શું બ્રિટિશ રાજ પરોપકારી હતું..?

કપિલ દુદકિયા Tuesday 20th February 2024 05:29 EST
 
 

મેં ઘણા લોકોને બ્રિટિશ સામ્રાજ્યને પરોપકારી તરીકે વર્ણવતા જોયાં છે. વિશેષ કરીને ભારતના સંદર્ભમાં બ્રિટિશ રાજ અંગે. વાચકોને કદાચ યાદ હશે કે નવેમ્બર 2021માં મેં ધ ટ્રુથ કમિશન શિર્ષક સાથેનો એક આર્ટિકલ લખ્યો હતો જેમાં મેં બ્રિટિશરો દ્વારા ભારત અને ભારતીયોને કરાયેલા નુકસાનનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મેં હીઝ મેજેસ્ટીને જૂન 2023માં લેટર ફોર ધ કિંગ ટાઇટલ સાથે એક ખુલ્લો પત્ર લખ્યો હતો જેમાં મેં ‘સત્ય, સમાધાન અને વળતર કમિશન’ના વિચારને રજૂ કર્યો હતો. પરંતુ અફસોસ એ વાતનો છે કે હર મેજેસ્ટી તેમના શાસનકાળમાં આપણા રાજવી તરીકે બ્રિટિશ ઇતિહાસમાં થયેલી ભૂલો સુધારવાના પગલાં આક્રમક રીતે લેવામાં નિષ્ફળ રહ્યાં હતાં. હું આશા રાખું છું કે, કદાચને હીઝ મેજેસ્ટી મારા પત્રને ફરીવાર વાંચશે અને પ્રશંસા કરશે કે ભવિષ્યમાં કોઇપણ સુધારા અને સમાધાનની વાસ્તવિકતા માટે પસાર થનારા દરેક દિવસનું અવમૂલ્યન કરાશે.
મારી દલીલ એ છે કે બ્રિટિશ રાજ પરોપકારથી તદ્દન વિરુદ્ધ દિશામાં હતું. આ કલ્પના, ઇતિહાસમાંથી સત્યને છૂપાવવા કોઇપણ કબજો જમાવનાર ઘાતકી બળના યોગદાનની કથા હવે જાણે કે બહાર આવી રહી છે. 21મી સદીમાં આધુનિક ટેકનોલોજીના આગમન અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સશક્ત બનેલા અગાઉ ગુલામીમાં રહી ચૂકેલા લોકોના વંશજો હવે ઇતિહાસમાં સુધારો કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છે.
શું તમે જાણો છો કે ભારતમાં બ્રિટિશ રાજ દરમિયાન લગભગ 24 મિલિયન ભારતીયો માત્ર દુષ્કાળને કારણે મૃત્યુ પામ્યા હતા? હા, 24 મિલિયન ભારતીયો ભૂખમરાથી મૃત્યુ પામ્યા હતા. તે સમયે ભારતમાં ચુનંદા બ્રિટિશરો તેમની સંપત્તિ અને સત્તાના જોરે વૈભવી જીવનશૈલીનો આનંદ માણતા હતા. 1860થી 1943 વચ્ચે ભારતમાં મુખ્યત્વે બ્રિટિશરોનું શાસન હતું. આ સમયગાળાને બ્રિટિશ રાજ કહેવાય છે. આ સમયગાળાની માહિતી અનુસાર ભારતમાં પડેલા ઓછામાં ઓછા 9 દુકાળમાં કરોડો લોકો માર્યા ગયાં હતાં.
એ વાતની પણ અહીં નોંધ લેવી રહી કે ભારતમાં બ્રિટિશ રાજના અંતિમ કાળમાં પણ ભૂખમરાના કારણે કરોડો લોકો માર્યા ગયાં હતાં. પરોપકારી બ્રિટિશ રાજ અથવા તો પરોપકારી ખ્રિસ્તી ભગવાન જેવા શબ્દો સ્વીકારવામાં મને હંમેશા મુશ્કેલી પડે છે. બ્રિટિશરોના કૃત્યો ફક્ત મોત અને ક્રુરતા જ લાવ્યાં હતાં તેથી આ પ્રકારના શબ્દોનો કોઇ અર્થ રહેતો નથી.
