રામ રતન ધન પાયો...

Wednesday 24th January 2024 08:38 EST
 
 

અયોધ્યાઃ સોમવારે રામલલાની નીજગૃહમાં પધરામણી થતાં જ સકળ વિશ્વમાં આનંદ-ઉલ્લાસનું મોજું ફરી વળ્યું છે. 84 સેકન્ડના અભિજિત મૂહુર્તમાં રામલલાની શ્યામવર્ણી પ્રતિમાની અંજનશલાકા વિધિ સાથે જ હિન્દુઓની પાંચ સદી પુરાણી આતુરતાનો સુખદ અંત આવ્યો છે તો રામનગરીમાં ભવ્યાતિભવ્ય મંદિરનું નિર્માણ કરવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ 32 વર્ષ અને 7 દિવસે સાકાર થયો છે. અયોધ્યા સહિત વિશ્વભરમાં જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં દિવસ દરમિયાન ઉત્સવનો માહોલ હતો તો સાંજ ભવ્ય દીપોત્સવ અને આતશબાજીથી ઝળહળી ઉઠી હતી.

‘રામ આગ નહીં ઊર્જા છે,
વિવાદ નહીં સમાધાન છે’

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછીના ઐતિહાસિક સંબોધનનો જય શ્રી રામ... જય જય શ્રી રામ સાથે પ્રારંભ કરતાં કહ્યું હતું કે, ‘હું હમણાં ગર્ભગૃહમાં ઈશ્વરીય ચેતનાનો સાક્ષીને બનીને તમારી સામે ઉપસ્થિત થયો છું. કેટલું બધું કહેવાનું છે, પરંતુ ગળુ રુંધાઈ ગયું છે. મારું શરીર હજુ પણ સ્પંદિત છે, ચિત્ત હજુ પણ એ ક્ષણમાં લીન છે. આપણા રામલલા હવે ટેન્ટમાં નહીં રહે. આપણા રામલલા હવે આ દિવ્ય મંદિરમાં રહેશે. મારો પાક્કો વિશ્વાસ અને અપાર શ્રદ્ધા છે કે જે બન્યું છે, તેની અનુભૂતિ દેશના, વિશ્વના ખૂણા-ખૂણામાં રામભક્તોને થઈ રહી હશે. આ ક્ષણ અલૌકિક છે, આ ક્ષણ પવિત્રતમ છે.’
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, 22 જાન્યુઆરી 2024નો આ સૂર્ય અદ્ભૂત આભા લઈને આવ્યો છે. આ કેલેન્ડર પર લખેલી એક તારીખ નથી, પરંતુ આ એક નવા કાળચક્રનો ઉદય છે. ગુલામીની માનસિક્તાને તોડીને ઊભું થયેલું રાષ્ટ્ર, ભૂતકાળના દરેક ડંખમાંથી હિંમત લઈને આવી જ રીતે નવાં ઇતિહાસનું સર્જન કરે છે. આજથી હજાર વર્ષ પછી પણ લોકો આજની આ તારીખની, આજની આ ક્ષણની ચર્ચા કરશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પ્રભુ રામ તો ભારતના આત્માના કણ-કણથી જોડાયેલા છે. રામ ભારતવાસીઓના અંતર્મનમાં બિરાજેલા છે. દરેક યુગમાં લોકોએ રામને જીવ્યા છે. દરેક યુગમાં લોકોએ પોત-પોતાના શબ્દોમાં, પોત-પોતાની રીતે રામને અભિવ્યક્ત કર્યા છે. આ રામરસ જીવનના પ્રવાહની નિરંતર વહેતો રહેશે. રામકથા અસીમ છે અને રામાયણ પણ અનંત છે. રામના આદર્શ, મૂલ્ય અને જ્ઞાન દરેક જગ્યાએ એક સમાન છે. આજે આ ઐતિહાસિક સમયમાં દેશ એ વ્યક્તિત્વોને પણ યાદ કરી રહ્યો છે, જેમના કાર્ય અને સમર્પણને લીધે આજે આપણે આ શુભ દિવસ જોઈ રહ્યા છીએ.
વડાપ્રધાને ભાવપૂર્વક જણાવ્યું કે, રામ આગ નહીં, રામ ઊર્જા છે. રામ વિવાદ નહીં, રામ સમાધાન છે. રામ ફક્ત આપણા નથી, રામ તો સૌના છે. આજે હું સંપૂર્ણ પવિત્ર મનથી અનુભવી રહ્યો છું કે કાળચક્ર બદલાઈ રહ્યું છે. આ સુખદ સંયોગ છે કે આપણી પેઢીને એક કાળજયી પથના શિલ્પકારના રૂપમાં પસંદ કરી છે. હજારો વર્ષ પછીની પેઢી રાષ્ટ્રનિર્માણના આપણા આજના કાર્યોને યાદ કરશે. એટલા માટે હું કહું છું કે, આ સમય છે, યોગ્ય સમય છે. આ ભવ્ય રામ મંદિર સાક્ષી બનશે - ભારતના ઉત્કર્ષનું. આ મંદિર સાક્ષી બનશે – ભારતના ઉદયનું, ભારતની ઉન્નતિ, વિકસિત ભારતનું.

