યુએનમાં રુચિરા કંબોજે સુરક્ષા પરિષદના કાયમી સભ્યોને નિશાને લીધા

Tuesday 20th February 2024 06:36 EST
 
 

યુએનઃ સંયુક્ત રાષ્ટ્રમાં સુરક્ષા પરિષદ મુદ્દે ભારતે ફરીવાર પોતાનો પક્ષ જોરદાર રીતે મૂક્યો છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે કહ્યું છે કે, ભારત ઇચ્છે છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ધરખમ પરિવર્તન થાય. તે ઉપરાંત કાયમી અને અસ્થાયી બંને સભ્યોની સંખ્યાનો વિસ્તાર કરવામાં આવે. શનિવારે ન્યૂયોર્કમાં સુરક્ષા પરિષદમાં સુધારા મુદ્દે વાત કરતાં કંબોજે પોતાની માગ રજૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારત સહિત ઘણા દેશ સુરક્ષા પરિષદમાં સુધારાની માગ કરે છે, પરંતુ ચીન જેવા દેશો સુધારો થાય તેમ નથી ઇચ્છતા. હાલ સુરક્ષા પરિષદમાં અમેરિકા, ચીન, રશિયા, બ્રિટન અને ફ્રાન્સ એમ પાંચ કાયમી સભ્યો છે. આ દેશો ઘણીવાર વધારે દેશોની વાત હોય તો પણ તેને અવગણી નાખે છે, જે કારણે ભારતે આ પાંચેય દેશને ફટકાર લગાવી હતી.
કંબોજે કહ્યું હતું કે, આ પાંચ કાયમી સભ્ય દેશને કારણે અન્ય 188 દેશની સહમતી કે અસહમતીને પ્રાધાન્યતા નથી અપાતી. તેમણે કહ્યું હતું કે, સમાવેશી વિશ્વને ધ્યાનમાં રાખતા હવે સુધારા બહુ જરૂરી થઈ ગયા છે. માત્ર અસ્થાયી સભ્યોનો વિસ્તાર કરવાથી કોઈ સમાધાન નહીં આવે.
તમામ દેશોને સંયુક્ત રાષ્ટ્રમાં સમાન તક મળે તે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, ગ્લોબલ સાઉથના દેશો સાથે હજુ સુધી અન્યાય થતો રહ્યો છે. તેવામાં હવે એશિયન અને આફ્રિકન દેશોને સુરક્ષા પરિષદમાં સ્થાન આપવામાં આવે તે જરૂરી બની ગયું છે. જ્યાં સુધી નબળા દેશોને પણ પોતાની વાત રજૂ કરવા અને તેમના વિચારને મહત્ત્વ નહીં અપાય ત્યાં સુધી બધાના હિતમાં નિર્ણય નહીં થઈ શકે.


comments powered by Disqus