કોઇને પણ આશ્ચર્ય થશે કે યુકેમાં ઇતિહાસના કેટલાં પુસ્તક (અથવા તો ભારતમાં પણ) બ્રિટિશ રાજ દરમિયાન ભારતમાં શા માટે કરોડો લોકો માર્યા ગયાં તે અંગે વાત કરે છે. અહીં એ વાત યાદ રાખવાની જરૂર છે કે આ આંકડા ફક્ત ભૂખમરાના કારણે થયેલાં મોતના છે. બ્રિટિશ રાજ દરમિયાન કેટલાં ભારતીયોના મોત થયાં તેનો સાચો આંકડો જાણવા માટે મેં મેં ડાયલન સુલિવાન અને જેસન હિકલ દ્વારા હાથ ધરાયેલા સંશોધન “કેપિટાલિઝમ એન્ડ એક્સ્ટ્રીમ પોવર્ટીઃ એ ગ્લોબલ એનાલિસિસ ઓફ રિઅલ વેજીસ, હ્યુમન હાઇટ એન્ડ મોર્ટાલિટી સિન્સ ધ લોંગ સિક્સટિન્થ સેન્ચ્યુરી”નો અભ્યાસ કર્યો. આ રિસર્ચ વર્લ્ડ ડેવલપમેન્ટ જરનલમાં પ્રસિદ્ધ કરાયું હતું. તેમાં તેઓ જણાવે છે કે, જો આપણે ઇંગ્લેન્ડમાં 16 અને 17મી સદીના સરેરાશ મૃત્યુદર પર વધારાના મોતની વાત કરીએ તો 1880થી 1920 વચ્ચે ભારતમાં 165 મિલિયન વધારાના મોત થયાં હતાં. આ આંકડો નાઝી નરસંહાર સહિત બંને વિશ્વયુદ્ધમાં થયેલા મોતના આંકડા કરતાં પણ મોટો છે. આને અમુક સંદર્ભમાં જોઇએ તો આ માનવ ઇતિહાસની સૌથી મોટી નીતિ-પ્રેરિત મૃત્યુદર કટોકટી પૈકીની એક છે. તે સોવિયેત યુનિયન, માઓવાદી ચીન, ઉત્તર કોરિયા, પોલપોટના કંબોડિયા અને મેંગિસ્ટુના ઇથોપિયામાં પડેલા તમામ દુષ્કાળ દરમિયાન થયેલા મૃત્યુની સંયુક્ત સંખ્યા કરતાં વધુ છે.
પરોપકારી બ્રિટિશ રાજની ગમે તેટલી વાતો થતી હોય પરંતુ એકવાર બ્રિટિશ રાજાઓ અને રાણીઓના નામે કરાયેલા અત્યાચારોનું સત્ય ખંખોળવાનો પ્રયાસ કરશો તો ચોંકી જશો. અમે આજે ભારત તરીકે ઓળખાતા ઇન્ડિયના જીવંત વારસો હીઝ મેજેસ્ટી અને તેમની સરકાર દ્વારા માનવ ઇતિહાસના સૌથી ભયાનક સમયગાળાઓ પૈકીના એક અને તેમાં ગ્રેટ બ્રિટનની ભુમિકા પર રોયલ ટ્રુથ કમિશનનીરચના કરવામાં આવે તેવી માગ કરીએ છીએ.
હું આ મુદ્દો વારંવાર ઉઠાવવાનું બંધ કરીશ નહીં. એક દિવસ સત્ય બહાર આવશે અને મને આશા છે કે ન કેવળ ભારત પરંતુ સમગ્ર વિશ્વમાં જેમણે પણ આ પ્રકારના અત્યાચારો વેઠ્યાં છે તેવા દેશોને એક દિવસ ન્યાય મળશે.
શું બ્રિટિશ રાજ પરોપકારી હતું... આનો સાચો જવાબ આપવા હું તમને પડકાર આપું છું.


comments powered by Disqus