શું ખોખલી બ્રિટિશ સિસ્ટમ પાસે ન્યાયની આશા વ્યર્થ છે...?

Tuesday 20th February 2024 08:17 EST
 

શું બ્રિટિશ સિસ્ટમમાંથી નૈતિકતાના મૂલ્યો સાવ ધોવાઇ ગયાં છે? શું બ્રિટિશ સિસ્ટમમાં ન્યાયની આશા રાખવી બેકાર બની છે? સરકારો જ નથી ઇચ્છતી કે અન્યાય પીડિતોને ન્યાય મળે? પોસ્ટ ઓફિસના ચકચારી હોરાઇઝન સ્કેન્ડલમાં ખામીયુક્ત સોફ્ટવેરના કારણે સેંકડો સબ પોસ્ટમાસ્ટરો સાથે અન્યાય થયાનું હવે પૂરવાર થઇ ગયું છે છતાં તેમને ન્યાય અને વળતર આપવામાં જે રીતે ઠાગાઠૈયા થઇ રહ્યાં છે તે જોતાં તો એમ જ લાગી રહ્યું છે કે સત્તાધીશોને અન્યાયથી બેહાલ બનેલા પીડિતોની સુખાકારીની કોઇ પરવા નથી. તાજેતરમાં પોસ્ટ ઓફિસના પૂર્વ ચેરમેન હેન્રી સ્ટાઉન્ટને આરોપ મૂક્યો છે કે મને એક વરિષ્ઠ સરકારી અધિકારી દ્વારા સબ પોસ્ટમાસ્ટરોને ચૂકવાતા વળતરમાં વિલંબ કરવાની સૂચના અપાઇ હતી. જો સ્ટાઉન્ટનનો આ આરોપ સાચો હોય તો સરકારે ચુલ્લુ ભર પાણીમાં ડૂબી મરવું જોઇએ. એક સોફ્ટવેરની ખામીના કારણે સેંકડો સબ પોસ્ટમાસ્ટરો અને તેમના પરિવારો બરબાદ થઇ ગયાં અને હવે માંડ માંડ તેમને ન્યાય અને વળતરની આશા જાગી હતી ત્યાં આ પ્રકારનો આરોપ સરકારની કથિત મનશા ઉજાગર કરી રહ્યો છે. સ્ટાઉન્ટનના આરોપને બિઝનેસ સેક્રેટરી કેમી બેડનોકે જુઠ્ઠાણું ગણાવીને ફગાવી દીધાં છે. બેડનોક બચાવમાં એમ કહી રહ્યાં છે કે સ્ટાઉન્ટનને ચેરમેન પદેથી દૂર કરાયાં તેના કારણોનું ખોટું અર્થઘટન કરીને વાહિયાત આરોપ મૂકી રહ્યાં છે. ભીતરમાં શું પડ્યું છે તે તો આગામી સમય જણાવશે પરંતુ હાલ તો એવું પ્રતીત થઇ રહ્યું છે કે પીડિતોને વળતર ચૂકવવામાં પણ સરકાર કથિત ઠાગાઠૈયાં કરી રહી છે. આવો જ બીજો એક મામલો અંગ્રેજીની પરીક્ષામાં છેતરપિંડી કરવાના આરોપસર યુકેમાંથી હાંકી કઢાયેલા હજારો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સનો છે. ટેસ્ટ સેન્ટરો ખાતે વ્યાપક છેતરપિંડીના એક મીડિયા અહેવાલ બાદ 10 વર્ષ પહેલાં 35000 ઇન્ટરનેશનલ સ્ટુડન્ટના વિઝા રદ કરી દેવાયાં હતાં. આ વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમને ખોટી રીતે દોષી ઠેરવાયાં છે. એક દાયકો વીતી ગયાં છતાં આ વિદ્યાર્થીઓ પોતાને નિર્દોષ પૂરવાર કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. હવે તેમણે હોમ ઓફિસ સામે કાયદાકીય પ્રક્રિયા પણ શરૂ કરી છે. તેમનો આરોપ છે કે અમારી વિરુદ્ધના પુરાવા ખામીયુક્ત છે. અત્યાર સુધીમાં 3600 વિદ્યાર્થી હોમ ઓફિસ સામેની અપીલ જીતી ચૂક્યાં છે. આ બંને મામલા દર્શાવે છે કે બ્રિટિશ સિસ્ટમ ખોખલી બની ગઇ છે. પુરાવાની યોગ્ય ચકાસણી વિના જ નિર્દોષોને દંડવામાં આવી રહ્યાં છે. સિસ્ટમની ભૂલો સામે આવ્યા પછી પણ તેને સુધારવામાં સત્તાધીશોને કોઇ રસ હોય તેમ લાગતું નથી. પીડિત સબ પોસ્ટમાસ્ટરો અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને ક્યારે સંપુર્ણ ન્યાય મળશે તે ચર્ચાનો વિષય છે. સત્તાધીશો અને તેમના વિભાગોને પીડિતોને ન્યાય મળે તેમાં જરાપણ રસ નથી. તેમને તો ફક્ત ચૂંટણી જીતવામાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે.


comments powered by Disqus