22 જાન્યુઆરી 2024, ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કોતરાઇ ગયો છે. ઇ.સ. 1524માં મોગલ શહેનશાહ બાબરના સેનાપતિ મીર બાકી દ્વારા અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બાબરી મસ્જિદનું નિર્માણ કરાયું ત્યારથી હિન્દુ સમુદાયમાં એક જ પ્રતીક્ષા હતી કે ક્યારે રામ જન્મભૂમિ પર રામમંદિરનું નિર્માણ થશે. પેઢીઓની પેઢીઓની પાંચ સદીની પ્રતીક્ષાનો અંત આવી ગયો છે અને હવે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભવ્ય રામમંદિર આકાર લઇ ચૂક્યું છે. 22 જાન્યુઆરી 2024ના સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ધાર્મિક આગેવાનો દ્વારા અયોધ્યાના રામમંદિરમાં રામ લલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે જ સમગ્ર ભારત દેશ રામમય બની ગયો હતો. ન કેવળ હિન્દુ સમુદાયે પરંતુ મુસ્લિમ સહિતના અન્ય ધર્મી સમુદાયોએ પણ અયોધ્યામાં શ્રીરામના આગમનને મોકળા મને વધાવી લીધું હતું. 1992માં બાબરી મસ્જિદના વિધ્વંસ બાદ હિન્દુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે વ્યાપક બનેલું ઝેર અયોધ્યામાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સમુદ્રમંથનમાંથી નીકળેલા અમૃત સમાન બની ગયું હતું. હિન્દુ સમુદાયની સાથે મુસ્લિમોએ પણ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અને રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાને વધાવી લીધાં હતાં.
મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા કરાવાયેલા એક સરવેમાં દાવો કરાયો હતો કે દેશના બહુમતી મુસ્લિમો માને છે કે ભગવાન રામ બધા માટે પૂજનીય છે. 74 ટકા મુસ્લિમોએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણથી તેઓ ખુશ છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પર્વ ચાલી રહ્યો હતો ત્યારે ઉત્તર પ્રદેશના રામગઢ ક્ષેત્રમાં ઉર્દુનગરની રહેવાસી ફરજાનાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. ફરજાનાના પરિવારે પુત્રનું નામ રામ-રહીમ રાખ્યું છે. પરિવારનું કહેવું છે કે આ નામમાં મર્યાદા પુરુષોત્તમ રામનું નામ છે જે હિન્દુ અને મુસ્લિમ ભાઇચારાનું પ્રતીક છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં યોગદાન આપતાં કાશ્મીરના મુસ્લિમો દ્વારા બે કિલોગ્રામ શુદ્ધ કેસર અર્પણ કરાયું છે. કાશ્મીરના મુસ્લિમોએ જણાવ્યું હતું કે, ભલે આપણે અલગ અલગ ધર્મનું અનુસરણ કરતાં હોઇએ પરંતુ આપણા વડવાઓ એક જ છે. ભગવાન રામ પણ આપણા પૌરાણિક વડવા છે. પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરના શારદા પીઠ કુંડમાંથી પવિત્ર પાણી એકઠું કરીને એક મુસ્લિમ બિરાદરે વાય બ્રિટન થઇને ભારત મોકલી આપ્યું હતું જેથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં તેનો ઉપયોગ થઇ શકે. આ પવિત્ર પાણી પીઓકેના તનવીર એહમદ અને તેમના મુસ્લિમ સાથીઓ દ્વારા મોકલી અપાયું હતું.
મુસ્લિમોએ ફક્ત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જ નહીં પરંતુ અયોધ્યામાં કારસેવામાં પણ યોગદાન આપ્યું હતું. રાજસ્થાનના જયપુરના ગુલ મોહમ્મદ મનસૂરી અને તેમના સાથી મુસ્લિમ કારસેવકો કારસેવા માટે 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યા પહોંચ્યા હતા. મનસૂરી આશા વ્યક્ત કરતાં કહે છે કે રામ જન્મભૂમિ વિવાદનો હવે કાયમ માટે અંત આવી ગયો છે. હવે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે અનંત શાંતિ સ્થપાશે. જોકે, પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ ન મળવાના કારણે મનસૂરી દુઃખી થયા છે. ઉત્તર પ્રદેશના મિરઝાપુરના મોહમ્મદ હબીબ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાથી ગદગદ થઇ ગયાં છે. મોહમ્મદ હબીબ અને તેમના કેટલાક મુસ્લિમ સાથીઓ 2 ડિસેમ્બર 1992થી પાંચ દિવસ માટે અયોધ્યામાં કારસેવામાં જોડાયા હતા. હબીબ કહે છે કે 22 જાન્યુઆરી દરેક ભારતીય માટે ઐતિહાસિક દિવસ છે. આકરી તપસ્યા બાદ આ દિવસ જોવા મળ્યો છે. હું શ્રીરામને મારા પૂર્વજ માનુ છું. વારાણસીમાં મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનના નાઝનીન અન્સારી અને તેમની સાથી મહિલાઓ દ્વારા અયોધ્યાથી રામ જ્યોતિ લાવી વારાણસીમાં મુસ્લિમ પરિવારોને વિતરિત કરાઇ હતી. તેમણે કાશીમાં સંકટ મોચન મંદિર ખાતે હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા હતા. રામ જન્મભૂમિ વિવાદ કેસમાં મુસ્લિમ પક્ષકાર રહેલા અયોધ્યાના ઇકબાલ અન્સારીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા આમંત્રણ અપાયું હતું. તેઓ કહે છે કે અયોધ્યા હંમેશા ગંગા-જમુની તહેઝીબનું પ્રતીક રહ્યું છે.
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કોમી ભાઇચારાનું પર્વ બની રહી છે એ વાતમાં કોઇ શંકા નથી. ભારતમાં કોમી ભાઇચારાના નવા યુગનો પ્રારંભ થઇ રહ્યો છે. સદીઓ જૂનો વિવાદ હવે જમીનમાં દફન થઇ ચૂક્યો છે. ભારત હવે વિકાસના નવા યુગમાં પદાર્પણ કરી રહ્યો છે ત્યારે કોમી ભાઇચારો મહત્વનું યોગદાન આપશે.
