કેન્સરની વેક્સિન તૈયાર થવાની અણીએ: રાષ્ટ્રપતિ પુતિનનો મોટો દાવો

Tuesday 20th February 2024 06:36 EST
 
 

મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે, તેમના દેશના વૈજ્ઞાનિકો ટૂંક સમયમાં કેન્સરની રસી તૈયાર કરવા જઈ રહ્યા છે. પુતિને આ માહિતી મોસ્કો ફોરમ ઓન ફ્યુચર ટેક્નોલોજી કાર્યક્રમ દરમિયાન આપી હતી.
પુતિને દાવો કર્યો છે કે, કેન્સરની રસી ટૂંક સમયમાં દર્દીઓ માટે ઉપલબ્ધ થશે. જો કે પુતિને વેક્સિન ક્યારે ઉપલબ્ધ થશે અને તેઓ કયા પ્રકારના કેન્સરને અટકાવશે તે જાહેર કર્યું ન હતું. તેમણે આ રસી લોકોને કેવી રીતે પહોંચાડવામાં આવશે તે અંગે પણ કંઈ જણાવ્યું નથી.
કેન્સરની દવાની હ્યુમન ટ્રાયલ
સપ્ટેમ્બર 2023માં અમેરિકામાં AOH1996 નામની કેન્સરની દવાનું માનવીય પરીક્ષણ શરૂ થયું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ દવા શરીરના સ્વસ્થ કોષોને નુકસાન પહોંચાડ્યા વિના કેન્સરની ગાંઠોને સંપૂર્ણપણે ખતમ કરી શકે છે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, દવાનું નામ 1996માં જન્મેલી એના ઓલિવિયા હિલીથી પ્રેરિત છે. તેમને ન્યુરોબ્લાસ્ટોમા નામનું કેન્સર હતું, એનું 2005 માં અવસાન થયું જ્યારે તે 9 વર્ષની હતી. ન્યુરોબ્લાસ્ટોમા એ કેન્સર છે જે બાળકોમાં થાય છે. આ એડ્રેનલ ગ્રંથીઓનું કેન્સર છે, જે પેટ, છાતી અને ગરદનના હાડકાંમાં વિકસે છે. વૈજ્ઞાનિકે કહ્યું, અમે 9 વર્ષની એના ઓલિવિયા હિલીને શ્રદ્ધાંજલિ આપવા માટે નવી કેન્સરને મારનારી દવાનું નામ AOH1996 રાખ્યું છે.


comments powered by Disqus