પર્થ: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા બાદ શ્રીરામલલા તેમના મંદિરમાં વિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં પણ ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 721 ફૂટ ઊંચાઇ ધરાવતું આ મંદિર વિશ્વનું સૌથી ઊંચું મંદિર હશે. મંદિરનું નિર્માણ શ્રીરામ વૈદિક અને સાંસ્કૃતિક ટ્રસ્ટ દ્વારા કરાશે. 150 એકર જગ્યામાં 600 કરોડ રૂપિયાના ખર્ચે મંદિરનું નિર્માણ થશે. શ્રીરામ વૈદિક અને સાંસ્કૃતિક ટ્રસ્ટના હોદ્દેદારો તથા તેમના પરિવારજનોનું એક પ્રતિનિધિમંડળ અયોધ્યાના રામમંદિરે દર્શન કરવા પણ આવશે.
પર્થનું મંદિર આ વિશેષતાઓ ધરાવતું હશે
• મંદિર પરિસરમાં હનુમાન વાટિકા, સીતા વાટિકા, જટાયુ બાગ, શબરી વન. જામવંત સદન અને ગુરુ વશિષ્ઠ જ્ઞાનકેન્દ્ર હશે. એક કેન્ડલ પોર્ચ, ચિત્રકૂટ વાટિકા, પંચવટી વાટિકા ઉદ્યાન હશે.
• સીતા રસોઇ રેસ્ટોરન્ટ, રામાયણ સદન લાઇબ્રેરી અને તુલસીદાસ હોલ જેવા સાંસ્કૃતિક સ્થળો પણ બનાવાશે. પરિસરની 55 એકર જગ્યામાં સનાતન વૈદિક વિશ્વવિદ્યાલયનું નિર્માણ કરાશે. સાથે જ હનુમાન વાટિકામાં હનુમાનજીની 108 ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના કરાશે.
• શિવ સપ્તસાગર નામનો કુંડ બનાવાશે, જેમાં શિવજીની 51 ફુટની મૂર્તિ હશે. યોગા કોર્ટ, મેડિટેશન કોર્ટ, વેદ લર્નિંગ સેન્ટર, રિસર્ચ સેન્ટર તથા મ્યૂઝિયમ સહિતના આધ્યાત્મિક સ્થળો હશે. વૈદિક ગ્રંથોના અભ્યાસ તેમજ પ્રચાર-પ્રસાર માટે વાલ્મીકિ કેન્દ્ર પણ બનાવાશે.

