મેક્સિકોને મળ્યું પ્રથમ રામમંદિર

Wednesday 24th January 2024 07:19 EST
 
 

મેક્સિકોઃ અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સંપન્ન થઈ ચૂક્યો છે. વિશ્વભરના લોકોમાં આ કાર્યક્રમને મુદ્દે ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે અરસામાં મેક્સિકોને પ્રથમ રામમંદિર મળ્યું છે. મેક્સિકોના ક્વેરેટારો શહેરમાં નવા રામ મંદિરને મુદ્દે સોશિયલ મીડિયામાં વિવિધ પ્રતિક્રિયા સામે આવી રહી છે. મેક્સિકોમાં ઊભા થયેલા મંદિરમાં ભારતથી આવેલી ભગવાન રામ, માતા જાનકી અને લક્ષ્મણની મૂર્તિઓની સ્થાપના થઈ છે. અમેરિકી-ભારતીય મૂળના એક પૂજારીએ વિધિવિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. પ્રવાસી ભારતીયો દ્વારા આ પ્રસંગે ભજન, કીર્તન, શાસ્ત્રીય સંગીતનું પણ આયોજન થયું હતું. ભારતીય સમુદાયના લોકોની સાથે મેક્સિકન નાગરિકો પણ ઉત્સવમાં ભાગ લેવા જોડાયા હતા. સેંકડો લોકોએ મંદિરમાં પૂજા કરી હતી. દૂતાવાસે લખ્યું કે વાતાવરણ રામમય હતું, દિવ્ય ઊર્જાથી વાતાવરણ ભરેલું હતું. મેક્સિકોમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ ઘટનાની જાણકારી આપી હતી. પોસ્ટમાં જણાવ્યું હતું કે અયોધ્યામાં રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા યોજાય તેની પૂર્વસંધ્યાએ મેક્સિકોને પ્રથમ રામમંદિર મળી ગયું છે. દેશનું આ પ્રથમ રામમંદિર છે.


comments powered by Disqus