ગુજરાત દિનની ઉજવણી કરીએ ત્યારે ગણનાપાત્ર ગુજરાતી ડાયસ્પોરાને ધ્યાનમાં લેવાય તે મહત્ત્વપૂ્ર્ણ છે. યુનાઈટેડ કિંગ્ડમ ત્રીજા ક્રમની ગુજરાતી વસ્તીનું વતન છે જ્યાં આશરે 800,000 ગુજરાતીઓ વસે છે. યુકેમાં ભારતની કુલ 1.5 મિલિયનની વસ્તીનો આ અડધાથી પણ હિસ્સો છે. બ્રિટનમાં ગુજરાતીઓને સમૃદ્ધ મધ્યમવર્ગીય વ્યક્તિઓ તરીકે ગણવામાં આવે છે જેઓ અસરકારક રીતે સમાજમાં હળીભળી ગયા છે. તેઓને વિશેષતઃ કોર્નર શોપ્સ સેક્ટરમાં ક્રાંતિ લાવવા અને બ્રિટિશ અર્થતંત્રને ઉત્તેજન આપવા તેમજ દેશના રીટેઈલ કાયદાઓમાં નોંધપાત્ર પરિવર્તન તરફ દોરી જવા માટે બિરદાવાય છે.
ગુજરાતી કોમ્યુનિટીનું યુકેમાં સ્થળાંતર-માઈગ્રેશન 1956માં શરૂ થયું હતું જેનો આરંભ વિદ્યાર્થીઓ થકી થયો હતો અને પાછળથી આર્થિક માઈગ્રન્ટ્સ જોડાયા હતા. ગુજરાતીઓનો ઈસ્ટ આફ્રિકાથી પ્રવાહ 1968માં શરૂ થયો હતો જેના પરિણામે, રેસિઝમ-રંગભેદ સહિત અનેક નોંધપાત્ર પડકારો સર્જાયા હતા જેથી હાઉસિંગ અને રોજગાર મેળવવાનું મુશ્કેલ બન્યું હતું. આ પછી, 1972માં યુગાન્ડાથી એશિયનોના આગમન સાથે આ પરિસ્થિતિ વધુ વણસી હતી અને રંગભેદી તણાવો વધવાની સાથોસાથ હાઉસિંગ કટોકટી પણ ઘેરી બની હતી. આ તમામ અવરોધો છતાં, ગુજરાતીઓએ તેમના સંતાનોના શિક્ષણ પર મજબૂત ભાર મૂક્યો હતો તેમજ તેમના પરિવારોને સપોર્ટ કરવા અથાક કામ કરી કોર્નર શોપ્સમાં નોકરીઓ પણ કરવા લાગ્યા હતા. કોમ્યુનિટીની ચિંતા, સમસ્યાઓનું નિરાકરણ લાવવા સંગઠિત પ્રેશર ગ્રૂપ ઉભું કરવાના બદલે ગુજરાતીઓએ ઘણી વાર અલગ અલગ જ્ઞાતિ આધારિત સંસ્થાઓ શરૂ કરી હતી. પોતાની કોમ્યુનિટીની અંદર થતાં ભેદભાવો ધ્યાને આવતા દૂરદર્શી વડીલોએ એકતા જાળવવા 1986માં નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકેની સ્થાપના કરી હતી. આ સંસ્થા પાછળથી નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO(UK)) તરીકે બહાર આવી હતી
ઈતિહાસ, સિદ્ધિઓ અને યુકેમાં ગુજરાતી સમુદાયને સપોર્ટ કરવામાં ભૂમિકા
સીબી પટેલના માર્ગદર્શન અને તેમના ન્યૂઝવિક્લીઝ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના મજબૂત સમર્થન સાથે NCGO(UK) દ્વારા લંડન અને અમદાવાદ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ્સ માટે સફળતાપૂર્વક અભિયાન ચલાવાયું હતું. ગુજરાતીઓના અધિકારોનું પ્રતિનિધિત્વ કરવા સમર્પિત સંસ્થા તરીકે NCGO(UK) યુકેની તમામ રાજકીય પક્ષો સાથે તંદુરસ્ત સંપર્કો રાખે છે. ઐતિહાસિક રીતે ગુજરાતી કોમ્યુનિટી માટે તેમના પ્રસ્તાવોની ચર્ચા કરવા મુખ્ય ત્રણ પાર્ટીઓના ઉમેદવારો સાથે સેન્ટ્રલ લંડનમાં મીટિંગ્સ પણ યોજવામાં આવી હતી. સંસ્થા દ્વારા પ્રીતિ પટેલની હોમ સેક્રેટરી તરીકેની મુદત દરમિયાન પાર્લામેન્ટ હાઉસમાં ગુજરાત દિનનું આયોજન કરવામાં આવ્યું હતું અને યુકેના વિવિધ લોર્ડ્સ અને સાંસદો સમક્ષ ગુજરાતી કોમ્યુનિટીના હિતોની રજૂઆતો કરી હતી.
