વિમાનમાં બોમ્બની ધમકીને આતંકવાદી કૃત્યમાં સામેલ કરો

Wednesday 23rd October 2024 06:19 EDT
 

ભારત દ્વારા આતંકવાદી જાહેર કરાયેલ અમેરિકા સ્થિત ખાલિસ્તાની અલગતાવાદી પન્નુએ ભારતીય વિમાની પ્રવાસીઓને એર ઇન્ડિયાના વિમાનોમાં નવેમ્બર મહિનામાં મુસાફરી નહીં કરવાની ચેતવણી આપી હતી. આ તો એક આતંકવાદી દ્વારા અપાયેલી ખુલ્લી ધમકી છે પરંતુ છેલ્લા કેટલાક સપ્તાહોથી ભારતીય એરલાઇન્સ કંપનીઓને સોશિયલ મીડિયા દ્વારા મળતી બોમ્બની ધમકીઓ માઝા મૂકી રહી છે. 20 ઓક્ટોબરના રવિવારે જ ભારતીય એરલાઇન્સ કંપનીઓના વિમાનોમાં બોમ્બ મૂકાયાની 24 ધમકી મળી હતી. ગયા સપ્તાહમાં આ પ્રકારની ધમકીઓની સંખ્યા 100 જેટલી થઇ હતી. જોકે મોટાભાગની ધમકીઓ પોકળ પૂરવાર થઇ હતી
આ પ્રકારની ધમકીઓ દ્વારા એરલાઇન્સ કંપનીઓ, સુરક્ષા એજન્સીઓને બાનમાં લેવાની પ્રવૃત્તિ આતંકવાદથી વિશેષ કશું નથી. ભારત સરકાર દ્વારા આ પ્રકારની ધમકીઓ આપનારાને નો ફ્લાય લિસ્ટમાં સામેલ કરવાની ચેતવણી અપાઇ છે પરંતુ તેની કોઇ અસર દેખાઇ રહી નથી. વિમાનમાં બોમ્બની એક માત્ર બનાવટી ધમકી સેંકડો મુસાફરોનો પ્રવાસ ખોરવી નાખે છે. સુરક્ષા એજન્સીઓ આ પ્રકારની ધમકીઓને હળવાશથી લેતી નથી તેથી જો વિમાન હવામાં હોય તો તેનું નજીકના સ્થળે ઇમર્જન્સી લેન્ડિંગ કરાવાય છે. ત્યારબાદની તલાશી અને ચકાસણીની પ્રક્રિયા ઘણી લાંબી અને જટિલ હોવાના કારણે પ્રવાસીઓને વિના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સુરક્ષા એજન્સીઓને તાબડતોબ બોમ્બ શોધી કાઢવા વિમાનથી માંડીને પ્રવાસીઓના સામાનની તલાશી લેવી પડે છે. તેના માટે મોટી સંખ્યામાં કર્મચારીઓને કામ લગાડવા પડે છે જેના કારણે સેંકડો માનવ કલાકો વેડફાઇ જાય છે અને તેનો સીધો બોજો સરકારી તિજોરી પર પડે છે. ભારત સરકારે આ પ્રકારે બનાવટી ધમકીઓ આપીને સમગ્ર તંત્રને દોડાવતા અને પ્રવાસીઓને પરેશાન કરનારા તત્વો સામે કડક હાથે કામ લેવું જોઇએ. બોમ્બ મૂકીને જાનહાનિ અને નુકસાનની ધમકી એક આતંકવાદી કૃત્યથી વિશેષ કશું નથી. તેમની સામે આતંકવાદ અને દેશદ્રોહની ધારાઓ અંતર્ગત કાનૂની કાર્યવાહી કરીને સમાજમાં ઉદાહરણરૂપ બને તેવી સજા આપવી જોઇએ. આ પ્રકારના કૃત્ય માટે આકરી સજાની જોગવાઇ નહીં કરાય ત્યાં સુધી આ તોફાની, ટીખળખોર અને અસામાજિક તત્વોને જેર કરી શકાશે નહીં.


comments powered by Disqus