નવી દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણીનો ઉમંગ-ઉલ્લાસ ભારત પૂરતો મર્યાદિત ન રહેતાં સમગ્ર વિશ્વમાં ફરી વળ્યો હતો. ભારતવંશીઓની બહોળી વસ્તી ધરાવતા સેશેલ્સ, મોરેશિયસ, સૂરીનામ જેવા દેશોની ગલી-ગલીમાં રામનામ ગૂંજી ઉઠ્યું હતું અને હિન્દુ ધર્મના લોકોને કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. દુનિયાના મોટા ભાગના શહેરોમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ભાગરૂપે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
• નેપાળઃ ભગવાન શ્રી રામનું સાસરું ગણાતા જનકપુરમાં પણ ભારે ઉત્સાહનો માહોલ હતો. દેવી સીતાના વતનમાં પણ શ્રેણીબદ્ધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જનકપુર ધામમાં જાનકી મંદિરને ફૂલો-માળાઓથી શણગારવામાં આવ્યું હતું. શહેરમાં અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક અધિકારીઓના કહેવા પ્રમાણે જનકપુરના ઘરો અને રસ્તાઓને રંગીન રોશની, ઝંડા, બેનરો અને માળાઓથી શણગારવામાં આવ્યું હતું.
• શ્રીલંકાઃ અશોક વાટિકા સહિત રામાયણ સાથે જોડાયેલાં આ દેશના પૌરાણિક સ્થળો પર પણ ભવ્ય ઉજવણી કરાઇ છે. શ્રીલંકામાં લોકો છેલ્લા એક સપ્તાહથી મંદિરોમાં એકત્રિત થઈને પૂજા-પ્રાર્થના કરી રહ્યા હતા. સોમવારે શ્રીલંકાના મધ્યમાં સ્થિત નુવારા એલિયામાં સીતા અમ્મન મંદિર, ચિલાવમાં મુખ્તેશ્વરમ મંદિર, મનાવરી મંદિર અને કોલંબોમાં અંજનેયાર મંદિરોમાં ભવ્ય સજાવટ કરવામાં આવી છે. સીતા અમ્મન મંદિર એ સ્થળ પર છે જ્યાં સીતાજીને રાવણે બાનમાં પકડીને રાખ્યાં હતાં. દિવુરુમ્પોલામાં સીતાજીએ પોતાની પવિત્રતા સાબિત કરવા માટે અગ્નિપરીક્ષા આપી હતી. રાવણને પરાજિત કર્યા બાદ મુખ્તેશ્વરમમાં ભગવાન શિવની પ્રાર્થના કરી હતી. અહીં શિવમંદિરમાં પણ વિશેષ આયોજન કરાયા છે. રાવણ બ્રાહ્મણ હતો. બ્રાહ્મણને મારવો એ હિન્દુ ધર્મમાં પાપ માનવામાં આવે છે. જેથી ભગવાન શિવે રામને સલાહ આપી કે આનો એકમાત્ર ઉપાય પાંચ લિંગને સ્થાપિત કરવાનો છે. મનાવરી મંદિર એ સ્થળ છે જ્યાં ભગવાન રામે પાંચ લિંગો પૈકી એકની સ્થાપના કરી હતી. આ તમામ સ્થળોની સાથે જ અન્ય સ્થાનોનાં મંદિરો પર પણ ઉત્સવ મનાવવામાં આવે છે.
• બ્રિટનઃ દેશભરના મંદિરોમાં પણ ઉત્સવનો માહોલ હતો. આ દેશમાં 250થી વધુ હિંદુ મંદિરો છે. બ્રિટનમાં કારરેલી કાઢવામાં આવી અને ભારતીય સમુદાયના લોકોએ ધાર્મિક સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. લંડનના સાઉથ હોલમાં પ્રસિદ્ધ રામમંદિર સહિત સમગ્ર બ્રિટનના મંદિરોમાં ભારતીય મૂળના લોકો ઉમટી પડ્યા હતા. આ અવસર નિમિતે લંગરનું આયોજન, તેમજ રામધૂનના ગાન પછી લાડુનો પ્રસાદ વહેંચ્યો હતો. (બ્રિટનમાં ઉજવણીનો વિગતવાર અહેવાલ વાંચો - પાન 19)
• અમેરિકાઃ ન્યૂ યોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં ભારતીય મૂળના લોકોએ ભગવાન રામની મોટી ઈમેજને રોશન કરી હતી. ઓવરસીઝ ફેન્ડસ ઓફ રામમંદિરના સભ્યોએ ટાઈમ્સ સ્ક્વેર ખાતે લાડુ વહેંચ્યા હતા. વોશિંગ્ટન, લોસ એન્જલસ, ઈલિનોઈસ, ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી અને જ્યોર્જિયા સહિતના રાજયોમાં ભારતમાં સમારંભ શરૂ થયો તે પ્રસંગે જ કાર્યક્રમો યોજાયા હતા. એરિઝોના, મિસૌરી જેવા રાજ્યોમાં પણ ઉત્સવોનું આયોજન થયું હતું. કેલિફોર્નિયામાં 1100થી વધુ લોકોએ રામમંદિરના ચિત્ર ધરાવતા ભગવા ધ્વજ સાથે વિશાળ કાર રેલીનું આયોજન કર્યું હતું. આ વિસ્તારના સ્વયંસેવી સંગઠનોએ તેનું આયોજન કર્યું હતું. રેલીએ 100 માઇલનું અંતર કાપ્યું હતું. વર્જિનિયામાં પણ પ્રાણ પ્રતિષ્ઠાના અવસર નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ આયોજનમાં શીખ, મુસ્લિમો અને પાકિસ્તાની-અમેરિકન સમુદાયના લોકો પણ સહભાગી થયા હતા. લોસ એન્જલસમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી માટે મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો એકત્ર થયા હતા.