આ ઉપરાંત, NCGO(UK) યુકેસ્થિત ગુજરાતીઓના કલ્યાણની હિમાયત કરવા ગુજરાત રાજ્ય અને દિલ્હીના રાજકીય પ્રતિનિધિઓ સાથે પણ મજબૂત સંપર્કો રાખે છે. સંસ્થા સમગ્રતયા ગુજરાતી કોમ્યુનિટીના તમામ વર્ગોની સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, ભાષાકીય અને આર્થિક જરૂરિયાતોની ઓળખ અને વિશ્લેષણ બાબતે પણ કાર્યરત રહે છે તેમજ આ જરૂરિયાતોને પહોંચી વળવા વિવિધ પ્રોજેક્ટ્સ અને નિરાકરણોને પ્રોત્સાહન આપે છે. જે વિસ્તારોમાં સ્થાનિક ગુજરાતી સંસ્થાઓની હાજરી ન હોય ત્યાં તેની સ્થાપના કરવાને પ્રોત્સાહન અને મદદ કરવાનું ધ્યેય પણ NCGO(UK) ધરાવે છે.
NCGO(UK) સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સરકારી સંસ્થાઓ સમક્ષ ગુજરાતી સમુદાયના હિતોની રજૂઆતો કરે છે અને મહત્ત્વના મુદ્દાઓ સંબંધે સેમીનારો પણ યોજે છે. તે યુકેસ્થિત ગુજરાતી કોમ્યુનિટીના અધિકારોને સપોર્ટ કરવા, ભારતીય વિઝા તેમજ ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઈન્ડિયા (OCI) મેળવવા જેવી વિવિધ બાબતોની હિમાયત કરવા સહિત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યુકેની ગુજરાતી કોમ્યુનિટીને સશક્ત બનાવવા અને મહત્ત્વના મુદ્દાઓ પર તેનો અવાજ સાંભળવામાં આવે તેવા હેતુસર સભ્ય સંસ્થાઓ માટે હાઉસિંગ અને ગ્રાન્ટ્સ મેળવવા મદદ માટે યુકેના સ્થાનિક સત્તાવાળાઓ સાથે ગાઢ સહકાર જાળવે છે.
ગુજરાત દિનની ઉજવણી દરમિયાન, NCGO(UK) દ્વારા તેના પેટ્રન સીબી પટેલ અને એક્ઝિક્યુટિવ કમિટીની સાથે પરસોત્તમભાઈ રૂપાલાનું સ્વાગત કરાયું હતું તેમજ ભારતના વર્તમાન વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત સમયે વેમ્બલી સભા માટે આમંત્રણ પણ મળ્યું હતું. સંસ્થાએ યુકેની મુલાકાતે આવેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ગુજરાત અને દિલ્હીના અન્ય મહાનુભાવોની યજમાની પણ કરી હતી. આ ઉપરાંત, સંસ્થાએ ઈન્દોરમાં આયોજિત પ્રવાસી ભારતીય દિવસ -2023 સંદર્ભે ભારતીય હાઈ કમિશન સાથે સહકાર સાધ્યો હતો. આ ઈવેન્ટમાં સીબી પટેલને પ્રવાસી ભારતીય સમ્માન એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
સાંસ્કૃતિક જાળવણી અને કોમ્યુનિટી સંપર્કોની હિમાયત
NCGO (UK)ને ગુજરાતી સંસ્કૃતિ, ભાષા, પરંપરાઓને આગળ વધારવા અને જાળવણી કરવામાં અવિરત સમર્થન પ્રાપ્ત થયું છે. આ મદદની સાથે ગણનાપાત્ર સીમાચિહ્નો સિદ્ધ કરાઈ શક્યા છે અને ગુજરાતી સમુદાય પર નોંધપાત્ર અસર પણ સર્જાઈ છે. ભવિષ્ય તરફ નજર કરતા NCGO(UK) વિકાસને ધ્યાનમાં રાખી અનેક નવતર પહેલો દાખલ કરતા અને તેના સભ્યો માટે વિશિષ્ટ મૂલ્યસર્જન કરવા બાબતે રોમાંચ અનુભવે છે. સંસ્થા સભ્યપદના અનુભવને ઉચ્ચસ્તરીય બનાવવા સમર્પિત છે અને આગામી મહિનાઓમાં તેને વધુ લાભકારી બનાવવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત, સંપૂર્ણ ભવ્યતા અને ગૌરવ સાથે સંસ્કૃતિની જાળવણી અને આગળ વધારવાના લક્ષ્ય સાથે ઉત્સવો અને ભાષાકીય કાર્યક્રમો મારફત સમૃદ્ધ ગુજરાતી વારસાની ઉજવણી અર્થે સંખ્યાબંધ સાંસ્કૃતિક ઈવેન્ટ્સનું ઉત્સાહી આયોજન કરવામાં આવ્યું છે.
