રામમંદિરનાં દ્વારની સાથેસાથે અયોધ્યામાં ખૂલ્યા રોજગારના દ્વાર

Wednesday 24th January 2024 08:14 EST
 
 

નવી દિલ્હી: શ્રી રામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયા પછી લાખો પ્રવાસીની અવરજવર વધતાં આતિથ્ય, પવાસ અને પર્યટન ક્ષેત્રે રોજગારીની 20,000 નવી તકોનું સર્જન થશે. રામમંદિરની મુલાકાતે દરરોજ લાખો શ્રદ્ધાળુ આવતા થતાં કંપનીઓ તે પછી પણ કર્મચારીની સંખ્યા વધારતી જ જશે. રેનસ્ટેન્ડ ઇન્ડિયાના મુખ્ય વાણિજ્ય અધિકારી યેશાબ ગિરિએ જણાવ્યું હતું કે, ‘અયોધ્યા આવનારા ગણતરીના વર્ષોમાં વૈશ્વિક પર્યટન મથક બની રહેતાં દરરોજ ઓછામાં ઓછા ત્રણથી ચાર લાખ શ્રદ્ધાળુ અયોધ્યાની મુલાકાતે આવતા થશે.’
અયોધ્યા ખાતે શ્રદ્ધાળુની અવરજવર વધતાં અત્યારથી જ રોકાણ સ્થાન અને પ્રવાસની માગ વધી રહી છે. અયોધ્યામાં આતિથ્ય ઉદ્યોગ ફાલવાફૂલવા લાગ્યો છે. આ ઉદ્યોગે પોતાની ક્ષમતાઓના વિસ્તારની કામગીરી શરૂ કરી દીધી છે. ગિરિએ જણાવ્યું હતું કે આ સ્થિતિને કારણે દર વર્ષે 20થી 25 હજાર રોજગારીની કાયમી અને હંગામી તકો ઊભી થતી રહેશે. હોટલ સ્ટાફ, હાઉસકીપિંગ, રસોઈયા, દુભાષિયા ટૂરિસ્ટ ગાઈડ સહિતના મોરચે માગ ઉત્તરોત્તર વધતી રહેશે.
6 માસમાં જ નવી રોજગારીની 10 હજાર તક સર્જાઈ
ટીમ લીઝ કંપનીના અધિકારી બાલાસુબ્રમણ્યમના જણાવ્યા મુજબ આતિથ્ય, પ્રવાસ અને પર્યટન મોરચે વીતેલા 6 મહિનામાં હોટલ સ્ટાફ, રસોઇયા, સેવકો, ડ્રાઇવર્સના સ્વરૂપમાં 10થી 20 હજાર નોકરીની તકો ઊભી થઇ છે. આ વર્ષના અંત સુધીમાં કે વર્ષ 2025ના આરંભ સુધીમાં માત્ર અયોધ્યા જ નહીં પરંતુ નજીકના લખનઉ, કાનપુર, ગોરખપુર જેવા શહેરોમાં હોટલ મેનેજમેન્ટ, રેસ્ટોરન્ટ, લોજિસ્ટિક મેનેજર્સ ડ્રાઇવરના રૂપમાં હજારો રોજગારીની તકો ઊભી થવાની સંભાવના છે. આવનારા ત્રણ-ચાર મહિનામાં જ મંદિરે આવતા શ્રદ્ધાળુ અને જરૂરી માનવશક્તિનો અંદાજ આવી જશે. મંદિર નિર્માણ કામગીરી શરૂ થઈ ત્યારથી રોજગારમાં વધારો થયો છે.


comments powered by Disqus