• કેનેડાઃ કેનેડાના ઓન્ટોરિયોના ઓકવિલે અને બ્રેમ્પટન ખાતે સોમવારે અયોધ્યા રામમંદિર દિવસની ઉજવણી થઈ હતી. મેયર પેટ્રિક બ્રાઉન અને રોબ બર્ટને પણ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. બંને મેયરે કહ્યું કે આ ઐતિહાસિક પ્રસંગ છે.
• ત્રિનિદાદ એન્ડ ટોબેગોઃ રામજન્મ ભૂમિ સ્થાપના સમિતિના સભ્યોએ વિદેશી મિત્રો સાથે મળીને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી. ઓવરસીઝ ફ્રેન્ડ ઓફ રામ મંદિર અને ઇન્ડિયન ડાયસ્પોરાએ આ પ્રસંગની ઉજવણી કરી હતી.
• મોરિશિયસઃ ભારતીય સમુદાયે મંદિરોમાં દીવા પ્રગટાવ્યા હતા. હિંદુ કર્મચારીઓ માટે સરકારે બે કલાકની રજાની જાહેરાત કરી હતી. 48 ટકા વસતી ધરાવતા મોરિશિયસમાં તમામ મંદિરોમા પુજાપાઠ થયા હતા. સનાતન ધર્મ મંદિર સંગઠન તરફથી આયોજિત વિશેષ કાર્યક્રમમાં વડા પ્રધાન પ્રવીંદ કુમાર જગનીથે મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. 100 સ્થાને પ્રાણ પ્રતિષ્ઠા સમારંભનું સીધું પ્રસારણ થયું હતું.
• ઓસ્ટ્રેલિયાઃ રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઓસ્ટ્રેલિયામાં પણ જશ્નનો માહોલ હતો. સેંકડો મંદિરોમાં કાર્યક્રમોનું આયોજન થયું હતું સિડનીની કાર રેલીમાં 100 કાર્સે ભાગ લીધો હતો. મેલબોર્ન તથા અન્ય શહેરોમાં ભારતીય મૂળના લોકોએ ફટાકડાં ફોડીને દિવાળી જેવી જ ઉજવણી કરી હતી. કેનબેરામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ જોવા ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.
• તાઇવાનઃ ભારતીય સમુદાયે અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વસંધ્યા પર રામધૂન અને ભજનકીર્તનનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ભારે ઉત્સવ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ એકબીજાને ભેટીને રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની વધામણી આપી હતી. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આધ્યાત્મિક ઉત્સાહ ઊડીને આંખે વળગતો હતો. સૌ જાણે રામમય બની ગયા હતા. ઇન્ડિયન એસોસિયેશન ઓફ તાઇવાને કહ્યું કે, અમે અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના લાઇવ સ્ટ્રીમિંગની પણ વ્યવસ્થા કરી હતી.
• ન્યૂઝીલેન્ડઃ અયોધ્યાના રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભને મુદ્દે ન્યૂઝીલેન્ડના પ્રધાન મેલિસા લીએ વીડિયો સંદેશો જારી કર્યો હતો. તેમણે વીડિયો સંદેશામાં વિશ્વભરના ભારતીયોને શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું કે રામમંદિરને પુનર્જીવિત કરવાના વડાપ્રધાન મોદીના દૃઢ સંકલ્પને કારણે સપનું સાકાર થયું છે. વડાપ્રધાન મોદી સતત ભારતના લોકોની ભલાઇમાં કામ કરતા રહ્યા છે. ન્યૂઝીલેન્ડના બીજા એક મંત્રી ડેવિડ સેમોરે કહ્યું કે, જય શ્રીરામ. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બધા ભારતીયોને અભિનંદન આપું છું. આ પીએમ મોદીનું નેતૃત્વ જ હતું જેણે 500 વર્ષ બાદ રામમંદિર નિર્માણને સંભવ બનાવ્યું. મંદિર ભવ્ય છે અને આવતાં એક હજાર વર્ષ સુધી રહેશે. રામમંદિર જવામાં મને ખુશી મળશે. તેમણે કહ્યું કે, હું પીએમ મોદીનાં સાહસ અને જ્ઞાનને બિરદાવું છું. તેઓ એક અબજ કરતાં વધારે લોકોને દુનિયાના પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે.
• ડેનમાર્કઃ અહીં હિંદુ સ્વયંસેવક સંઘે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી. અહીં દિવ્ય સભાનું આયોજન થયું હતું. ડેનમાર્કના રાજદૂત પુજા કપુરે પણ રામના ગુણગાન કર્યા હતા. ઉત્સવ દરમિયાન અક્ષતનું વિતરણ થયું હતું.
• ફ્રાન્સઃ રાજધાની પેરિસ ખાતે આવેલા એફિલ ટાવરને પણ પ્રાણ પ્રતિષ્ઠા માટે સજાવાયો હતો. ફ્રાન્સના પેલેસ ડી લા ચેપલથી રથયાત્રાનું આયોજન કરાયું હતું. સાથે જ ચેપલની નજીક વિશ્વકલ્યાણ યજ્ઞનું આયોજન કરાયું હતું.

