ઊગતો સૂર્ય અને આથમતો સૂર્ય જોયો
છે ?
પરોઢિયે પૂર્વ દિશામાંથી ઊગતો સૂર્ય સાંજ થતાંમાં પશ્ચિમ દિશામાં આથમી જાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સંદેશો આપે છે કે, જે ઊગે છે એ આથમે પણ છે !
રુબી માયર્સના જીવનની ભરતી અને ઓટ વિશે જાણીએ તો આ સત્ય એકદમ સાચું જણાય. રુબી માયર્સ એટલે સુલોચના નામે અત્યંત મશહૂર થયેલી મૂક ફિલ્મોની અભિનેત્રી. રુબી માત્ર અભિનેત્રી નહોતી, સપનાની રાણી અને ક્વીન ઓફ રોમાન્સ-રોમાન્સની રાણી તરીકે પ્રખ્યાત થયેલી મૂક ફિલ્મોની એ પ્રથમ સુપરસ્ટાર હતી. સિનેમામાં કરેલા અણમોલ પ્રદાનને પગલે સુલોચનાને ૧૯૭૩માં સિનેજગતના સર્વોચ્ચ ગણાતા દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવેલી. આ રુબીની ફિલ્મી કારકિર્દીનો સૂર્ય પૂનમના ચંદ્રની જેમ ઝળહળ્યો અને અમાસના ચાંદની જેમ આથમી ગયેલો. રુબીના જીવન પરથી બોધપાઠ મળે છે કે, જે ઊગે છે એ આથમે પણ છે !
રુબી માયર્સનો જન્મ ૧૯૦૭માં પુણે, મહારાષ્ટ્રમાં થયેલો. રુબી ભારતમાં રહેનારી બ્રિટિશ મૂળની યહૂદી હતી. પોતાનો ખર્ચો કાઢવા રુબીએ ટેલિફોન ઓપરેટર તરીકેની નોકરી શરૂ કરી. રુબીની રૂપરાશિ ત્યાં પણ સહુના આકર્ષણનું કેન્દ્ર બની. એક દિવસ કોહિનૂર ફિલ્મ કંપનીના માલિક અને નિર્દેશક મોહન ભવનાનીની નજર રુબી પર પડી. એમણે રુબીનું સૌંદર્ય જોઈને પૂછ્યું, ‘ફિલ્મોમાં કામ કરવું છે ?’ રુબીએ ઇનકાર કર્યો. પણ મોહન ભવનાની લાગેલા રહ્યા. આખરે રુબીનું પથ્થરદિલ પીગળ્યું. એણે ફિલ્મોમાં કામ કરવાની તૈયારી દર્શાવી.
વર્ષ ૧૯૨૫... રુબી માયર્સની પહેલી મૂક ફિલ્મ ‘વીરબાલા’ નામે પ્રદર્શિત થઈ. વીર બાલા એટલે બહાદુર બાળા. ફિલ્મ ઈમોશનલ-રોમેન્ટિક ફેમિલી મેલોડ્રામા હતી. જે કોઈ સુલોચનાના રૂપસાગરને સિનેમાના પરદે જોતું, એ એને જોયા જ કરતું. ‘વીરબાલા’ ફિલ્મમાં નાયિકા તરીકે ‘મિસ રુબી’ નામે એને ક્રેડિટ મળી. દરમિયાન, નિર્દેશક મોહન ભવનાનીએ રુબીની કથ્થઈ આંખો જોઈને કહ્યું, આજથી તારું નામ સુલોચના..’ ત્યારથી રુબી માયર્સ સુલોચના બની.
સુલોચના અભિનયસમ્રાજ્ઞી હતી. મૂક ફિલ્મોની સૌથી લોકપ્રિય અભિનેત્રી હતી. લોકપ્રિય હોવાને કારણે સંપન્ન પણ હતી. નિર્માતા-નિર્દેશકો એને પોતાની ફિલ્મમાં ચમકાવવા માટે મોં માંગ્યા દામ આપવા તૈયાર થઈ જતા. સુલોચના નિ:સંકોચપણે નાણાં વસૂલતી. પરિણામે અભિનેતાઓ સાયકલસવારી કરીને ફિલ્મ સ્ટુડિયોએ આવતા ત્યારે સુલોચના શેવરોલેટ અને રોલ્સરોય જેવી લકઝરિયસ ગાડીમાં સેટ પર પહોંચતી. સુલોચના એકમાત્ર એવી અભિનેત્રી હતી જે હીરો કે અભિનેતા કરતાં પણ વધારે ફી લેતી હતી. જયારે મોટા ગણાતા અભિનેતાઓ ફિલ્મદીઠ સો રૂપિયામાં કામ કરતા, એવા સમયે સુલોચના એક ફિલ્મના પાંચ હજાર રૂપિયા લેતી. એવું કહેવાય છે કે મહારાષ્ટ્રના ગવર્નરના પગાર કરતાં પણ વધુ ચૂકવણું સુલોચનાને કરાતું.
કહેવાય છે કે ચડતી પછી પડતી આવે છે. મૂક ફિલ્મોનો જમાનો હતો ત્યાં સુધી સુલોચના પ્રથમ ક્રમાંકની અને પહેલી હરોળની અભિનેત્રી બની રહી. પણ પછી બોલતી ફિલ્મોનો યુગ શરૂ થયો. પહેલી બોલતી ફિલ્મ ‘આલમઆરા’નું નિર્માણકાર્ય શરૂ થયું. સુલોચના સૌથી લોકપ્રિય અભિનેત્રી હોવા છતાં ‘આલમઆરા’માં ઝુબેદાને મુખ્ય ભૂમિકામાં લેવામાં આવી. એનું કારણ એ કે સુલોચનાને હિન્દી બોલવાની ફાવટ નહોતી. નબળા હિન્દીને કારણે સુલોચનાને ઘણી ફિલ્મો જતી કરવી પડી. પણ સુલોચનાએ પરાજય ન સ્વીકાર્યો. એણે સિનેમામાં એક વર્ષનો બ્રેક લઈને હિન્દી પર પ્રભુત્વ મેળવ્યું. દરમિયાન, ૧૯૩૦માં સુલોચનાએ પોતાનું નિર્માણગૃહ રુબી પિક્સ શરૂ કર્યું. સુલોચનાએ પોતાની લોકપ્રિય મૂક ફિલ્મોનું બોલતી ફિલ્મમાં રૂપાંતર કર્યું. પોતાનું નિર્માણગૃહ હોવા છતાં અને સૌથી વધુ મહેનતાણું મેળવતી અભિનેત્રી હોવા છતાં નવી અભિનેત્રીઓના સિનેપ્રવેશથી સુલોચનાની ભરતીએ ચડેલી લોકપ્રિયતામાં ઓટ આવવા લાગી. સુલોચના ૧૦ ઓક્ટોબર ૧૯૮૩ના ગુમનામીની ગોદમાં મૃત્યુ પામી. ભારત સરકારે સુલોચનાની સ્મૃતિમાં ૩ મે ૨૦૧૩ના પાંચ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડી. ટિકિટ પરની સુલોચના જાણે કહી રહી હોય કે, જેનો ઉદય થાય છે એનો અસ્ત પણ થાય જ છે !