બ્રિટિશ ગુજરાતી- એપીપીજી (ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ -APPG)ની રચના સંદર્ભે ગંભીર ચિંતા ઉભી થઈ છે. NCGO (UK) કોમ્યુનિટી સાથે યોગ્ય પરામર્શ વિના રચાયેલા સંસદીય જૂથનો મક્કમપણે વિરોધ કરે છે. સાચી ગુજરાતી સંસ્થાઓને યોગ્ય માન્યતા પ્રાપ્ત થાય અને પ્રતિનિધિત્વ સાંપડે તેની ચોકસાઈ અર્થે આ સંસ્થા સક્રિયપણે તેનો વિરોધ નોંધાવતી રહેશે. ઓળખ ઉભી કરવામાં ગુજરાતી ભાષા મૂળભૂત હોવાં તરીકે નિહાળતી સંસ્થા ભાષાની જાળવણી પ્રત્યે પણ કટિબદ્ધ છે અને ભવિષ્યની પેઢીઓ તેના મૂળિયાં સાથે જોડાયેલી રહે તેની ચોકસાઈ અર્થે ગુજરાતી ભાષાના ક્લાસીસ માટે સ્રોતો પૂરા પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ફીડબેક અપાય તે હંમેશાં આવકાર્ય છે અને સભ્યોને કોઈ પણ સલાહસૂચનો કે ચિંતા સંદર્ભે પ્રેસિડેન્ટ વિમલજી ઓડેદરાનો 07718 539 114 પર અથવા સેક્રેટરી જનરલ સંજયભાઈ ઓડેદરાનો 07956 332 916 પર સંપર્ક સાધવા પ્રોત્સાહિત કરીએ છીએ. NCGO(UK) સાથે મળીને પડકારો પર વિજય મેળવવા અને મજબૂત, એકસૂત્રે બંધાયેલી ગુજરાતી કોમ્યુનિટીના નિર્માણ માટે પ્રતિબદ્ધ રહે છે.
કોમ્યુનિટી કેવી રીતે મદદ કરી શકે?
કોમ્યુનિટીની સહભાગિતાની વાત આવે ત્યારે NCGO(UK) તેની અસરકારકતા અને અસરને વધારવા સક્રિય સાથ ઈચ્છે છે તેમજ કોમ્યુનિટીનો અવાજ એક કરવામાં અને મજબૂત બનાવવામાં મદદ કરવા નહિ સંકળાયેલા સંગઠનોને પણ સંસ્થા સાથે જોડાઈ જવા ઉત્તેજન આપે છે. આ સંસ્થાઓ તેમના સભ્યોની ચિંતા-સમસ્યાઓને ને પહોંચાડી તેમના સભ્યોમાં મેસેજીસ ફેલાવી મદદ કરી શકે છે. આ ઉપરાંત, બિઝનેસ કોમ્યુનિટીને પણ પ્રત્યક્ષ નાણાકીય યોગદાનો મારફત અથવા તેના ઈવેન્ટ્સને સ્પોન્સર કરીને સપોર્ટ કરવા તેમજ ઈવેન્ટ્સને પ્રમોટ કરવા અને સક્રિય ભાગીદારી કરવા આમંત્રિત કરીએ છીએ. આ ઉપરાંત, સંસ્થાઓને જે વ્યક્તિઓ NCGO(UK)ના મિશનને યોગદાન આપવાની ઈચ્છા અને સક્ષમતા ધરાવતા હોય તેમના નોમિનેશન્સ AGMમાં રજૂ કરવા વિનંતી કરવામાં આવે છે. NCGO(UK) સ્વતંત્રપણે મુદ્દાઓ ઉઠાવી શકે છે છતાં, વધુ નોંધપાત્ર ભૂમિકા ભજવી શકાય તે માટે વધુ સપોર્ટ ક્ષમતા વધારે છે.
NCGO(UK)ને આંતરિક પ્રતિભા, સક્ષમતા અને નાણાકીય સત્તા -તાકાતથી મજબૂત બનાવાય તે ગુજરાતી કોમ્યુનિટીના ભવિષ્ય અને ખાસ કરીને યુવાનો માટે તકના સર્જન અને રક્ષણ કરવા માટે ખાસ જરૂરી છે. આથી જ, NCGO(UK) તમામ ગુજરાતી સંસ્થા-સંગઠનોને તેની સાથે જોડાઈ જવા તેમજ કોમ્યુનિટીના ભવિષ્યને સલામત અને ઉજ્જવળ બનાવી રાખવાના તમામ ઈનિશિયેટિવ્ઝમાં સક્રિય ભાગીદારી કરવા અનુરોધ કરે છે.
ગુજરાતી કોમ્યુનિટીના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણના પ્રયાસોમાં સામેલ થવા NCGO(UK) સહુ કોઈને આમંત્રિત કરે છે. સંસ્થા માને છે કે સક્રિય ભાગીદારી અને અવિરત સાથ-સહકાર થકી મહાન ઊંચાઈઓ સિદ્ધ કરી શકાશે. સભ્યોને આગામી ઈવેન્ટ્સમાં સામેલ થવા, વિચારોની આપ-લે કરવા અને કોમ્યુનિટીના ભલા માટે યોગદાન આપવા પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી વ્યક્તિગત સભ્યોને અને સમગ્રતયા કોમ્યુનિટીને લાભ પ્રાપ્ત થશે.

