140 કરોડની વસતી ધરાવતો ભારત આજે વિશ્વમાં સૌથી યુવા દેશ મનાય છે. દેશની 60 ટકા કરતાં વધુ વસતી યુવાનોની છે તેમ છતાં ભારત ઘણા મોરચા પર હજુ ઘણો પછાત રહી ગયો છે. એ વાતમાં કોઇ શંકા નથી કે આજે ભારતીય અર્થતંત્ર વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મોટી ઇકોનોમી બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. 2023-24ના નાણાકીય વર્ષમાં ભારતે મોટી આર્થિક છલાંગ મારતાં વિશ્વમાં સૌથી વધુ જીડીપી ગ્રોથ રેટ હાંસલ કર્યો હતો. વૈશ્વિક અર્થતંત્રના આંચકા પચાવીને પણ છેલ્લા 3 વર્ષમાં ભારતીય અર્થતંત્ર સતત આગેકૂચ કરતું રહ્યું છે. 2024-25 અને 2025-26માં પણ ભારતનો ગ્રોથ રેટ 7 ટકાની આસપાસ રહેવાની સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે પરંતુ તેમના આ લક્ષ્યાંક આડે મોટા પડકારો પણ મોં ફાડીને ઊભા છે. વિશ્વ બેન્કના એક અંદાજ પ્રમાણે ભારતની માથાદીઠ આવક અમેરિકાની હાલની માથાદીઠ આવકના 25 ટકા સુધી પહોંચતા પણ હજુ 75 વર્ષ લાગી જશે. એવું નથી કે ભારત પાસે ક્ષમતા અને કુશળતાનો અભાવ છે. ભારતના યુવાધનની ક્ષમતા અને કુશળતાનો યોગ્ય અને પુરતો ઉપયોગ થઇ રહ્યો નથી. તેમને પુરતી તકો ઉપલબ્ધ થઇ રહી નથી. જો તેમને તેમની કુશળતાનો ઉપયોગ કરવાની પુરતી તકો હાંસલ થાય તો તેનાથી ભારતીય અર્થતંત્રની ગાડીને વધુ વેગ મળી શકે છે. જોકે તેના માટે પુરતા પ્રમાણમાં નોકરીઓ ઉપલબ્ધ થવી જોઇએ. ભારતમાં બેરોજગારી પણ એક મોટો પડકાર છે. વસતીના પ્રમાણમાં દેશને 2030માં 11 કરોડ 50 લાખ નોકરીઓની જરૂર પડશે. તેનો અર્થ એ થયો કે ભારતમાં દર વર્ષે 1 કરોડ 65 લાખ નવી નોકરીઓનું સર્જન કરવું પડશે. આ એક મહાકાય પડકાર છે. સરકાર આટલી મોટી સંખ્યામાં કુશળ નોકરીઓ ઉપલબ્ધ કરાવી શકે તેમ નથી તેથી પ્રાઇવેટ સેક્ટરનું પણ યોગદાન મહત્વનું બની રહે છે. ભારતમાં 29 ટકા સ્નાતકો બેરોજગારીનો સામનો કરી રહ્યાં છે. એવું નથી કે સરકાર દ્વારા કોઇ પ્રયાસ થઇ રહ્યાં નથી. મોદી સરકારે 2024-25ના બજેટમાં નોકરીઓના સર્જન માટે દેશની ટોચની 500 કંપનીઓમાં સ્નાતકોને એપ્રેન્ટિસશિપ સહિતના સંખ્યાબંધ પગલાંની જાહેરાત કરી છે. આ માટે સરકાર દ્વારા હજારો કરોડ રૂપિયાની યોજનાઓ પણ જાહેર કરાઇ છે. આ યોજનાઓ દેશમાં નવી નોકરીઓના સર્જનને વેગ આપી શકે છે. ભારતે તેના અર્થતંત્રને વધુ વાઇબ્રન્ટ બનાવવા માટે હાઇ સ્કીલ અને હાઇલી પેઇડ નોકરીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કારણ કે ભારતમાં દર વર્ષે હજારોની સંખ્યામાં ઇજનેરી, સાયન્સ, ટેકનોલોજી અને મેથ્સના સ્નાતકો બજારમાં આવી રહ્યાં છે. કુશળ નોકરીઓના અભાવમાં તેમને ઓછા પગારની ગમે તેવી નોકરીઓ કરવાની ફરજ પડી રહી છે. જો સરકારી અને પ્રાઇવેટ સેક્ટરમાં તેમને તેમની ક્ષમતા અને કૌશલ્ય પ્રમાણેની નોકરીઓ ઉપલબ્ધ થશે તો તેઓ દેશના વિકાસમાં મહામૂલુ યોગદાન આપતાં થઇ જશે. બીજો એક મોટો પડકાર શિક્ષણમાં સુધારાનો છે. ભારતની શૈક્ષણિક સંસ્થાઓમાં રિસર્ચ અને ઇનોવેશનની તકોનો મોટો અભાવ છે. જેના પગલે યુવા પ્રતિભાઓ વિદેશોમાં પલાયન કરી રહી છે. જો તેમને ઘરઆંગણે જ પોતાની ક્ષમતા અને કૌશલ્ય પૂરવાર કરતી સુવિધાઓ હાંસલ થશે તો તેઓ દેશ છોડીને જવાનો વિચાર પણ નહીં કરે. આ માટે સરકારે શૈક્ષણિક સંસ્થાઓમાં ધરમૂળથી બદલાવ કરવા પડશે. ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓની કોઇ અછત નથી. જરૂર છે તો ફક્ત એક પ્રમાણિક પ્રયાસની. સરકાર દ્વારા આ દિશાઓમાં પહેલા કરાશે તો ભારતને વિકસિત રાષ્ટ્ર કે વિશ્વ ગુરૂ બનતાં કોઇ અટકાવી શકશે નહીં.
