પુતિનની સત્તા પડકારનારા નવેલનીનું જેલમાં જ મૃત્યુ

Tuesday 20th February 2024 06:36 EST
 
 

મોસ્કોઃ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સરમુખત્યારશાહી સત્તાને પડકારનારા લોકશાહી સમર્થક એલેક્સી નવેલની શુક્રવારે રહસ્યમય સંજોગોમાં જેલમાં મૃત્યુ પામ્યા હતા. નવેલનીને ઝેર આપીને હત્યા કરવામાં આવી હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. નવેલની જાન્યુઆરી 2021થી સાઇબેરિયન જેલમાં 19 વર્ષની સજા ભોગવી રહ્યા હતા. પુતિન સરકારે તેમના પર ઉચાપત અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. નવેલનીએ પુતિનની પાર્ટી યુનાઇટેડ રશિયાને ઠગ અને ચોરોની પાર્ટી ગણાવી હતી. તેમણે ઘણા યુટ્યૂબ વીડિયો અને ઇન્ટરવ્યૂમાં પુતિન સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.
નવલનીના મૃત્યુ પાછળ પુતિન જ જવાબદાર?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સૌથી મોટા વિરોધી એલેક્સી નવલનીનું 16 ફેબ્રુઆરીએ જેલમાં જ મૃત્યુ થયું. તેમના આ અચાનક મોત પાછળ તેમને ઝેર અપાયાની આશંકા વહેતી થતાં સમગ્ર વિશ્વમાંથી પ્રતિક્રિયા આવી રહી છે.
નવલનીના આકસ્મિક મૃત્યુ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને પુતિનને જ જવાબદાર ઠેરવ્યા હતા. બીજી તરફ નવલનીને શ્રદ્ધાંજલિ આપવા ગયેલા 100થી વધુ લોકોની અટકાયત કરાઈ હતી.


comments powered by Disqus