ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ચૂંટણી પરિણામો જાહેર થયાના દિવસો બાદ આખરે સરકાર રચનાનું કોકડું ઉકેલાયું છે. સ્પષ્ટ બહુમતીના અભાવે સરકાર રચવા પીપીપી (પાકિસ્તાન પીપલ્સ પાર્ટી) અને પીએમએલ-એન (પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ)એ હાથ મિલાવ્યા છે.
પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો-ઝરદારીએ મંગળવારે મોડી રાત્રે આ સમજૂતીની જાહેરાત કરતા જણાવ્યું હતું કે પીએમએલ-એનના શાહબાજ શરીફ ફરી વખત વડાપ્રધાન પદ સંભાળશે. જ્યારે પીપીપીના સહ-અધ્યક્ષ આસીફ ઝરદારી પાકિસ્તાનના આગામી રાષ્ટ્રપતિ બનશે. બન્ને પક્ષના નેતાઓએ મંગળવારે રાત્રે સંયુક્ત પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી.
પાક.ના બલૂચિસ્તાનમાં ચૂંટણીને લઈને અશાંતિનો માહોલ છે. સ્થાનિક અને રાષ્ટ્રીય પક્ષોએ તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં અને ચૂંટણીનાં પરિણામોમાં ગેરરીતિનો આરોપ મૂકતાં બધા નેશનલ હાઇવે બંધ કરી દીધા હતા. બલૂચિસ્તાન નેશનલ પાર્ટી, નેશનલ પાર્ટી, પશ્તુનખ્વા મિલિલી અવામી પાર્ટી અને હઝરા ડેમોક્રેટિક પાર્ટીએ શનિવારે ક્વેટામાં અને બલૂચિસ્તાનના અન્ય હિસ્સામાં 8 ફેબ્રુઆરીનાં ચૂંટણી પરિણામો સામે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. પાકિસ્તાનનું ચૂંટણીપંચ બધા મતવિસ્તારમાં ચૂંટણીની ફેરગણતરી નહીં કરે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન જારી રહેશે.
પરિણામો બદલાવ્યાંઃ કમિશનર
રાવલપિંડીના કમિશનર લિયાકત અલી ચટ્ટાએ કહ્યું કે, તેમના પર દબાણ લાવીને પરિણામોમાં ગેરરીતિ કરાવાઈ હતી. નવાઝ લીગના હારેલા 13 ઉમેદવારોને વિજેતા જાહેર કરાયા હતા. અહીં ઇમરાન સમર્થિત અપક્ષ ઉમેદવાર જીતી રહ્યા હતા. ચટ્ટાએ શનિવારે રાજીનામું આપતાં કહ્યું હતું કે, હું વિચલિત હતો અને આપઘાત કરવા ઇચ્છતો હતો, પરંતુ પછી મેં લોકોને સત્ય જણાવવું જરૂરી છે તેવું વિચાર્યું.

