વધુ એક ક્રુર સરમુખત્યાર રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન

Tuesday 20th February 2024 08:18 EST
 

સરમુખત્યારો કેટલી હદે ક્રુર બની શકે છે તેનો 21મી સદીનો તાદ્દશ પુરાવો રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન છે. તાજેતરમાં પુતિનના કટ્ટર રાજકીય વિરોધી એવા એલેક્સી નવેલનીનું જેલમાં રહસ્યમય મોત થયું છે. પુતિન દ્વારા કરાવાયેલી આ કોઇ પહેલી રાજકીય હત્યા નથી. પરંતુ નવેલની પુતિનને રશિયામાં સૌથી મોટો રાજકીય પડકાર આપી શકે તેવા નેતા હતા. પ્રમુખ તરીકેના તેમના વર્તમાન કાર્યકાળમાં પુતિન એક પ્રમુખ નહીં પરતુ સરમુખત્યાર હોય તેવી રીતે ઉપસી આવ્યા છે. પુતિન તેમની સામે માથુ ઉંચકનારને ક્યારેય માફ કરતા નથી. એટલું જ નહીં ભવિષ્યમાં કોઇ આવી હરકત ન કરે તે માટે વિરોધીઓની હત્યા કરાવતા પણ ખચકાતા નથી. નવેલની પહેલાં પુતિનને યુક્રેન યુદ્ધમાં ભરપૂર સાથ આપનાર ખાનગી સેના વેગનર ગ્રુપના વડા યેવગેનીએ પુતિન વિરોધી વલણ અપનાવ્યું કે થોડા જ સમયમાં યેવગેનીનું એક પ્લેન ક્રેશમાં મોત થઇ ગયું હતું. પુતિનની ઇશારે જ યેવગેનીના વિમાનને ફૂંકી મારવામાં આવ્યું હોવાના આરોપ મૂકાયાં હતાં. રશિયાના યુક્રેન પરના આક્રમણનો વિરોધ કરનારા નેતાઓ અને બિઝનેસમેનને પણ પુતિને મોતની ચાદર ઓઢાડી દીધી છે. યુક્રેન પર આક્રમણનો વિરોધ કરનારા બિઝનેસમેન પાવેલ એન્ટોવનું ડિસેમ્બર 2022માં ભારતના ઓડિશાના રાયગઢની હોટલની બારીમાંથી પડી જવાના કારણે રહસ્યમય મોત થયું હતું. પુતિનથી બચવા માટે પાવેલ રશિયાથી ભારત આવી ગયા હતા પરંતુ રશિયાના એજન્ટોએ તેમનું કામ તમામ કરી નાખ્યું હતું. આ આખો કેસ અકસ્માતમાં ખપાવી દેવાયો હતો. રશિયાની ઓઇલ કંપનીના ચેરમેન રવીલ મગાનોવનું સપ્ટેમ્બર 2022માં મોસ્કોની એક હોસ્પિટલની બારીમાંથી પડી જવાના કારણે મોત થયું હતું. એમ કહેવામાં આવે છે કે યુક્રેન યુદ્ધના કારણે એકસમયના નિકટના સાથી પુતિન અને મગાનોવ વચ્ચે વિવાદ થયો હતો. ઓગસ્ટ 2022માં રશિયાના એક અગ્રણી બિઝનેસમેન ડેન રેપોપોર્ટની લાશ ઓગસ્ટ 2022માં અમેરિકાના વોશિંગ્ટન સ્થિત તેમના ફ્લેટમાંથી મળી આવી હતી. ડેને પણ યુક્રેન પરના આક્રમણનો વિરોધ કર્યો હતો. રશિયામાં નાયબ વડાપ્રધાન તરીકે ફરજ બજાવી ચૂકેલા બોરિસ નેમત્સોવ પુતિન વિરોધી અને પુતિનને બિઝનેસમેનોની કઠપૂતળી કહેતા હતા. 2015માં બોરિસ એક રેસ્ટોરન્ટમાં જઇ રહ્યા હતા ત્યારે ગોળી મારીને તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. આવા તો ઘણા નામ છે જે ક્યાં ગૂમ થઇ ગયા છે તેની કોઇને જાણકારી નથી. નવેલનીના મોત બાદ તેમને શ્રદ્ધાંજલિ આપવા આગળ આવનારા લોકોને પણ જેલમાં ધકેલી દેવાયાં છે. જે પૂરવાર કરે છે કે વિશ્વમાં હવે હિટલર, મુસોલિની, ઇદી અમીન, મુઅમ્મર ગદ્દાફી, સદ્દામ હુસેન, કિમ જોંગ ઉન જેવો નવો સરમુખત્યાર તૈયાર થઇ ગયો છે. દેશ કે વિદેશમાં તેની સામે માથુ ઉંચકનારની ખેર રહેતી નથી. પુતિનની સત્તાભૂખ રશિયામાં હજુ કેટલા વિરોધીઓનો ભોગ લેશે તે કહી શકાય તેમ નથી. પુતિનના રાજમાં અગ્રણીઓ તો ઠીક આમ જનતા પણ ચૂં કે ચાં કરી શકે તેવી સ્થિતિમાં નથી.


comments powered by Disqus