એક મુસ્લિમ યુવતીને ભગવાન રામથી પ્રેમ છે. આ વાક્યની પૂરી વાત રોમાંચિત કરનારી છે. હકીકતમાં મુંબઈની રહેવાસી શબનમ 21 ડિસેમ્બરના રોજ મુંબઈથી અયોધ્યા સુધીની પગપાળા યાત્રાએ નીકળી છે. તેની સાથે તેના સાથી રમન રાજ શર્મા અને વિનિત પાંડે પણ છે. શબનમ 1425 કિમીનું અંતર પગપાળા કાપવાની છે, પણ રામધુનમાં તેને થાક લાગી રહ્યો નથી.
શબનમને મુસ્લિમ હોવા ઉપર ગર્વ છે અને કહે છે કે રામની પૂજા કે તેને માનવા માટે હિંદુ હોવું જરૂરી નથી. જરૂર માત્ર એક સારા માણસ બનવાની છે. શબનમ વર્તમાન સમયે મધ્ય પ્રદેશથી આગળ નીકળી ચૂકી છે. તે સાથીદારો સાથે દરરોજ 25-30 કિમીનું અંતર કાપે છે. ભગવાન રામની ભક્તિમાં એટલી તલ્લીન છે કે અયોધ્યા પહોંચવાની કોઈ તારીખ નક્કી કરી નથી. અત્યારે શબનમ અને તેના સાથીદારોની સોશિયલ મીડિયા ઉપર ખુબ ચર્ચા થઈ રહી છે. શબનમને યાત્રા અંગે સવાલ પૂછવામાં આવતા કહ્યું હતું કે તે સંદેશ આપવા માગે છે કે ભગવાન રામ સૌના છે. તેઓ કોઈ જાતિ ધર્મ સાથે બંધાયેલા નથી. તેઓ ભારત જ નહીં, પૂરી દુનિયાના છે.