વક્તવ્યના મુખ્ય અંશો...

• આપણા રામલલા હવે ટેન્ટમાં નહીં રહે. આપણા રામલલા હવે આ દિવ્ય મંદિરમાં રહેશે. • 22 જાન્યુઆરી 2024નો આ સૂર્ય અદ્ભૂત આભા લઈને આવ્યો છે. • ન્યાયના પર્યાય શ્રીરામનું મંદિર પણ ન્યાયબદ્ધ રીતથી બન્યું. • ભારતની ન્યાયપાલિકાએ ન્યાયની લાજ રાખી લીધી. • રામ ભારતની આસ્થા છે, ભારતનો આધાર છે. • આદિવાસી મા શબરી કયારની કહેતી હતી - રામ આયેંગે. • હજાર વર્ષ પછીની પેઢી રાષ્ટ્ર નિર્માણના આપણા આજના કાર્યોને યાદ કરશે.

અવધ મેં આનંદ ભયો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સોમવારે અભિજીત મૂહુર્તમાં અયોધ્યામાં - ભવ્યાતિભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામલલ્લાના નવીન વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ હતી. દેશ-વિદેશમાંથી લાખો-કરોડો ભક્તો આ પાવન પળના સાક્ષી બન્યા હતા. આ સાથે જ ભક્તોની 500 વર્ષ લાંબી ઇંતેજારીનો અંત આવ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન હેલિકોપ્ટરથી નવનિર્મિત રામજન્મભૂમિ મંદિર પર પુષ્પ વર્ષા કરાઈ હતી. દેશ-વિદેશમાંથી રાજકારણ, ફિલ્મ, રમત-ગમત જગતની હસ્તીઓથી લઈને હજારો સાધુ સંતોએ આ રામોત્સવમાં ભાગ લીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન રામને સાષ્ટાંગ નમન કર્યું હતું. આની સાથે જ તેમણે 11 દિવસના અનુષ્ઠાન પછી ઉપવાસ છોડ્યો હતો. આ પહેલા સોનેરી રંગનો કુર્તો, ક્રીમ કલરની ધોતી અને ઉત્તરી પહેરેલા વડાપ્રધાન નવનિર્મિત રામ મંદિરના મુખ્ય દ્વારથી પગપાળા સ્થળ પર પહોંચ્યા હતા અને ગર્ભગૃહમાં પ્રવેશ્યા હતા. હાથમાં લાલ રંગના કપડામાં લપેટેલી ચાંદીની છત્રી પણ લાવ્યા હતા. અભિષેક સમારોહ દરમિયાન વગાડવામાં આવેલી સુરીલી ‘મંગલ ધ્વનિ’માં દેશભરમાંથી 50 પરંપરાગત વાદ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયા પછી મોડી સાંજે ‘રામ જ્યોતિ’ પ્રગટાવીને રામનગરી સહિત સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી કરાઈ હતી. સાંજે 10 લાખ દીવડા સાથે અયોધ્યા પ્રજ્વલ્લિત બની ગઈ હતી. તો રાત્રિના સમયે આકાશ આતશબાજીથી ઝળીહળી ઉઠ્યું હતું.
