રવાન્ડા યોજનાઃ સુનાકની ડગલે પગલે અગ્નિપરીક્ષા

Wednesday 24th January 2024 05:35 EST
 

ગેરકાયદેસર માઇગ્રન્ટ્સનો મુદ્દો વડાપ્રધાન રિશી સુનાકની ડગલે અને પગલે અગ્નિપરીક્ષા લઇ રહ્યો છે. યુકેમાં ઇંગ્લિશ ચેનલ પાર કરી આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલી આપવાની યોજના માટેના ખરડાને હાઉસ ઓફ કોમન્સ દ્વારા મંજૂરી આપી દેવાઇ છે પરંતુ આ વૈતરણી પાર કરવામાં રિશી સુનાકને લોઢાના ચણા ચાવવાની નોબત આવી હતી. પોતાની જ પાર્ટીના સાંસદોને એકજૂથ રાખવામાં રિશી સુનાક સફળ રહ્યાં છે પરંતુ હવે તેમની મુખ્ય અગ્નિપરીક્ષા હાઉસ ઓફ લોર્ડ્સની મંજૂરી મેળવવામાં થશે. સુનાક હાઉસ ઓફ લોર્ડ્સને બ્રિટિશ જનતાની લાગણીઓને માન આપવાની અપીલ કરી ચૂક્યા છે. સુનાક સરકારના આ ખરડાને હાઉસ ઓફ લોર્ડ્સમાં ઘણા અવરોધોનો સામનો કરવો પડી શકે છે. કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી જ થઇ રહેલા વિરોધના કારણે રિશી સુનાકને રવાન્ડા યોજનામાં સતત પીછેહઠ કરવાની ફરજ પડી રહી છે. અગાઉ તેમણે ઘોષણા કરી હતી કે આગામી વસંત સુધીમાં માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલવાનું શરૂ કરી દેવાશે પરંતુ હવે તેમને એમ કહેવાની ફરજ પડી રહી છે કે આગામી સંસદની ચૂંટણી સુધીમાં રવાન્ડા યોજના અમલમાં આવી જશે. રવાન્ડા યોજનાનો ઝડપથી પ્રારંભ થાય તે માટે સુનાક ગંભીર પ્રયાસો કરી રહ્યાં છે પરંતુ હાલ પુરતું તો તેમને કોઇ રાહત મળે તેવા કોઇ સંકેત મળી રહ્યાં નથી. રવાન્ડા યોજનામાં વિલંબથી ટોરી બળવાખોર સાંસદો વધુ મજબૂત બનીને સામે આવે તેવી પણ સંભાવનાઓ છે. રવાન્ડા બિલમાં આકરી જોગવાઇઓ કરવા માટે 45 જેટલા ટોરી સાંસદો પ્રયાસ કરી રહ્યાં છે. હાઉસ ઓફ કોમન્સમાં બિલ પસાર થવા પાછળ જવાબદાર મુખ્ય ભય એ હતો કે સરકારનું અકાળે મૃત્યુ ન થાય. આમ ટોરી પાર્ટીમાં હવે રવાન્ડા મુદ્દો નીતિવિષયક નહીં પરંતુ રાજકીય બની ચૂક્યો છે. ટોરીઝને ભય છે કે જો સુનાકના ઇમિગ્રેશન પ્લાન સફળ નહીં થાય તો પાર્ટીને આગામી સંસદની ચૂંટણીમાં મોટું નુકસાન થઇ શકે છે.


comments powered by Disqus