્ષાની ખાતરી આપી
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને તેમના દેશમાં હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતીની સલામતીની ખાતરી આપી હતી. શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન બાદ જવાબદારી સંભાળ્યા બાદ મોદી અને યુનુસ વચ્ચે આ પ્રથમ સીધી વાતચીત હતી.
મોદીએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, પ્રોફેસર મુહમ્મદ યુનુસે ફોનકોલ કર્યો હતો. હાલની સ્થિતિ પર મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું હતું અને બાંગ્લાદેશમાં હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સલામતી અને સુરક્ષાની ખાતરી આપી હતી. વડા પ્રધાન મોદીએ ગુરુવારે તેમના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

