બ્રિટિશ રાજમાં એક સમયે ભારતની રાજધાની રહી ચૂકેલા કોલકાતા શહેરની એક હોસ્પિટલમાં ટ્રેઇની મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ધૃણાસ્પદ ઘટનાએ સમગ્ર વિશ્વમાં ભારતની શિર શરમથી ઝૂકાવી દીધું છે. જે દેશમાં સ્ત્રીની એક શક્તિ તરીકે પૂજા થાય છે ત્યાં પુરુષોની આ પ્રકારની વિકૃતિ પણ માઝા મૂકી રહી છે. 2012માં દિલ્હીમાં નિર્ભયા કાંડ સર્જાયો તે સમયગાળામાં દેશમાં વર્ષે બળાત્કારના 25000થી વધુ કેસ નોંધાતા હતા. નિર્ભયા કાંડ બાદ સરકારે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં મોટા બદલાવ કર્યાં પરંતુ ત્યારબાદ પણ આ દુષણ અને જધન્ય અપરાધની માનસિકતા ઘટવાને સ્થાને વધી જ છે. નેશનલ ક્રાઇમ બ્યૂરોના આંકડા અનુસાર 2012 પછી દેશમાં દર વર્ષે નોંધાતા બળાત્કારના કેસની સંખ્યા પ્રતિ વર્ષ 30,000ને પાર કરી ગઇ હતી. 2016માં બળાત્કારના 39000 કેસ નોંધાયા તો 2018માં દેશમાં દર 15 મિનિટે એક મહિલા પર બળાત્કારનો કેસ નોંધાયો હતો. 2022માં 31,000 કરતાં વધુ બળાત્કારના કેસ ભારતમાં નોંધાયાં હતાં. આતો ફક્ત પોલીસના ચોપડે નોંધાયેલા કેસના આંકડા છે. ઘણી મહિલાઓ તેમના પર થયેલા અત્યાચાર માટે સમાજમાં આબરૂ જવાની બીકે કેસ નોંધાવવા આગળ આવતી નથી તેથી ભારતમાં આ વિકૃતિ કેટલી હદે પ્રસરી ગઇ છે તેની કલ્પના કરી શકાય તેમ નથી. સરકાર દ્વારા બળાત્કારીઓ માટે સજાની જોગવાઇ આકરી કરવામાં આવી છે. બળાત્કાર માટે લઘુત્તમ 10 વર્ષથી આજીવન કેદ અને સગીરા પર બળાત્કારના કિસ્સામાં ફાંસીની સજાની જોગવાઇ કરાઇ છે તેમ છતાં આ પ્રકારના જધન્ય અપરાધ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી શકી નથી. એવું પ્રતીત થઇ રહ્યું છે કે અપરાધીઓમાં કાયદાનો ભય જ રહ્યો નથી. તેના માટે આ પ્રકારના કેસોમાં અપરાધીને સજાનું ઓછું પ્રમાણ પણ જવાબદાર પરિબળ છે. ઘણા બળાત્કારીઓ એમ માનતા હોય છે કે તેઓ કાયદાના છીંડાનો ઉપયોગ કરીને બચી જશે. એનસીઆરબીના આંકડા અનુસાર બળાત્કારના કેસોમાં વર્ષ 2018થી 2022 વચ્ચેનો કન્વિક્શન રેટ ફક્ત 27 ટકા રહ્યો હતો. જેની સામે બ્રિટન જેવા દેશમાં બળાત્કારીનો કન્વિક્શન રેટ 63 ટકાની આસપાસ રહ્યો હતો. ભારતમાં હંમેશા એક સંસ્કારી સમાજનો દાવો કરાય છે પરંતુ તે કેટલો દંભી દાવો છે તે બળાત્કારના આંકડા સ્પષ્ટ કરે છે. અન્ય યુવતી કે મહિલાને પોતાની માતા કે બહેનની નજરે જોવાની ફક્ત વાતો જ થતી રહે છે. સેક્સ પ્રત્યેનો છોછ અને અજ્ઞાનતા પણ આ પ્રકારના દુષણને વકરાવવામાં મોટું પરિબળ પૂરવાર થઇ રહ્યાં છે. ભારતની શાળાઓમાં વિદ્યાર્થીઓને સેક્સ અંગે યોગ્ય શિક્ષણ અપાતું નથી. પરિવારમાં પણ બાળકોને આ પ્રકારના શિક્ષણ અને માહિતીથી દૂર રાખવામાં આવતાં હોય છે. સેક્સ એક નૈસર્ગિક પ્રક્રિયા છે. પુખ્ત વયની વ્યક્તિને કુદરતી રીતે તેની જરૂર પડે છે. પરંતુ અજ્ઞાનતાને કારણે પુરુષો તેમના આવેગોને નિયંત્રણમાં રાખવામાં નિષ્ફળ નીવડે છે અને બળાત્કાર જેવા જધન્ય અપરાધ આચરી બેસે છે. દેશમાં પોર્નનું દુષણ પણ માઝા મૂકી રહ્યું છે. પોર્ન પર નિયંત્રણમાં સરકારની નિષ્ફળતાના કારણે કુમળા માનસ પણ આ દિશામાં ભટકી રહ્યાં છે. સગીરો દ્વારા થતા બળાત્કારની સંખ્યા પણ ઓછી નથી. આપણે ભલે દીકરીઓને જાગૃત અને સશક્ત બનાવવાની હિમાયતો કરતાં હોઇએ પરંતુ ખરેખર તો બાળપણથી જ કિશોરોને યોગ્ય શિક્ષણ આપીને માહિતગાર અને સંયમી, સંસ્કારી બનાવવાની જરૂર છે.