રામભક્તોએ ઘરો, વેપારી સંસ્થાનો અને પૌરોણિક સ્થળોએ ‘રામ જ્યોતિ’ પ્રજ્જવલિત કરીને, મિઠાઈ વહેંચીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. અયોધ્યામાં સરયૂ નદીના કાંઠા માટીથી બનેલા દીવડાથી દૈદીપ્યમાન થયા હતા.
દીપોત્સવ પછી લેસર શોનું આયોજન કરાયું હતું. શ્રી રામ મંદિરમાં ભગવાન રામનું ચિત્રણ કરતા એક ભવ્ય લેસર અને લાઈટ શોએ તમામના મન મોહી લીધા હતા. આ લેસર શોની રોશનીથી માત્ર રામલલાનું મંદિર જ નહિ, પરંતુ તમામ સંકુલમાં ઝળહળાટ વ્યાપી ગયો હતો.
84 સેકન્ડની પૂજન વિધિ
84 સેકન્ડની થોડીક ક્ષણોમાં સદીઓની આતુરતાનો અંત આવ્યો ત્યારે રામલલ્લાના ભક્તોની આંખ આસ્થાથી તરબોળ થઈ અને હર્ષાશ્રુ વહેવા લાગ્યાં. જાણે સમગ્ર બ્રહ્માંડ એકસુરે રામનામના જયકારથી ગૂંજી ઊઠ્યું હતું.
રામજન્મભૂમિ મંદિરના 70 એકરના પરિસરમાં સોમવારે પાંચેય શિખર, ત્રણેય સ્તર અને 161 ફૂટના વિશાળ મંદિરના ભવ્ય ગર્ભગૃહમાં એવું તેજ પ્રકાશ્યું જાણે રામલલ્લાના મન મોહી લેનારા સ્વરૂપમાં સ્વયં પરમાત્માનો વાસ થયો ન હોય! જેમણે પણ નિહાળ્યું, અપલક નજરે નિહાળતાં જ રહ્યા.
બપોરે 12:29:08થી 12:30:32 વચ્ચેની 84 સેકન્ડના અત્યંત શુભ મુહૂર્તમાં સુવર્ણ સિંહાસન પર બિરાજેલા બાળસ્વરૂપ શ્રીરામલલાના વિગ્રહમાં મંત્રોચ્ચારથી પ્રાણનું સ્થિરીકરણ કરાયું હતું. આ તકે, યજમાન અનિલ મિશ્ર અને પેજાવર મઠના સ્વામી વિશ્વ પ્રસન્ન તીર્થે એકસાથે અંદાજે 2 ફૂટ લાંબી સોનાની છડીને ભગવાનના હૃદયસ્થળ પાસે રાખી હતી. આચાર્ય સુનીલ દીક્ષિતની સાથે આચાર્યોની ટુકડી બીજમંત્રોનો સસ્વર પાઠ કરી રહી હતી. પછી ઋષ્યાદિ ન્યાસનો પાઠ કરાયો. ન્યાસપાઠની સાથે પ્રાણનું સ્થિરીકરણ કરવામાં આવ્યું.
એ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બપોરે બરાબર 12.05 વાગ્યે મંદિર પરિસરમાં પ્રવેશ કર્યો. તેમના હાથમાં એક ટોપલી હતી, જેમાં લાલ ચૂંદડીમાં શ્રીરામલલ્લા માટે ચાંદીના છત્રની ભેટ મૂકવામાં આવી હતી.


comments powered by Disqus